Abtak Media Google News

શહેર જિલ્લામાં કોરોનાના વધુ ૫૮ નવા કેસ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો છે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.જ્યારે જામનગર શહેર અને જિલ્લામાં વધુ ૫૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. ઉપરાંત સતત બીજા દિવસે પણ એકસાથે  ૪૩ દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧,૪૮૯ નો થયો છે.

જામનગરમાં  કોરોનાએ  ભારે તાંડવ મચાવ્યો છે, પરમ દિવસે એકી સાથે ૧૦ દર્દી ના મૃત્યુ પછી ગઇકાલે બપોરે વધુ બે દર્દીઓના જીજી હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજ્યા છે.

જામનગર શહેરના વધુ ૫૩ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧,૨૪૭ નો થયો છે.

તે જ રીતે જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચ પોઝિટિવ કેસ મળ્યા છે, જેથી જામનગર ગ્રામ્ય વિસ્તારનો આંકડો ૨૩૯ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ ની સંખ્યા ૧,૪૮૯ ની થઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં થી સતત બીજા દિવસે સારા સમાચાર મળ્યા છે. એકીસાથે વધુ ૪૩ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હાપા યાર્ડમાં વેપારીઓનું સ્ક્રીનીંગ ૧૬ વેપારીઓના ટેસ્ટ પોઝિટીવ

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં વ્હેલી સવારથી શાકભાજીનું ખરીદ-વેંચાણ કરવા માટે આવતા હોલસેલ – રીટેઈલ વેપાર કરવા આવતા ૮પ૦ વિક્રેતાઓનું મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ પરીક્ષણ કરવામાં આવતાં ૧૬ વેપારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતાં.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારે ચાર વાગ્યા થી આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન શાકભાજીનું ખરીદ અને વેચાણ કરવા માટે આવતા હોલસેલ અને રીટેલ વિક્રેતાઓ ના કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને એકી સાથે ૮૫૦ થી વધુ વિક્રેતાઓનું કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર સતિષ પટેલ ની હાજરીમાં આજે સવારે ચાર વાગ્યે હાપા માર્કેટિંગ યાર્ડમાં આરોગ્ય વિભાગના ૧૨ જેટલા કર્મચારીઓની ટુકડી સાથે શાકભાજીનું વેચાણ  અને ખરીદ કરવા આવનારા હોલસેલ અને રીટેલ વેપારીઓ નું કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જે આરોગ્ય તપાસણી દરમિયાન ૧૬ વિક્રેતાઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જે તમામને તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર રખાયેલી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડ મા શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા અને સોલિડવેસ્ટ શાખા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડમાં ફરીથી સેનેટાઈઝેશન ની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.