Abtak Media Google News
  • લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે બનાસકાંઠા જિલ્લાના જલોત્ર ગામે કાર્યકર્તાનાં ઘેર રાત્રિ રોકાણ કરશે

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા  લોકસભાની આગામી ચૂંટણીની  તડામાર તૈયારીઓશરૂ  કરી દેવામાં આવી છે. ગુજરાતની  લોકસભાની  તમામ 26 બેઠકો પાંચ લાખ મત્તોની લીડ સાથે જીતવા ભાજપ દ્વારા  આયોજનબધ્ધ  કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.  દરમિયાન આવતીકાલથી બે દિવસ ભાજપ દ્વારા ગાંવ  ચલો અભિયાન  હાથ ધરવામાં આવશે.  56700 કાર્યકર્તાઓ 33 જિલ્લા અને 8 મહાનગરોમાં જશે. મુખ્યમંત્રુ ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે બનાસકાંઠાના   જલોત્રમાં કાર્યકતાના ઘેર રાત્રી ભોજન લેશે અને  રાત્રી રોકાણ કરશે.

ગાંવ ચલો અભિયાન” ના સંયોજક  હિતેશભાઈ પટેલ  જણાવ્યું હતુ કે, છેલ્લા 10 વર્ષમાં  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરીક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને 2024ની આગામી લોકસભાની ચૂંટણીમાં પુન: સમર્થન મેળવવાનો છે.

કેન્દ્રની યોજના અનુસાર “ગાંવ ચલો અભિયાન” યોજાશે. જે અંતર્ગત   10  અને 11 ફેબ્રુઆરી એમ બે દિવસ  ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક-એક કાર્યકર્તાને (તેઓના મૂળ ગામ અને બૂથ સિવાયના અન્ય ગામ કે બૂથમાં) જવાબદારી નિશ્ચિત કરીને રાત્રી રોકાણ સહીત 24 કલાક એ કાર્યકર્તાઓએ સોંપેલ ગામ/બૂથમાં ’પ્રવાસી કાર્યકર્તા’ તરીકે જશે. જેમાં પ્રવાસી કાર્યકર્તાઓ 29165 અને ક્ધવીનરો 27535 એમ કુલ 56700 કાર્યકર્તાઓ “ગાંવ ચલો અભિયાન” અંતર્ગત 41 જીલ્લા અને  મહાનગરમાં જશે. પ્રદેશના હોદ્દેદાર, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યઓ, તાલુકા/જીલ્લાના હોદ્દેદાર પણ આ અભિયાનમાં જોડાશે.

આ કાર્યક્રમ અંતર્ગત  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે શનિવારે બનાસકાંઠા જીલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે જઈ રાત્રિ રોકાણ અને ભોજન કરશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.