Abtak Media Google News

મેલેરિયામુક્ત ગુજરાત અભિયાનનો જિલ્લામાં પ્રારંભ

સપ્તાહમાં એક દિવસ ઉજવાય છે ડ્રાય-ડે: ઘર નજીક પાણી ન ભરાય તેવી તકેદારી રાખવા જિલ્લા આરોગ્ય, મેલેરિયા અધિકારીનો અનુરોધ

ગુજરાત રાજ્યમાં અને જામનગર જિલ્લામાં હાલ જૂન માસ-મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહયો છે. મેલેરિયા એ પેરેસાઇટથી થતો રોગ છે. ઘરના સંગ્રહિત ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પેદા થતા એનોફીલીસ પ્રકારના ચેપી માદા વાહક મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને કરડવાથી ફેલાય છે. જેથી મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના તમામ ટાંકાઓ/ પાત્રોને માત્ર હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ/છત ઉપર ચોમાસા પહેલા કે બાદ બિનઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી અને તેથી આ રોગથી બચી શકાય છે.

Advertisement

ભારત સરકાર દ્વારા ૨૦૩૦ સુધીમાં મેલેરીયા નાબુદી અભિયાન હાલ પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં મેલેરીયા મુક્ત ગુજરાત-અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉદ્દેશને સાકાર કરવા વર્ષ ૨૦૧૭થી સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે હાથ ધરવાની થતી જુદી જુદી પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણને કારણે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૧૮ના વર્ષની તુલનાએ ૨૦૧૯માં મેલેરિયા કેસમાં ૪૫% ઘટાડો તેમજ ૨૦૧૯ વર્ષ કરતાં વર્ષ ૨૦૨૦ના મે માસ સુધીમાં મેલેરીયા કેસમાં ૪૨% ઘટાડો જોવા મળ્યો છે તેમજ મેલેરીયા નાબુદી માટે અગત્યના માપદંડ ગણાતા એન્યુઅલ પેરાસાઇટ વર્ષ ૨૦૧૮માં ૦.૧૭, વર્ષ ૨૦૧૯માં ૦.૦૯ અને હાલમાં મે ૨૦૨૦ સુધીમાં માત્ર ૦.૦૧ સુધી આવી ગયું છે.

જાહેર કરેલ દર વર્ષની જેમ જુન માસ મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ મેલેરિયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ/નાબૂદી માટે વિવિધ આઈ.ઈ.સી. માધ્યમથી જનજાગૃતિ કેળવવા જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાની હોય છે તેમજ ખાસ કરીને સગર્ભા માતાઓને દવાયુક્ત મચ્છરદાની વિનામૂલ્યે આપવામાં આવે છે અને તેનો બહોળા પ્રમાણમાં યોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાની સાથે સાથે હાલ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લાના તમામ ગામમાં ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં આરોગ્ય કાર્યકર તથા આશા બહેનોની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ  સર્વે કરાઈ રહ્યો છે. જેમાં સપ્તાહમાં એક દિવસને ડ્રાય ડે(સુકો દિવસ)ની ઉજવણીનું આયોજન પણ કરવામાં આવેલ છે. ડ્રાય-ડે એટલે કે જેમાં અઠવાડિયામાં એક દિવસ પાણી ભરેલ પાત્રો ખાલી કરાવી લોકો દ્વારા તે પાત્રને સારી રીતે સાફ કરાવી પાત્રો તડકામાં સુકવીને નવું તાજું પાણી ભરી હવાચુસ્ત ઢાંકણ ઢાંકવાથી મચ્છરના પોરા થતા નથી તેમજ ઘર અને છત ઉપર બિનઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી જેથી મેલેરિયાનો રોગચાળો અટકાવી શકાય છે.

સમગ્ર જૂન માસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક ગામોના ઘરોની મુલાકાત કરી સર્વેલન્સની કામગીરી સાથે પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણ કામગીરીમાં આરોગ્ય કર્મચારી મારફત બેનર- પોસ્ટર લગાવવા, પત્રિકા આપવી, ભીંતસૂત્રો લખવા, સોશિયલ મીડિયા મારફતે મેલેરિયા લગત જાહેરાત સંદેશો મોકલવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાએ બનાવેલ રેડિયો જીંગલ ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયા મારફતે અને સ્થાનિક એફ.એમ. રેડિયો દ્વારા સંદેશાઓનું પ્રસારણ કરવામાં આવ્યું છે. નોટીસ બોર્ડમાં સંદેશ લખવા અને બીજી અન્ય જરૂરી પ્રવૃત્તિઓ કોવિડ-૧૯ની સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ અન્ય આરોગ્ય શિક્ષણની કામગીરી ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવેલ છે, આમ આરોગ્ય વિભાગના આથાક પ્રયત્નો અને લોકોના સહકાર દ્વારા જામનગર જિલ્લામાંથી મેલેરિયા સંપૂર્ણ નાબૂદ થાય તેવી આશા સેવાઈ રહી છે.

મેલેરીયા રોગથી લોકોએ ગભરાવાની કે ખોટી દહેશતમાં રહેવાની જરૂર નથી. કોઈ પણ તાવ કે શંકાસ્પદ મેલેરીયા તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા માટે તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે.

વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળશે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે, લોકોની સુખાકારીએ સરકારની જવાબદારી છે પરંતુ સહકાર મળવો પણ એટલો જ અનિવાર્ય છે તેમ કહી જામનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.જી. બવાર અને જિલ્લાના મેલેરીયા અધિકારી  જે.એ.પારકરે લોકોને પોતાના ઘર અને તેની આસપાસ પાણી ન ભરાય અને તેમાં મચ્છરના લારવા ઉત્પન્ન ન થાય તે માટે જાગૃત રહેવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.