Abtak Media Google News

વિશ્વ સાક્ષરતા દિવસ જગતમાં દર વર્ષે 8 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. 1965ના વર્ષમાં 17 નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. 1966ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.

કોઈ પણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આક પરથી નક્કી થાય. દેશની શિક્ષિત પ્રજા જ દેશનો વિકાસ કરી શકે. વિશ્વમાં શાંતિ અને સારા સમાજના નિર્માણ માટે સાક્ષરતાનું મહત્વ ખુબ જ છે. વિશ્વના સૌથી વિકસિત દેશોનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે  શિક્ષિત પ્રજા જ દેશને આગળ વધવામાં મહત્વનો ફળો ધરાવે છે. શિક્ષણનું મહત્વ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે.

સાક્ષરતાનું તાત્પર્ય એ છે કે, લખવું, વાંચવું અને સમજવું. સાક્ષરતા મનુષ્યના વિકાસ અને ક્ષમતાને સક્ષમ બનાવવાની પ્રાથમિક-બુનિયાદી આવશ્યકતા છે. વિકાસશીલ દેશોમાં શિક્ષણ અને આરોગ્ય સંબંધિત વિષયોને પ્રાધાન્ય આપવામાં આવે છે. દેશની પ્રગતિ-વિકાસમાં આ બે મુદ્દાઓ મહત્ત્વના હોય છે

એક અભ્યાસ મુજબ એશિયાના કેટલાક દેશોની સરખામણીમાં ગુજરાતમાં સાક્ષરતાનો દર કુલ વ્યક્તિઓની રીતે 2001માં  69.1% હતો જયારે 2011માં 79.3% હાલના અભ્યાસ મુજબ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74.04% છે.  સ્ત્રીઓમાં સાક્ષરતા દર ગુજરાતમાં 2011માં 70.7% જેની સરખામણીએ ભારતમાં તે દર 65.46% જોવા મળ્યું છે. આમ પ્રમાણ વધવા સાથે એ પણ એટલું જ સાચું છે કે ગુજરાતમાં પુરુષોમાં 82.14%ની સરખામણીએ સ્ત્રીઓમાં 65.46% સાક્ષરતા દર હોવાથી  હજુ ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ગામડાઓમાં સ્ત્રીઓમાં શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા વધુ જોવા મળે છે.

આમ છતાં આઝાદીની 72 વર્ષની મજલ પછી દેશની શૈક્ષણિક પરિસ્થિતિ ઉપર નજર નાખીએ તો દેશની ૨૫ ટકા વસતી ક્યારેય સ્કૂલનાં પગથિયાં ચડી નથી, એટલે કે શિક્ષણથી સંપૂર્ણ વંચિત છે. આ સંદર્ભમાં દેશની સાક્ષરતાની પરિસ્થિતિનું આંકડાકીય અવલોકન શૈક્ષણિક વિકાસની વાસ્તવિકતાનું સાચું દર્શન કરાવે છે. આવો, કેટલીક હકીકતો અને તથ્ય-તારણો દ્વારા એનું આચમન કરીએ.

ભારતીય બંધારણની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધીન ૧૫ થી ૩૫ વયજુથની વ્યક્તિઓને સાક્ષર કરવાના હેતુથી તા. 5 મે 1988ના રોજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ૩ તબક્કામાં સંપૂર્ણ સાક્ષરતા, અનુ સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. ગુજરાતમાં 1991માં સંપૂર્ણ સાક્ષરતા કાર્યક્રમ હેઠળ પ્રથમ ૨ જીલ્લા ગાંધીનગર અને ભાવનગર બાદ તબક્કાવાર બધા જીલ્લાઓને આવરી લેવાયા. થોડા વખત માટે રાત્રી વર્ગો, પ્રૌઢો માટે વર્ગોમાં મોટી ઉમરના લોકો કે જે નિરક્ષર રહી ગયા હતા તેમને સાક્ષર કરવામાં આવતા હતા.

સરકાર દ્વારા નિરંતર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય અને શહેરી બેય વિસ્તારોમાં નિરક્ષર વ્યક્તિઓને શિક્ષણ આપી રાજ્યને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું નિરંતર શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓમાં શિક્ષકોએ સજાગપણે શાળાના બાળકોમાં ડ્રોપ-આઉટ રેશીઓ ઘટાડવા સાથે કન્યાકેળવણીમાં ઉદાસીનતા માટે કારણભૂત પરિબળો જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. તો આ અંતર્ગત “સબ પઢે સબ બઢે” , “પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા” અને “ઈચ વન ટીચ વન”  “બેટી બચાઓ બેટી પઢાવો”જેવા સુત્રોને સાર્થક કરવા દરેક જાગૃત નાગરિક અને સામાજિક સંસ્થાઓ પણ વિવિધ સાક્ષરતા કાર્યકમો દ્વારા આસપાસમાં નિરક્ષર વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપી, પરોક્ષ રીતે રાજ્ય અને દેશમાંથી સંપૂર્ણ નિરક્ષરતા નાબુદી માટે સજ્જ બને એ જ આજના દિવસનો સંદેશ…!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.