Abtak Media Google News

અર્થતંત્રમાં બેનામી વ્યાપારોને કાબુમાં લેવા સરકાર દ્વારા વન ટાઈમ પાસવર્ડની જેમ આધાર લીંકને પણ ફરજીયાત કરાયું

ભારત દેશનાં અર્થતંત્રને વધુ મજબુત કરવા અને કાળાનાણાનાં ઉપાર્જન વપરાશ અને વિનીમયને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક સુધારાઓને વધુ સશકત બનાવવા માટે આગામી દિવસમાં બેંકોમાં મોટી રકમની ડિપોઝીટ અને મોટી રકમની ખરીદી, સોદાઓનાં વ્યવહારોમાં આધાર લીંક ફરજીયાત કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આવનારા સમયમાં અને નજીકનાં દિવસોમાં નિશ્ચિત રકમથી વધુનાં બેન્કિંગ વ્યવહારો અને વ્યકિતગત રીતે અપાયેલી રોકડનાં આર્થિક વ્યવહારોની મર્યાદાથી વ્યવહાર વધવાનાં કિસ્સામાં રૂપિયા જમા કરવામાં અને ઉપાડવામાં પાનકાર્ડની જેમ હવે આધારકાર્ડને ફરજીયાત બનાવવા માટે સરકાર પૂર્ણત: પ્રયાસ કરી રહ્યું છે.

Advertisement

અર્થતંત્રમાં બેનામી વ્યવહારો અને બે નંબરનાં કારોબારને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા ઈલેકટ્રોનિક કેવાયસી બાયોમેટ્રીક ટુલ્સ અને વન ટાઈમ પાસવર્ડની જેમ હવે આધાર લીંકીંગને વ્યવહારોમાં ફરજીયાત બનાવવા માટે આર્થિક સુધારાઓ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. સરકાર મોટી રકમનાં ટ્રાન્જેકશન જેમાં વિદેશી વિનીમયની ખરીદીની મર્યાદાથી વધુનાં રોકાણ માટે જે પાનકાર્ડ ફરજીયાત બનાવાયું છે તેવી જ રીતે હવે નિર્ધારીત કરેલી મર્યાદાથી વધુ રકમની મિલકત ખરીદીનાં વ્યવહારોમાં આધાર અને પાનકાર્ડને ફરજીયાત બનાવવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા નિશ્ચિત કરેલી મર્યાદામાં રોકડ વ્યવહારોની જોગવાઈનો અમલ વધુ સુદ્રઢ બનાવવા માટે મોટી રકમનાં નાણાકીય વ્યવહારોને નિયંત્રિત કરવા માટે પાનકાર્ડની સાથે આધારકાર્ડ ફરજીયાત બનાવવાની પ્રથાની શરૂઆત કરવામાં આવી રહી છે. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર આર્થિક વ્યવહારોની મર્યાદા નિશ્ચિત બનાવવામાં આવશે. જેમાં ૨૦ થી ૨૫ લાખ રૂપિયાનાં વાર્ષિક રકમને જમા અને ઉપાડનાં વ્યવહારોમાં આધારને ફરજીયાત બનાવવામાં આવશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર હવે પાનકાર્ડનો દુરઉપયોગ અને મોટી રકમનાં ટ્રાન્ઝેકશનમાં ખોટા પાન નંબર આપવાના ગુનામાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર આ પ્રકારનાં આર્થિક ગુનાને ડામવા તથા આર્થિક તસ્કરોને કાબુ કરવા માટે પાનકાર્ડની સાથે આધારનાં જોડાણથી જ મોટી રકમનાં ટ્રાન્ઝેકશનો કરવા વિચારી રહી છે. કોઈપણ વ્યકિતએ બેંકમાં મોટી રકમ જમા કરતી વખતે અથવા તો તે રકમની ઉપાડ વખતે આધાર નંબર આપવો ફરજીયાત બનશે. વાત કરવામાં આવે તો રોકડ વ્યવહારો ઘટાડવાની દિશામાં આ પગલું અસરકારક બનશે જોકે કરીયાણાનાં વેપારીઓ, દુકાનદારો તથા છુટક ધંધાર્થીઓ માટે દરેક ટ્રાન્જેકશન પર આધારકાર્ડની જરૂરીયાત નહીં રહે તે વાતની પણ સરકારે સ્પષ્ટતા કરી છે. જયારે મોટાભાગે બજારમાં ફરતી રોકડમાં કાળાનાણાંની લેતી-દેતીને દુર કરવાની ફરિયાદો નિયમિત અંતરાળ પર ઉઠી રહી છે ત્યારે સરકાર આ માટે ઝવેરાત, મોંઘી ઘડીયાળો, મિલકતની ખરીદીમાં હવે આધારને જોડવાનું વિચારી રહી છે. સરકાર આ પ્રથાને વધુને વધુ અસરકારક બનાવવા માટે તમામ પ્રકારનાં પગલાઓ લેવા માટે કટીબઘ્ધ છે અને તે દિશામાં આગળ પગલા પણ ભરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.