Abtak Media Google News

આત્મનિર્ભર ભારત યોજના માત્ર ભારતનું નિર્માણ કરવા નહીં, પરંતુ ભારતના લોકોને મજબૂત કરવાની પણ તક છે: રામનાથ કોવિંદ

સંસદનું બજેટસત્ર આજથી શરૂ થયું છે. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું બજેટ અભિભાષણ થયું હતું. જેમાં તેમણે ૨૬ જાન્યુઆરીએ લાલકિલ્લા પર રાષ્ટ્રધ્વજના થયેલા અપમાનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું.

તેમણે આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે બંધારણ તમામને અભિવ્યક્તિની આઝાદી આપે છે, અભિવ્યક્તિનું સન્માન કરે છે. આ બંધારણ તમામને કાયદાનું પાલન કરવાનું પણ કહે છે.

રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે, ગત વર્ષે પાસ થયેલાં ત્રણે કૃષિ બિલોનું ઘણી રાજકીય પાર્ટીએ સમય-સમયે સમર્થન કર્યું હતું. આ કાયદાઓની બે દાયકાથી માગ થઈ રહી હતી. તેમણે ભરોસો આપતાં કહ્યું હતું કે આ કાયદાઓ બાબતે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સરકાર પાલન કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર ભારતમાં નિર્માણ કરવા માટે જ નથી, પરંતુ ભારતના લોકોને મજબૂત કરવાની પણ તક છે. એનાથી ભારતીય કૃષિ મજબૂત બનશે. સ્વામિનાથન આયોગની ભલામણોને લાગુ કરતાં લઘુતમ ટેકાના ભાવ દોઢ ગણી વધારવામાં આવી છે. મારી સરકાર લઘુતમ ટેકાના ભાવ પર રેકોર્ડ ખરીદી કરી રહી છે. ખરીદીનાં કેન્દ્ર પણ વધારી રહી છે. જૂની સિંચાઈ પરિયાજનાની સાથે આધુનિક સિંચાઈની ટેક્નિકને પણ ખેડૂત સુધી પહોંચાડી રહી છે. માઈક્રો ઈરિગેશનથી ખેડૂતોને જોડી રહી છે.

એલએસી પર આપણા જવાનોએ એકતા અને અખંડિતતાને પડકારનારાઓને જોરદાર જવાબ આપ્યો. લદાખમાં આપણા જવાનોએ શૌર્ય, સંયમ અને પરાક્રમનો પરિચય આપ્યો. જૂનમાં આપણા ૨૦ જવાનોએ ગલવાનમાં દેશની રક્ષા માટે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. સમગ્ર દેશ તમારી પર ગર્વ કરે છે.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું હતું કે પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, અમે પણ નહિ અટકીએ અને ભારત પણ નહિ અટકે. એકતા અને બાપુની પ્રેરણાએ આપણને વર્ષોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. ભારતની મહાનતા પરમ સત્ય છે. એક થઈ જાઓ. આજે ભારતીયોની એકતા જ આપણને ઘણી સમસ્યાઓમાંથી બહાર લાવી છે. કોરોના, ભૂકંપ, પૂર, સીમા પર તણાવ. આપણે એક થઈને આ સમસ્યાઓને પાર પાડી.સત્ર શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દશકો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આઝાદી અપાવનારાઓએ જે સપનાં જોયાં હતાં એને પૂરાં કરવાનો આ સુવર્ણ સમય આવ્યો છે. આ દશકાનો સંપૂર્ણ ઉપયોગ થાય એ વાતને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવે. તમામ પ્રકારના વિચારોનું મંથન કરવામાં આવે, પરંતુ લોકશાહીની તમામ મર્યાદાઓનું પાલન થાય એ રીતે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું, ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે ૨૦૨૦માં એક નહિ, નાણામંત્રીએ અલગ-અલગ પેકેજ તરીકે ૪-૫ મિની બજેટ આપવા પડ્યાં, એટલે કે ૨૦૨૦માં એક રીતે સતત મિની બજેટનો સિલસિલો ચાલતો રહ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.