Abtak Media Google News

એઆઈની ડીપફેક ટેક્નોલોજીનો સાયબર ગઠીયાઓ નાણાકીય છેતરપિંડી આચરવા કરી રહ્યા છે દુરુપયોગ

એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. તેને એક નવી ક્રાંતિ તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીના આગમન સાથે તેનો દુરુપયોગ પણ શરૂ થઈ ગયો છે. હવે એઆઈની મદદથી કૌભાંડના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવવા લાગ્યા છે. એઆઈની ડીપફેક ટેક્નોલોજીની મદદથી કેરળના એક વ્યક્તિ સાથે 40 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

આ મામલો કેરળના કોઝિકોડનો છે, જ્યાં એક વ્યક્તિ રાધાકૃષ્ણને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત કૌભાંડનો શિકાર બન્યા બાદ 40,000 રૂપિયા ગુમાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ એક ડીપ ફેક કૌભાંડ છે જેમાં તે કોઈને ઓળખતો ન હતો. કેરળ પોલીસના જણાવ્યા અનુસાર રાધાકૃષ્ણનને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો. જ્યારે તેણે કોલ રિસીવ કર્યો, ત્યારે બીજી બાજુનો વ્યક્તિ આંધ્ર પ્રદેશમાં તેના ભૂતપૂર્વ સાથીદારો જેવો દેખાતો હતો.

બીજી બાજુ હાજર વ્યક્તિએ હોસ્પિટલમાં એક સંબંધીને મદદ કરવા માટે ગુગલ પે દ્વારા રાધાકૃષ્ણન પાસેથી 40 હજાર રૂપિયાની માંગણી કરી હતી. રાધાક્રિષ્નને પૈસા મોકલ્યા પરંતુ આ પછી ફરીથી 30 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી ત્યારે રાધાકૃષ્ણનને શંકા ગઈ અને તેણે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી.

જેમ જેમ એઆઈ વધુ શક્તિશાળી બને છે, સ્કેમર્સ તેનો લાભ લઈ રહ્યા છે. આ કૌભાંડમાં ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીમાં વાસ્તવિક અને નકલી વચ્ચેનો તફાવત પારખવો પડકારરૂપ બની જાય છે. એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ ચહેરાની છબીઓ અને વોઇસ રેકોર્ડિંગ્સ જેવા ડેટાનું વિશ્લેષણ કરવા માટે થાય છે, જે વ્યક્તિના દેખાવ અને અવાજની નજીકથી નકલ કરતા વાસ્તવિક ડીપફેક વીડિયો બનાવવામાં મદદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો ડીપફેક ટેક્નોલોજીની મદદથી કોઈપણ વ્યક્તિના ચહેરા અને અવાજની નકલ કરી શકાશે અને સામેની વ્યક્તિ માટે અસલી અને નકલી ઓળખવી મુશ્કેલ બની જશે.

ડીપફેક ટેક્નોલોજીની મદદથી આ પહેલું કૌભાંડ નથી. આ પહેલા ચીનમાં એક વ્યક્તિ સામે એઆઈની મદદથી 5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કૌભાંડ નકલી વીડિયો કોલ દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્કેમરે નકલી વીડિયો કોલ માટે એઆઈ ડીપફેક ટેક્નોલોજીની મદદ લીધી હતી. મદદના નામે સ્કેમરને 4.3 મિલિયન યુઆન એટલે કે લગભગ 5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. સ્કેમરે ચહેરો બદલવા માટે એઆઈ ડીપફેક ટેક્નોલોજી (ફેસ-સ્વેપિંગ ટેક્નોલોજી)ની મદદ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.