Abtak Media Google News
  • નરેન્દ્રભાઇ મોદીની આજે ડીસા અને હિંમતનગરમાં ચૂંટણી સભા: કાલે વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી સભા ગજવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી બે દિવસ માદરે વતન ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે પધાર્યા છે. તેઓ બે દિવસમાં સૌરાષ્ટ્રની સાત સહિત રાજ્યની 13 લોકસભા બેઠકોને આવરી લેશે. આજે પીએમ ડીસા અને હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધશે. દરમિયાન આવતીકાલે વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી સભાઓ ગજવશે.

Advertisement

આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ગુજરાતમાં આગમન થશે. બપોરે 2:30 કલાકે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પ્રથમ ચૂંટણી સભા સંબોધશે. જેમાં બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી અને પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં સભા કરશે. બપોરે 4:15 કલાકે સાંબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સાંબરકાંઠા બેઠકના ઉમેદવાર શૌભનાબેન બારૈયા, મહેસાણા બેઠકના ઉમેદવાર હરિભાઇ પટેલ અને વિજાપુર વિધાનસભાના ઉમેદવાર સી.જે.ચાવડાના સમર્થનમાં સભા કરશે.

ગુજરાત પ્રવાસના બીજા દિવસે આવતીકાલે ગુરૂવારે પીએમ દ્વારા સવારે 10 કલાકે આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે ચૂંટણી સભા સંબોધવામાં આવશે. જેમાં આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલ, ખેડા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ખંભાત વિધાનસભા બેઠકના ઉમેદવાર ચિરાગભાઇ પટેલના સમર્થનમાં સભા ગજવશે.

કાલે બપોરે 12 કલાકે સુરેન્દ્રનગર ખાતે સભા સંબોધશે. જેમાં સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ચંદુભાઇ શિહોરા, રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા અને ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણીયાના સમર્થનમાં પ્રચાર કરશે. બપોર 2:15 કલાકે જૂનાગઢમાં કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમા, પોરબંદર બેઠકના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા, અમરેલી બેઠકના ઉમેદવાર ભરતભાઇ સુતરિયા અને માણાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અરવિંદભાઇ લાડાણીના સમર્થનમાં સભા કરશે.

ગુજરાત પ્રવાસના બીજા દિવસે આવતીકાલે પીએમ અંતિમસભા બપોર 4:15 કલાકે જામનગરમાં સંબોધશે. જેમાં જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ તથા પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જૂનભાઇ મોઢવાડિયાના સમર્થનમાં પ્રચાર કરશે. બે દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રની તમામ સાતેય લોકસભા બેઠકોને આવરી લેવાશે. આ ઉપરાંત રાજ્યની અન્ય છ લોકસભા બેઠકોને પણ આવરી લેવામાં આવશે.

મતદાનના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ તરફી માહોલ બનાવવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. માત્ર બે દિવસમાં તેઓ અલગ અલગ છ સ્થળોએ ચૂંટણી સભાઓ સંબોધશે. જેમાં 13 લોકસભા બેઠકોને આવરી લેવામાં આવશે.રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ રાજા રજવાડ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેને શાંત પાડવા પણ વડાપ્રધાન કાલે એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ ત્રણ શહેરોમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા હોવાનું પણ ચર્ચા રહ્યું છે.હાલ કાળઝાળ ગરમીના કારણે ચૂંટણીનો માહોલ જામતો નથી.હવે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ બરોબર માહોલ પકડાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી તેઓ માત્ર બે દિવસ ગુજરાતમાં આવશે ત્યારે બાદ સીધા સાતમીની મેના રોજ મતદાન કરવા માટે ગુજરાત આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.