Abtak Media Google News

કહીં એન્જીન, કંહીં ટ્રામે, કહીં મોટર, કહીં બાઇક.! ચલતા હૈ યહાં સબ કુછ બિજલી કે બલ  પેટ્રોલ કા નહીં કહીં નામો નિશાં.. યહે હે ઇન્ડિયા મેરી જાન..! આઝાદીકાળનાં CID ફિલ્મના ગીતને બદલાતા સમયની સાથે હવે બદલીને ઉપર મુજબ મોડીફાય કરવું પડે એવા સંજોગોનું નિર્માણ થઇ રહ્યું છે. ભારત સરકાર દેશમાંથી પેટ્રોલ તથા ડિઝલ વાળા વાહનોના સ્થાને ઇલેક્ટ્રીક વાહનો લાવવાના પ્લાનમાં છૈ. સરકારે ગત સપ્તાહે જ  રૂપિયા ૧૦,૦૦૦ કરોડની યોજના પર અંતિમ મહોર મારી છે. અર્થાત આ તો બીજા તબક્કાની યોજના છે. મતલબ કે સરકાર લાંબા સમયથી આ ક્ષેત્રે કામ કરી રહી છે.કેન્દ્ર સરકારનાં ઓટોમોટિવ પ્લાન ૨૦૧૬-૨૬ પ્રમાણે આગામી એક દાયકામાં દેશના વાહનોની દિશા બદલવાનું આયોજન છે.

જો આયોજન સમયસર પાર પડેતો સાલ-૨૦૩૦ સુધીમાં એટલે કે આગામી એકાદ દાયકામાં ભારતના પેટ્રોલ પંપો દેશના PCO બુથ જેવા કે પોસ્ટ ઓફિસની પેટીઓ જેવા બની જશે. ઓફ કોર્સ તકલીફ પડશે, એમ તો જ્યારે પેટ્રોલ રીક્ષાઓને ફરજીયાત CNG કરાઇ ત્યારે પણ તકલીફ પડી જ હતી ને..! પણ આ તકલીફ દેશને વિકાસની પ્રદૂષણ મુક્ત ભારતની દિશામાં પુરઝડપે દોરી જશે.

સરકારે હાલમાં મુકેલી યોજના Faster Adoption and Manufacturing of Electric Vehicles in India(FAME-II)નો મુસદ્દો જણાવે છે કે આગામી ૧ લી એપ્રિલ ૨૦૧૯થી આ યોજનાનો અમલ શરૂ થશે. જેમાં ઇલેક્ટ્રિક તથા હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં ૧૦ લાખ રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક ટુ વ્હિલર ને તેની એક્સ-ફેક્ટરી કિંમતમાં ૨૦,૦૦૦ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે. આજ રીતે પાંચ લાખ રૂપિયાની કિંમત સુધીની પાંચ લાખ ઇલેક્ટ્રિક રિક્ષાઓને પણ ૫૦,૦૦૦ રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત ૧૫ લાખ રૂપિયા સુધીની કિંમતની ૩૫૦૦૦ ઇલેટ્રિક કાર ને પણ ૧.૫ લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે.જ્યારે બે કરોડ રૂપિયાની કિંમત સુધીની ૭૦૯૦ બસને ૫૦ લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે. બાકી હોય તો ૧૫ લાખની કિંમત સુધીનાં ૨૦૦૦૦ હાઇબ્રિડ ફોર વ્હિલર વાહનોને વાહન દિઠ ૧૩૦૦૦ રૂપિયાની રાહત અપાશે. સાલ ૨૦૧૯-૨૦ માં ૧૫૦૦ કરોડ,સાલ ૨૦૨૦-૨૧ માં ૫૦૦૦ કરોડ તથા સાલ ૨૦૨૧-૨૨ માટે રૂપિયા ૩૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

કેન્દ્ર સ્તરે શરૂ થયેલી આ ઝુંબેશ તેજ ગતિએ રાજ્યોમાં પણ અમલી બનવાની છે. તામિલનાડુ સરકાર ટૂક સમયમાં જ ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી જહેર કરવાની છે જેમાં દરેક બિલ્ડિંગમાં ચાર્જીંગ પોઇન્ટ, જાહેર સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન તથા પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવા જેવા મુદ્દાઓને સમાવેશ કરાશે. યાદ રહે કે હુંડાઇ કંપનીએ રાજ્યમાં આગામી ગણતરીનાં દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનો બજારમાં મુકવાની જાહેરાત કરી છે. આ યોજનાનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશનાં ત્રણ શહેરોમાં શરૂ કરવાનું આયોજન છે.

વૈશ્વીક બજાર તો ભારત કરતાં પણ આગળ દોડી રહ્યું છે. નિશાન કંપનીએ સાલ ૨૦૧૮ માં યુરોપમાં ચાર લાખથી વધારે ઇલેક્ટ્રિક કારોનું વેચાણ કર્યું છે.સાલ ૨૦૧૭ માં કંપનીએ ચીનમાં ૫૮૦૦૦૦ કારનું વેચાણ કર્યુ છે જ્યારે એ જ વર્ષમાં અમેરિકામાં નિશાને ૨૮૦૦૦૦ મોટરો વેચી હતી.સાલ-૨૦૨૫ થી નેધર્લેન્ડમાં માત્ર ઇલેક્ટ્રીક કારનું વેચાણ જ થઇ શકશે. ડચ સરકારે માર્ચ-૨૦૧૬માં આ નિર્ણય કર્યો છે. ભારત સરકાર કદાચ મોડી જાગી છે પણ હવે ફુલ સ્પીડે આ દિશામાં દોડવાની તૈયારીમાં છે. જો લક્ષ્યાંક સમયસર પાર પડે તો સાલ- ૨૦૩૦ સુધીમાં દેશના હાઇ વે પર તમામ નહી તો પણ મોટા ભાગની ઇલેક્ટ્રીક કાર દોડતી હશે. કદાચ આજે પેટ્રોલિયમ કાર અને ઇલેક્ટ્રીક કારનો રેશિયો છે તે ઉલટો થઇ જાય તો નવાઇ નહી. જો સરકારને આમાં સફળતા મળશે તો આગામી દાયકાનું ભારત પ્રદૂષણ મુક્ત અને આત્મનિર્ભર થઇ શકશે. કારણકે હાલમાં દેશની કૂલ આયાતમાં મોટો હિસ્સો ક્રુડતેલનો છે. જે ન્યુનતમ થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.