Abtak Media Google News

ફકત ત્રણ દશકામાં જ આંગણાના પક્ષીઓ લુપ્ત થઇ ગયા!!

આપણું જીવન પાણી, વૃક્ષ અને પંખીઓના કલરવ વચ્ચે ખીલ્યું છે. ત્રણ દાયકા પહેલાનલ ‘કલવર’એક વૈભવ હતો, જેમાં સૌ સાથે મળીને આસપાસના વાતાવરણમાં શ્રેષ્ઠ ભૌગિલીક વાતાવરણમાં જીવતાં હતા. હવા, પાણી, ખોરાક ચોખ્ખાને ચોખ્ખા મનમાં માનવી સાથે હળી મળીને રહેતા તમામ પરિવારો આનંદોત્સવ સાથે તહેવારો ઉજવતાં હતા.

ચકો લાવ્યો ચોખાનો દાણોને ચકી લાવી મગનો દાળો…. બન્નેએ રાંધી ‘ખીચડી’ આવા સુંદર બાળ કાવ્યો આજે ફકત પુસ્તકોમાં જ રહી ગયા છે. આજે કોઇ આવા સરળ જાગૃતિ ફેલાવતા બાળગીતો ગયાતા જ નથી.

સિમેન્ટના જંગલોમાં આજે પંખીઓના માળા લુપ્ત થઇ ગયા છે પહેલા તો ચકલી માળો આપણા ઘરમાં જ હતા ને ‘કાગડા’ નો માળો તો ઝાડ પર ચડીને જોવા જતા હતા !! આજે માનવી પંખીઓનો કલરવ ભૂલી નથી ગયો પણ કયાંય સંભળવા મળતો જ નથી તેથી દુ:ખી હ્રદયે શહેરથી દુર જંગલો પ્રાકૃતિક સ્થળોએ જોવા જઇને આનંદ લે છે.

“ફોટાની પાછળ બનતા

માળા આજે લુપ્ત થયા તો

ઘરમાં આજે એ ફોટા જ ગાયબ થયાં!!”

આપણે જીવન જીવના હવા-પાણી અને ખોરાકની જરૂર પડે છે તેવી જ રીતે આપણા ઘર આંગણાની શોભારે પશુ-પંખીઓ જરૂરી છે. હજી હમણા જ એટલે કે ત્રણ દાયકા પહેલા કેટલા બધા પશુ-પંખીઓ આપણાં આંગણા કુદતા રમતા હતા આ સમયની પણ એક મજા હતી. ચોમાસામાં શેરીમાં વરસાદી પાણીમાં નિકળતી પેલી નાનકડી ‘દેડકી’ કેટલો આનંદ આપી જતી હતી આપણાં કોમળ હાથમાં રમાાડતાને મિત્રોને બતાવતા, નાનકડી કાચની શીશીમાં બે ત્રણ મકોડાને પૂરીને કેવી રીતે ટોળે  વળીને તેની હલચલ જોતા.

સરકારી શાળામાં ‘પંખી બની ઉડી જઇએ… હો… હો.. ચાંદામામાનાં દેશમાં તથા જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી…’ જેવા સુંદર ગીતોમાં પણ જાણે આપણે જંગલમાં હોય તેવો આનંદ માણતા.

એ સમયે આપણાં ઘરની રચના સંયુકત કુટુંબ મોટા ફળીયા, નળિયાવાળા મકાનો વિગેરેમાં આપણું આસપાસનું વાતાવરણ પર્યાવરણથી સભર હતું. ચકલી, કાબર, કાગડો, કબુતર, ટીટોડી, પોપટ, હોલો, મોર, કોયલ જેવા અનેક પક્ષીઓ સાથે બિલાડી, ગાય, ભેંસ, કૂતરો,

બકરી, ઊંટ, ઘોડો જેવા પશુઓ અને નાનકડા જીવજંતુઓમાં માખી ઉડતા મકોડા, ભીત ગરોડી, ઊંદર, દેકડા વિગેરે આપણા ઘર આસપાસ જોવા મળતા જ નહીં આપણી સાથે રહેતા કુતરીના નાના નાના બચ્ચો આપણી આંખ સામે મોટા થતાં તેના નામ, તેની સાથે ભાઇબંધોની ટોળી રમતમાં જ ઘણું બધુ શિક્ષણ મળી જતું ચકલીમાં નોન સ્ટોપ ચીં… ચીં…. અવાજ બિલાડી કે મોટું શિકારી પક્ષી આવવાની ચેતવણીરૂપે હતો.

6 Banna For Site 1 2

શેરીમાં આવતો મદારી, નાગ, સસલું, નોળીયો બતાવતો જાદુ કરતો, લડાઇ બતાવતો, વીંછી મોઢામાં નાખીને સૌને દંગ કરતો, આપણે ફકત થોડો લોટ કે નાનકડા પૈસા આપીને જલ્વો માણતા હતા.

નળીયા છાપરાવાળા ઘરમાં ચકા-ચકલીના માળા, નાનકડા બચ્ચા તેને ઊડતા શીખવે, આપણે પકડતા કેવો આનંદ લેતા બપોરે વચ્ચારે ‘ચીંચીં’ નો અવાજ સાંભળીને આનંદોત્સવ કરતા આપણા ઘરની છબી પાછળ ચકલી માળોે બનાવતી, એક એક તણખલું ભેગું કરીને ગુંથળી કરતી કેવી મઝા હતી. આપણે એ જમાનામાં આપણા ફળીયામાં ચણ નાખતા ! બિલાડીના નાનકડા બચ્ચાને પકડીને રમાડતા તો કુતરાના પગના નખ ગણતા. બાકસનાં ખોખામાં નાનકડા જીવ જંતુને પુરતાને મિત્રોની મઝાક મસ્તી કરતાં શેરીના નાકે આવેલી ફરસાણની દુકાને કાબર ગાંઠીયા ખાતી હોય ખસ જોવા જતાં, એ જમાનામાં પોપટનું ટોળુ આપણા ઘરના છાપરે આવતું ને કલરવ કરી મુકતા હોલાનું ઘુ…. ઘુ….. ઘુ… જેવા અવાજ બહુ જ ગમતો

કાગળો ઘર પાસે બોલે એટલે મહેમાન આવશે તેવી વાયકા  હતી. શ્રાઘ્ધ ખાવા આવતા, આજે કયાંય ગોતા જડતા નથી. પોપટના ટોળામાં કાંઠલા વાળા પોપટ કેટલા તે ગણતા હતા. શિક્ષણ લેતા લેતા આ પર્યાવરણ આપણે સ્વ અઘ્યયનથી જાતે શિખ્યા છીએ. સંઘ્યા ટાણે ચામાચિડીયું ખુલ્લા પટમાંથી આકાશે જોતા. છાપરે અગાસી કે ફળિયામાં સુતા હોય ને પક્ષીઓના કલરવે ને કુકડાની કુ… કુ…. કુ… અવાજ માત્રથી ઊંઘ ઉડી જતી હતી.

આ સોનેરી દિવસોને હજી દસ હજાર જ દિવસ થયા છે. વધતા વિકાસે વૃક્ષોને તોડતા, મોટા મકાનો નાના થયા ને સિમેન્ટનાં જંગલોમાં અત્યારે માનવી એકલો થઇ ગયો. ત્યારે આંગણના પશુ-પંખીઓ સંગાર્થે ગોલ્ડન દિવસો હતા. આજે સ્માર્ટ યુગમાં તમે અને તમારો મોબાઇલ જ છે!! શું જીંદગી માંણો છો, સાચી જીંદગી તો એ હતી. સિંહ કે હાથી જેવા જંગલી પ્રાણીઓ સગી આંખ સામે જોયા હોય તેનો આનંદ મહિનાઓ સુધી રહેતો. પાણીમાં તરતી માછલીઓને કલાકો જોતાને પકડવાની રમતો રમતા રમતા નદી કાંઠે જ સાંજ પડી જતી.

આપણે ત્યારે તેનાં વગર જીવી ન શકતા કુતરા, ગાયને રોટલીને પક્ષીઓને ચણ નાંખતા જ ચબુતરે આવતા વિવિધ પક્ષીઓના ટોળાની સામે કલાકો બેસીને તેના જીવન વિશેની વાતો કરતાં ને મિત્રોને કહેતા, ત્યારે કેવો જ્ઞાન ભંડાર હતો આપણી પાસે … સૌ  મિત્રો  એક બિજાની વાત માની જતાં !!

આંગણાના પશુ, પંખીનો વૈભવ હતો. તેના અવાજોની નકલો કરતાં કરતાં કયારે આપણે આ બનાવટી દુનિયામાં આવી ગયા તેની ખબર જ ન રહી. ગાયની વાછડી, બકરીનું બચ્ચુને કુતરીના ગલુડીયાને રમાડવાની મઝા જ કંઇ ઔર જ હતી. ખરેખર….. ત્યારે સાચો આનંદ હતો..

સાચો મિત્રો હતો. પર્યાવરણને સાચી રીતે જતન કરતાં ને આપણે સૌ લિલા લ્હેર કરતાઁ…. શું આવશે એ ફરી પાછા દિવસો !! આજે તો એ કંઇ જ નથી છે બસ ‘આનંદ વગરનું જીવન’ જેમાં આજનો માણસ ‘પ્લાસ્ટીક’ના ફૂલને પાણી પીવડાવી સંતોષ માને છે!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.