Abtak Media Google News

ચમત્કાર વના નમસ્કાર નહીં

મહિલા મુસાફરને મઘ્યરાત્રે હાઇ-વે પર ઉતરવાનું કહેતા મહિલા મુસાફરે આગેવાનનો સંપર્ક કરતા રાજભા જાડેજા અને જીતેન્દ્ર આચાર્યએ કર્યુ સ્ટીંગ: યુવા આગેવાન ગણેશભાઇ દોડી જઇ અધિકારીઓ સાથે વાત કરતા મામલો થાળે પડયો

રાત્રી ના બાર વાગ્યે ગોંડલ પહોંચતી જાલોદ  ઉપલેટા રુટ ની બસ ગોંડલ બસસ્ટેન્ડ મા થોભવાનાં બદલે હાઇવે બાયપાસ પર પેસેન્જર ઉતારી રહી હોય રાત્રી ના આગેવાનો અને કાર્યકરો ના ટોળા એ આશાપુરા ચોકડી પાસે બસ આડા સુઇ જઇ બસ અટકાવી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.જેના પગલે નિંભર તંત્ર દોડતુ થયુ હોય તેમ જાલોદ ઉપલેટા બસ બસસ્ટેન્ડ મા પંહોચી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલનાં શંકરવાડીમા રહેતા હેતલબેન જસાણી  સાંજે પાંચ વાગ્યે ગોંડલ આવવા અમદાવાદ થી જાલોદ ઉપલેટા બસમા બેઠા હતા. અમદાવાદ થી બસ ઉપડ્યા બાદ કંડક્ટરે તેમને ગોંડલ બસસ્ટેન્ડમા બસ નહી જાય તમારે હાઇવે બાયપાસ ઉતરવુ પડશે તેવુ કહેતા હેતલબેન મુંઝવણમા મુકાયા હતા.બસ રાત્રીના બાર વાગ્યે ગોંડલ પંહોચે તેવા સમયે હાઇવે પર થી ઘરે કઇ રીતે પહોંચવુ તે મુશ્કેલ હોય તેમણે ધારાસભ્ય ગીતાબા જાડેજાની નિશ્રામાં એસ.ટી.તંત્ર સામે ઝુંબેશ ચલાવી રહેલા આગેવાનો રાજેન્દ્રસિંહ જાડેજા તથા જીતુભાઇ આચાર્ય નો મોબાઇલ દ્વારા સંપર્ક કરી વિગત જણાવતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ઉપલેટા ડેપો મેનેજર, જુનાગઢ ડીવીઝન નિયામક ઉપરાંત રાજકોટ ડીવીઝન નિયામકનો સંપર્ક કરવા પ્રયત્ન કરતા કોઈ અધિકારીએ મોબાઇલ રીસીવ કર્યા ના હતા.

બાદમાં રાજ્યના વાહનવ્યવહાર નિગમના નિયામક ને મોબાઇલ કરી સ્ટોપ હોવા છતા જાલોદ ઉપલેટા બસ ગોંડલ બસસ્ટેન્ડ મા થોભવા કંડક્ટર ના કહેતા હોવાની અને ગોંડલના મહીલા પેસેન્જરની પરેશાની વર્ણવી હતી.નિયામકે સબંધીત ડેપો મેનેજર તથા ડીવીઝન અધીકારીને મોબાઇલ કરતા કોઈ એ નહી ઉપાડતા નિગમના નિયામકનુ પણ નીંભર તંત્ર પાસે કઇ ઉપજ્યુ નહી હોવાનુ જણાતા આખરે  ’અપના હાથ જગન્નાથ ’ કરી આક્રમક બનેલા રાજેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઇ આચાર્ય, રવિભાઇ સોલંકી, ઉપેન્દ્રસિહ ચુડાસમા, જીતુભાઇ પંડયા, દશુભા જાડેજા, જયપાલસિંહ જાડેજા, રાજભા ગોહીલ, બકુલભાઇ, ભાણુભા સહિતના કાર્યકરોએ આશાપુરા ચોકડીએ પહોંચી બાર વાગ્યે પંહોચેલી બસની આડા સુઇ જઇ બસને રોકી દેતા રાત્રીના આશાપુરા ચોકડીએ હંગામો મચી જવા પામ્યો હતો.

દરમ્યાન ધારાસભ્યના પુત્ર ગણેશભાઈ જાડેજા પણ આશાપુરા ચોકડી દોડી ગયા હતા.અને ઉપલેટા ડેપો મેનેજર ઠુંમર સાથે મોબાઇલમા ઉગ્ર રજૂઆત કરતા ડેપો મેનેજરે શેડ્યુલ મા બસ સ્ટેન્ડમા સ્ટોપ નહી હોવાનો લુલો બચાવ કર્યો હતો.પરંતુ આગેવાનોએ જ્યાં સુધી બસસ્ટેન્ડ મા બસ નહી જાય ત્યાં સુધી બસ ને હટવા દેવાશે નહી તેવી ચીમકી સાથે ધરણા કરતા આખરે ડેપો મેનેજર દ્વારા સુચના મળતા બસ ને બસસ્ટેન્ડ મા લઈ જવાઇ હતી. આમ આગેવાનોએ ફરી એકવાર સ્ટીંગ ઓપરેશન કરતા તંત્ર ને ગોંડલ બસસ્ટેન્ડ તરફ દોડતુ થવુ પડ્યુ હતુ.

રાત્રીના ગોંડલ ના પેસેન્જરોને ગોંડલની  ટીકીટ લેવા છતા કેટલાક બસ ડ્રાઇવરો  દ્વારા બાયપાસ હાઇવે પર અંતરીયાળ ઉતારી દેતા હોય ખાસ કરીને એકલદોકલ મહીલા પેસેન્જર ની હાલત કફોડી બને છે.શેડ્યુલ મા બસ સ્ટેન્ડનો સ્ટોપ નહી હોવાના બહાના બતાવાય છે.ત્યારે ગોંડલ ને અન્યાયકર્તા શેડ્યુલ કોણ બનાવી રહ્યા છે તેવા સવાલો ઉઠ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.