Abtak Media Google News

કોર્પોરેશન રોગચાળાના આંકડાઓ છૂપાવતું હોવાનું વધુ એકવાર પૂરવાર: તાવના માત્ર 4,615 કેસ જ નોંધાયા

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના આંકડાઓ છૂપાવવામાં આવતા હોવાની વાત વર્ષોથી ચાલી રહી છે. જે વધુ એક વખત પૂરવાર થઇ ગઇ છે. છેલ્લાં 11 મહિનામાં કોર્પોરેશનના ચોંપડે શરદી-ઉધરસના માત્ર 14,121 નોંધાયા છે. જ્યારે તાવના માત્ર 4,615 કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આશ્ર્ચર્યજનક રીતે છેલ્લાં 11 માસમાં મેલેરિયાના માત્ર 49 કેસ જ દર્શાવવામાં આવ્યા છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

જેમાં ગત સપ્તાહે મેલેરિયાનો એક કેસ, ડેન્ગ્યૂના 6 કેસ અને ચીકન ગુનિયાનો એક કેસ મળી આવ્યો છે. ચાલુ સાલ અત્યાર સુધીમાં મેલેરિયાના કુલ 49, ડેન્ગ્યૂના 263 અને ચીકન ગુનિયાના 28 કેસ નોંધાયા હોવાનું જાહેર  કરવામાં આવ્યું છે. સામાન્ય શરદી-ઉધરસના એક સપ્તાહમાં 328 કેસ, સામાન્ય તાવના 57 કેસ અને ઝાડા-ઉલ્ટીના 78 કેસ નોંધાયા છે. રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ તો પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ લાગી જ રહ્યાં છે. બીજી તરફ છેલ્લાં 11 મહિનાના જે કુલ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તે પણ શંકાસ્પદ લાગે છે.

કારણ કે 11 મહિનાથી પણ વધુ સમયગાળામાં શહેરમાં શરદી-ઉધરસના માત્ર 14,121 કેસ દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય તાવના 4,615 અને ઝાડા-ઉલ્ટીના 4011 કેસ દર્શાવવામાં આવ્યા છે. રોગચાળાની અટકાયત માટે છેલ્લાં સપ્તાહમાં 13,472 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. 891 ઘરોમાં ફોગીંગ કરાયું છે. અલગ-અલગ 511 કોમર્શિયલ મિલકતોમાં ચેકીંગ દરમિયાન 46 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. જ્યારે રહેણાંક હેતુની 330 મિલકતોને મચ્છરોની ઉત્પતિ સબબ નોટિસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.