Abtak Media Google News

હાલ ઓબીસી અનામત 10 ટકા છે જે 18 ટકા થવાની સંભાવના: ઝવેરી પંચ દ્વારા અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરાયો: અનામતની ટકાવારી નકકી કરાયા બાદ ચુંટણીની તારીખનું એલાન

ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ, 165 નગરપાલિકાઓ, 33 જીલ્લા પંચાયત, ર4પ તાલુકા પંચાયત, અને 14300 થી વધુ ગ્રામ પંચાયતોમાં અનામતની ટકાવારી નકકી કરવા દ્વારા રચાયેલા કલ્પેશ ઝવેરી પંચ દ્વારા નવ મહિનાની જહેમત બાદ ગઇકાલે સાંજે અહેવાલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સુપરત કરવામાં આવ્યો છે. ઝવેરી પંચના રિપોર્ટના પ્રાથમિક તારણો પરથી એવું ફલીત થાય છે કે, સ્થાનીક સ્વરાજયની  સંસ્થા ઓબીસી અનામત 10 ટકાથી વધી 18 ટકા થવાથી પ્રબળ સંભાવના  જણાય રહી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજયની સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓમાં પછાત વર્ગોને પુરતુ પ્રતિનિધિત્વ મળી રહે તે હેતુ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ કાર્યવાહી માટે નિવૃત ચીફ જસ્ટીસ કે.એસ. ઝવેરીની અઘ્યક્ષતામાં એક સ્વતંત્ર પંચની રચના જુલાઇ-2022 માં કરવામાં આવી હતી આ પંચે 90 દિવસમાં રિપોર્ટ આપવાનો હતો જો કે આ સમય ગાળામાં અહેવાલ તૈયાર થયો ન હોય મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો.

દરમિયાન સ્થાનીક સ્વરાજયની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામતનું પ્રમાણ નકકી કરવા રચવામાં આવેલા જસ્ટીસ કે.એસ. ઝવેરી પંચ દ્વારા ગઇકાલે અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે. રાજયના માત્ર 6 જિલ્લા અને ર હજાર ગ્રામ પંચાયતોમાં ઓબીસી સમાજની વસતી 13 ટકા છે. જયારે 14 જિલ્લા અને 4500 ગ્રામ પંચાયતમાં ઓબીસી સમાજની વસતી 3પ ટકાથી પણ વધુ છે.

હાલ સ્થાનીક સ્વરાજયની સંસ્થામા: ઓબીસી અનામત 10 ટકા છે જે ઝવેરી પંચના અહેવાલ બાદ 18 ટકા થવાની સંભાવના છે. આગામી દિવસોમાં જે તે જિલ્લાના કલેકટર દ્વારા નવા સિમાંકન બનાવવામાં આવશે. જેમાં ઓબીસી અનામત નકકી કરવામાં આવશે.

પછાત વર્ગો માટે અનામતની ટકાવારી નકકી ન થઇ શકતા હાલ રાજયની 7100 થી વધુ ગ્રામ પંચાયતો, 76 નગરપાલિકાઓ, 18 તાલુકા પંચાયતો અને બે જીલ્લા પંચાયતમાં મુદત પૂર્ણ થઇ જવા છતાં ચુંટણીની તારીખ જાહેર કરાય નથી. હાલ તમામના વહિવટદાર શાસન ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં ઓબીસી અનામત નકકી કરાયા બાદ ચુંંટણીની તારીખ જાહેર કરાશે જેમાં ત્રણ મહિનાથી વધુ સમય પસાર થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.