Abtak Media Google News
  • વિશ્વભરના રોકાણકારોનો ભારત પર ભરોસો વધતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એકધારી તેજી

વિશ્વભરના રોકાણકારોનો ભરોસો ભારત તરફ સતત વધી રહ્યો છે. જેના કારણે ભારતીય અર્થ વ્યવસ્થા સતત મજબૂત બની રહી છે. શેરબજારમાં અમૃતકાળની સાનુકૂળ અસરો વર્તાઇ રહી છે. જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં એકધારી તેજી જોવા મળી રહી છે. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે ફરી 75 હજારની સપાટી ઓળંગતા રોકાણકારોના હૈયે હરખ વ્યાપી જવા પામ્યો હતો.

Advertisement

ગઇકાલે સપ્તાહના પ્રથમ ટ્રેડીંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. આજે સતત બીજા દિવસે બજારમાં તેજી જળવાઇ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે વધુ એકવાર 75 હજારની સપાટી ઓળંગી હતી અને દિવસ દરમિયાન 75068.76ની નવી સપાટી હાંસલ કરી હતી. જ્યારે નીચે 74710 સુધી સરકી ગયો હતો. નિફ્ટીમાં પણ આજે તેજી રહેવા પામી હતી. નિફ્ટીએ દિવસ દરમિયાન 22769.10ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી અને સરકીને 22661.80 સુધી આવી ગઇ હતી. સેન્સેક્સે ફરી 75 હજારની સપાટી ઓળંગતા રોકાણકારોમાં નવા વિશ્ર્વાસનો સંચાર થયો છે. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપમાં આજે તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. આજની તેજીમાં આરઇસી, ઝુબીલન્ટ ફૂડ, એમ એન્ડ એમ, પાવર ફાયનાન્સ, ટ્રેન્ટ, એચડીએફસી બેંક, પીએનબી બેંક, આઇડીએફસી ફર્સ્ટ બેંક, અશોક લઇલન સહિતની કંપનીઓની શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એબી કેપિટલ, બિરલા સોફ્ટ, ટાટા કેમિકલ્સ, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક સહિતની કંપનીઓના શેરોના ભાવમાં ઘટાડો રહ્યો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે સેન્સેક્સે ગત 9 એપ્રિલના રોજ 75124.28નો નવો લાઇફ ટાઇમ હાઇ બનાવ્યો હતો. જ્યારે બીજા દિવસે એટલે કે 10 એપ્રિલના રોજ નિફ્ટીએ 22,775.70ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 377 પોઇન્ટના ઉછાળા સાથે 75037 અને નિફ્ટી 121 પોઇન્ટના ઉછાળા સાથે 22771 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.