Abtak Media Google News

કોરોનાથી ૩ દિવસમાં ૧૭ના મોત

જિલ્લામાં વધતો જતો કોરોના કહેર

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે. જેમાં સાતમ-આઠમ નોમ અને દશમના તહેવારના દિવસો ગોઝારા સાબિત થયા છે. જામનગરની જી.જી.હોસ્પિટલના બિછાને છેલ્લા ૭૨ કલાક દરમિયાન ૧૭ દર્દીઓના મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત જામનગર શહેરમાં કોરોનાના દર્દીઓનો આંકડો એક હજારને પાર થયો છે. છેલ્લા ૭૨ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં વધુ ૧૮૪ દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે. સાતમના દિને જામનગર શહેરમાં ૪૪ તથા ગ્રામ્યમાં ૮ મળી ૫૨ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જન્માષ્ટમીના પર્વના દિવસે જામનગર શહેરમાં કોરોનાના ૩૬ દર્દીઓ નોંધાયા હતા જયારે ગ્રામ્ય વિસ્તારમાં આઠ દર્દીઓ મળી ૪૨ દર્દીના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતાં. તેમજ નોમના દિવસે વધુ ૪૨ જામનગર શહેરના અને છ ગ્રામ્ય વિસ્તારના મળી વધુ ૪૮ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી ૪ દિવસ દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૮૪ ની થઈ છે. ચાર દિવસમાં ૯૪ દર્દીઓ કોરોનાને મહાત આપી હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ પણ થયા છે. જામનગર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓના આંકડો એક હજારને પાર થયો છે. આજ સુધીમાં શહેરના ૧,૦૬૨ અને ગ્રામ્ય વિસ્તારના ૨૨૧ મળી જિલ્લામાં કુલ ૧,૨૮૨ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણ પછી છેલ્લા ચાર દિવસ દરમિયાન નગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એકસાથે ૧૭ દર્દીએ જી.જી. હોસ્પિટલના બિછાને દમ તોડયો છે. જેથી ભારે ગભરાટનો માહોલ છવાયો છે.

જન્માષ્ટમીના તહેવારોના દિવસે જી.જી.હોસ્પિટલમાં એકી સાથે પાંચ દર્દીઓના મૃત્યુ નિપજયા હતા, ત્યાર પછી નોમના દિવસે વધુ પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતા, ઉપરાંત ગઈકાલે દસમના દિવસે પણ એકસાથે વધુ સાત દર્દીઓના મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો છે. જામનગરના વોર્ડ નંબર નવમાં વર્તમાન કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી પ્રવિણભાઈ માડમ પણ કોરોના સંક્રમિત બની ગયા છે. જેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.