Abtak Media Google News

JEE Mainની એપ્રિલની પરીક્ષા પછી હવે JEE Mainની મે મહિનાની પરીક્ષા પણ સ્થગિત કરાઈ છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA)એ આ સંદર્ભે એક નોટિસ જારી કરી છે. આ સિવાય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે ટ્વિટર પર આ અંગે માહિતી આપી છે.

Advertisement

કોવિડની બીજી લહેરના કારણે શિક્ષણ મંત્રાલયે તમામ સંસ્થાઓને સોમવારે સાંજે મે માસમાં નિયત બધી ઓફલાઇન પરીક્ષાઓ મુલતવી રાખવા વિનંતી કરી છે. આ માટે કેન્દ્રિય સંસ્થાઓના વડાઓને એક પત્ર લખવામાં આવ્યો છે.

ઉચ્ચ શિક્ષણ સચિવ અમિત ખારેએ સંસ્થાઓને વિનંતી કરી છે કે મે, 2021ના ​​મહિનામાં યોજાનારી તમામ ઓફલાઇન પરીક્ષાઓ મુલતવી રાખવી. ઓનલાઈન પરીક્ષાઓ ચાલુ રહી શકે છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જૂન 2021ના ​​પહેલા અઠવાડિયામાં પરીક્ષા બાબતે નિર્ણય કરવામાં આવશે.

કોરોના રોગચાળાને કારણે દેશના મોટાભાગના ભાગોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અને તમામ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં, કેટલીક પરીક્ષાઓ છે, જે સંદર્ભમાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. CLAT 2021, UPSC CSE 2021 સહિત અન્ય ઘણી પરીક્ષાઓ છે જે મે 2021માં યોજાનાર છે, પરંતુ તે અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.

સોશ્યલ મીડિયા પર, આ પરીક્ષાના વિદ્યાર્થીઓ સતત કોઈ પણ અપડેટ બહાર પાડવાની માંગ કરે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોરોના ચેપને કારણે પરીક્ષાઓ હાલ માટે મુલતવી રાખવી જોઈએ. આ બાબતની કોઈ પણ અપડેટ આવશે તો વેબસાઇટ પર જાણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.