Abtak Media Google News

વતન જવા માટે વાહનની તલાશમાં હતો ત્યારે પોલીસે દબોચી લીધો

રાજકોટના કુવાડવામાં પંદર દિવસ પૂર્વે જ પેટીયુ રળવા આવેલા મધ્યપ્રદેશના યુવકને તેના જ કૌટુંબીક ભાઈએ મારમારી અધમુઓ કર્યા બાદ લોખંડની રાપ માથામાં મારી મોતને ઘાટ ઉતારી દઈ ફરાર આરોપી તેના વતન જવા માટે રવાના થાય તે પહેલા જ કુવાડવા પોલીસ મથકના સ્ટાફે તેની ધરપકડ કરી હતી.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ભાગોળે કુવાડવામાં વાંકાનેર રોડ પર આવેલી ખોડાભાઈ ગોકળભાઈ દુધાત્રાની વાડીમાં કામ કરતા કિશન જીગલાભાઈ ડાવર નામના ૩૫ વર્ષિય યુવાનને તેના જ કૌટુંબીકભાઈ ભૂરા જેરામ ડેવાર સાથે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ભૂરાએ કિશનને ઢોર મારમારી માથાના ભાગે લોખંડની રાપ મારી મોતને ઘાટ ઉતારી આરોપી નાશી ગયો હતો ગંભીર રીતે ઘવાયેલા કિશનનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતુ.

કુવાડવા પોલીસ મથકમાં હત્યાના બનાવની જાણ થતા પીઆઈ ચંદ્રવાડીયા અને રાઈયર હિરાભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જણાવ્યું હતુ કે કિશન હજુ પંદર દિવસ પૂર્વે જ રાજકોટ કામકાજ અર્થે આવ્યોહતો.જેનો પરિવાર વતનમાં જ સ્થાયી છે. કુવાડવામા ખેત મજૂરી કરતા પિતરાઈ ભૂરા ડાવરને ત્યાં આવી સાથે ખેતી કામ કરતો હતો.

દરમિયાન ગૂ‚વારે મૃતક કિશન અને આરોપી ભૂરાની બહેન વચ્ચે માથાકૂટ થતા કિશને ભૂરાની બહેનને ગાળો ભાંડવાનું શરૂ કર્યુ હતુ ભૂરાએ ગાળો બોલવાની ના પાડતા કિશન વધુ ગાળો બોલવા લાગતા ઉશ્કેરાયેલા ભૂરાએ યુવાનને મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આરોપી ભૂરાએ કિશનની હત્યા કર્યા બાદ લાશને ઘાસ રાખવાન ઓરડીમાં રાખી દીધી હતી સવારે વાડીના માલીક ખોડાભાઈ આવ્યા ત્યારે ભૂરાએ ખોટી વાર્તા કહી કિશન વતન જતો રહ્યો હોવાનું જણાવ્યું હતુ જેથી માલીક ખોડાભાઈએ સવાલ ઉઠાવતા કિશન ઓરડીમાં હોવાનું જણાવ્યું હતુ ખોડાભાઈ ઓરડી ખોલતા જ કિશનના મૃતદેહ નજરે પડયો હતો.

ઘટનાની જાણ કુવાડવા પોલીસ મથકમાં થતા જ પીઅઈ ચંદ્રવાડીયા સહિતના સ્ટાફે આરોપીભૂરાની શોધખોળ હાથ ધરી હતી ત્યારે ચોકકસ બાતમીનાં આધારે આરોપી કુવાડવા રોડ પર વતન જવા માટે વાહનની તલાશમાં હોય જેની જાણ થતા પોલીસ હેડ કોન્સ. હિતેશભાઈ રબારી તથા પોલીસ હેડ કોન્સ. હિતેશભાઈ ગઢવી સહિતના સ્ટાફે આરોપીને દબોચી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.