Abtak Media Google News

“યહ મામલા ચોર ઔર ઘંટીચોર કે બીચકા હૈ કોઈ બોલને વાલા નહીં હૈ અગર કોઈ ફરિયાદ નહીં કરેગા તો યુંહી  ચલતા રહેગા ?

ભાવનગર જિલ્લા પોલીસદળનો સ્પેશ્યલ સ્કોડ પ્રશંસનિય કામગીરી કરી રહ્યો હતો. આવી કામગીરી સામાન્ય રીતે જવાનોની હોંશીયારી સતર્કતા અને તેઓની વચ્ચે તાલમેળ અને મનમેળ બરાબર હોય તો તેઓ એક-બીજાના પુરક બનીને માહિતી મેળવવાથી લઈને જે તે ટાસ્ક કે ઓપરેશન પુરૂ કરવા સુધીનું કામ સાંગોપાંગ સફળ થાય પણ જો એકાદ જવાનની પણ કડી નબળી હોય તો અંદરોઅંદર એકબીજાના ટાંટીયા ખેંચવા, બાતમી લીકેજ કરવાથી લઈને આવો નબળા મનનો જવાન કયારેક માહિતી પણ ગુનેગારોને પહોંચાડી દેતા જે તે સ્કોડ કે શાખાની સફળતાનો ગ્રાફ જમીન દોસ્ત થઈ જતો હોય છે.

ફોજદાર જયદેવના સ્કોડમાં જે છ સાત જવાનો હતા તે ખાસ પસંદગીના અને ઉમદા હતા તમામ વચ્ચે- એકસુત્રતા હતી અને સફળતાનો ગ્રાફ ઓલ ટાઈમ હાઈ હતો. હજુ સુધી જયદેવનો સ્કોડ જ સર્વોપરી હતો અને તેની આગળ કોઈ નીકળી શકે તેમ પણ ન હતુ કેમ કે તમામ જવાનો કામને સમર્પિત હતા અને નેતૃત્વ જયદેવનું અડીખમ હતુ અર્ધી રાત્રે પણ તે રેડ એલર્ટ ની જેમ તૈયાર જ હોય તમામ મળીને કોઈ મોકો કે ચાન્સ જવા દેતા ન હતા.

S.b.gohilc

સફળતા પ્રાપ્ત કરવાનો સિધ્ધાંત એ છે કે નકકી કરેલા કાર્ય પ્રત્યે સંપુર્ણ સમર્પણ, તે કાર્યની જાણકારી અને તેમાં સફળતા માટે લગન પુર્વક અવિરત મંડયા રહેવુ પડે અને કાર્ય કરનાર ટીમ વચ્ચે એક સુત્રતા અને સારૂ નેતૃત્વ હોય તો ભલે એક વખત નિષ્ફળતા મળે પણ તે નિષ્ફળતાના કારણો જાણીને તેને દુર કરતા કરતા સફળતા અવશ્ય મળે છે પરંતુ તે માટે સખત પરીશ્રમ અને પુરૂષાર્થ અનિવાર્ય છે. સમાજમાં કેટલાક લોકોની માનસિકતા એવી હોય છે કે સ્પર્ધામાં આગળ નીકળી જવા માટે પોતાની લીટી લાંબી દોરવાને બદલે હરીફની લીટી ભુસીને ટુંકી કરતા હોય છે. પરંતુ આ પધ્ધતિ કાયમ અને લાંબો સમય ટકી શકતી નથી તેમ છતા હરીફ પણ કાર્યદક્ષ ટીમને એક બે ધકકા અવશ્ય લગાવી ને થોડા પરેશાન તો કરી જ શકે.

આવો બનાવ જયદેવના સ્કોડ સાથે બન્યો ભાવનગર જિલ્લા પોલીસદળમાં એક ફૌજી નામનો કોન્સ્ટેબલ હતો. તે વાણીથી  અતિ વિવેકી, મીઠો દેખાવમાં શિસ્ત બધ્ધ અને હોંશિયારનો દેખાવ કરી જે તે શાખા કે થાણાના પોલીસ અધિકારીનો પ્યારો અને વહાલો બની જતો મીઠી મીઠી વિવેકી વાતો કરી અધિકારીનું મનજીતી લઈને પછી અધિકારીની જે પણ જરૂરીયાત કે આદતો હોય તેને સુગમતાથી પુરી કરી દેતો પછી તે ભલે તે બે નંબરની પણ હોય ! થોડા સમયમાં પુરો વિશ્વાસ અને દીલ જીતી લીધા પછી તેના અધિકારીના આવા નબળા પાસાના પુરાવા- ખીસ્સામાં રાખીને પછી જે તે પોલીસ સ્ટેશન કે શાખામાં પોતાનું મનધાર્યુ કરવા લાગે, અરે જમાદારો કે હવાલદારોને હુકમો પણ કરવા લાગતો અને સાથી કર્મચારીઓને અધિકારીના નામે બદલીની ધમકી આપી ગુલામી પણ કરાવે અને જે ન કરે તેની પોતાની અસર, અહેસાનમાં આવેલા અધિકારી પાસે ખટપટ કરી અને તેનો મસાલો કરાવી નાખતો કેમ કે આવા અધિકારી તો હવે ફૌજીનું જ સાંભળવાનાને ? વળી જયારે કોઈ જોખમ કે ભય આવી જાય ત્યારે આ ફૌજી તેના અધિકારીની જ પોલ ખુલ્લી પાડીને ભુંડો લગાડી દે તેવી માનસીકતા અને પુર્વ ઈતિહાસ વાળો હતો. અગાઉ તે અનેક ઉચ્ચ અધિકારીઓનો પ્યારો પણ રહી ચુકેલો અને જિલ્લો આખો તેનાથી વાકેફ હતો આ ફૌજી છેલ્લે જ્લ્લિાકક્ષાની એક અગત્યની ખાસ શાખામાં અધિકારીના અંગત સ્ટાફમાં હતો.

તેવી જ એક બબાલ થઈ. પોલીસવડા તો નિષ્ઠાવાન અને કડક પણ હતા. તેમણે આ ફૌજીને ચેમ્બરમાં બોલાવી બરાબર ભીંસમાં લીધો, પણ ફૌજીએ તેની આદત મુજબ ” વટાણા વેરી દીધા તેથી પોલીસવડાએ એક ગેજેટેડ પોલીસ અધિકારીને સસ્પેન્ડ પણ કરી દીધા. હવે ફૌજીને બદલવો તો કયાં બદલવો તે પ્રશ્ન ઉભો થયો કેમ કે આ ને હવે કોણ સાચવે તે મોટો પ્રશ્ન  હતો તેથી ચર્ચા-વિચારણા ચાલતી હતી.

જયદેવના સ્કોડની હરીફ શાખાના એક અધિકારીએ આ તકે જયદેવના સ્કોડની સફળતાની લીટી ભુંસીને ટુકી કરવાની તક ઝડપી લીધી. તેણે એક ડીવાયએસપી કક્ષાના અધિકારી મારફતે પોલીસવડાને કહેવરાવ્યુ કે આ ફૌજીને કંટ્રોલ કરી તેની પાસેથી કડકાઈથી નોકરી લઈ શકે તેવા એક અધિકારી જયદેવ જ છે તે હકીકતમાં તથ્ય પણ હતુ અને જયદેવનો એવો ઈતિહાસ પણ હતો. પરંતુ એ પણ વાસ્તવીક હકીકત છે કે આવા બનેલા જવાન પાસેથી તે રીતે કડકાઈથી ફરજ લેવા માટેનું મેદાન પોલીસ સ્ટેશન હોવું જોઈએ નહી કે સ્કોડ કે કોઈ શાખા કેમ કે સ્કોડ કે શાખામાં મર્યાદિત જવાનો હોય અને ફરજ પણ મર્યાદિત અને ગુપ્ત પણ ગંભીર અને જવાબદારીવાળી પણ હોય તેથી આ ફૌજી જેવા કર્મચારી તો સામેથી મુશ્કેલી જ ઉભી કરે !

જો કે જયદેવને ફૌજી કરે તેવા પ્રકારની કે કોઈ અન્ય સેવાની તો જરૂરીયાત જ ન હતી કે તેના એવા કોઈ સંપર્ક કે બેઠક ઉઠક પણ ન હતા કે તે બાબતે જયદેવની ખટપટ કરી પોલીસવડાની કાનભંભેરણી કરી શકાય. પરંતુ જયદેવની કાર્યશૈલીને કારણે સ્કોડના તમામ જવાનો સ્વતંત્ર અને સિંહ જેવા હતા. તેઓ ફૌજીની કોઈ અસર કે દબાણમાં આવે તેમ ન હતા પરંતુ જો કામગીરી પરીણામ લક્ષી ન હોય તેની આપોઆપ અવગણના થવા લાગે તેવી સ્થિતી હતી.

પોલીસવડાએ ફૌજીનો હુકમ કરી જયદેવના સ્કોડમાં મુકી દીધો. પરંતુ જયદેવની અને તેના સ્કોડની કામ કરવાની અને કામ લેવાની પધ્ધતિથી ફૌજી એક મહિનામાં જ કંટાળી ગયો આથી તે સ્કોડના અન્ય જવાનો સાથે ઝઘડવા માંડયો.આથી સ્કોડના સભ્યોએ મળીને જયદેવને રજુઆત કરી કે આ ફૌજીને અહિથી કાઢો અમારા કામમાં શું ખામી છે ? આપ પોલીસવડાને આટલુ કહી ન શકો ? જયદેવના મનમાં આજ વાત હતી તેથી તેણે પોલીસવડાને યુકિતપુર્વક આ વાત કરી. આથી પોલીસવડાએ હંસીને કહ્યુ હુ સઘળુ જાણુ છુ પણ આને મુકવો તો કયાં મુકવો કેમ કે કોઈ અધિકારી તેને રાખવા તૈયાર નથી અને તેને સાચવી કે સંભાળી પણ શકે તેમ નથી કેમ કે આ ફૌજી જે તે જગ્યાના અધિકારીનો હવાલો જ લઈ લે છે. તમારી પાસે ફૌજીને મુકતા પહેલા ખુબ ચર્ચા અને વિચારણના અંતે એક પીઢ અને અનુભવી સીનીયર અધિકારીએ તમારા ભુતકાળના દાખલા ઉદાહરણો સહિતની વાત કરતા તમારી પાસે મુકયો છે. તમે અનેક સારા કામ કરો છો આ એક  વધારે કામ આને સાચવીને કરી દો અન્ય કોઈની જ‚રત હોય કે બીજા કોઈને બદલવો હોય તે કહો. આથી પ્રથમ જયદેવ મુંઝાયો પણ પછી આ કામને પણ ચેલેન્જ‚પે સ્વીકારી વધુ કોઈ બીજો આગ્રહ રાખ્યો નહિ.

પોલીસ દળમાં સામાન્ય રીતે એવુ છે કે અધિકારી શિસ્તબધ્ધ હોય અને પોતાના જવાનો પાસેથી પણ શિસ્તબધ્ધ રીતે બરાબર અને નિયમસરનું કામ લઈ શકે તેવા અધિકારી પાસે આખા જિલ્લામાં જે પેધી ગયેલા કામચોર અને માનો ને કે ગુનેગારોના ભાઈઓ જેવા જ કર્મચારીઓને મુકવામાં આવે છે. જેથી આવા કર્મચારીઓ આ અધિકારી પાસે કાંતો નિયમીત નોકરી કરવા લાગે કાંતો કયાંક ભેખડે ભરાતા ફરીયાદો થાય અને કાંતો માંદગી સબબનું ખોટુ બહાનુ કાઢી સિકરજામાં નાસી જાય અને તે દિવસો દરમ્યાન બદલી માટે ના “સાંઢીયા લાગ શોધતા  રહે અને કાંતો કોઈ રાજકીય આકાના પગના તળીયા ચાંટીને ફરીથી અન્ય જગ્યાએ બદલી કરાવીને નાસી જાય પણ તેઓને શિસ્તબધ્ધતા ખાતાની કપરી ફરજ અને વળી આવી કડકાઈ તો કેમ રાઝ આવે ? આવા કર્મચારીઓને ઠેકાણે કરવા અને બરાબર નોકરી લેવા માટે તો પોલીસ સ્ટેશન જ એવી જગ્યા છે કે ત્યાં આવા કર્મચારીઓ બે ચાર દિવસમાં જ નોકરીથી ભાંભરડા નાખી જાય પણ બ્રાંચમાં તો ખાસ નોકરી જેવુ હોય નહી અધિકારી સાથે આવવાનું અને સાથે જવાનું એકલા માહિતી બાતમી માટે મોકલે તો બાદશાહ બની ને ફરવાનું. ભુતકાળમાં જયદેવના પોલીસ સ્ટેશનમાં આવા આઠ-દસ કંડમ કરવા લાયક કર્મચારીઓ રહેતા કે જેમને કોઈ પોલીસ અધિકારી કોઈ પણ સંજોગોમાં રાખવા તૈયાર થતા નહિ જુઓ પ્રકરણ ૧૪૧ વિડંબનાઓ. અહિં સ્કોડમાં તમામ જવાનો ફૌજીની અવગણના કરતા હતા પરંતુ તે કોઈ લાગમાં આવતો ન હતો.

જયદેવે પોતાના જવાનો ના નેટવર્ક તથા પોતાના અંતરંગ વર્તુળોથી જાણી લીધુ કે આ ફૌજીને સ્પેશ્યલ સ્કોડમાં જ મુકવાનો મુળ આઈડીઆ કોનો ? પરંતુ કે સમય દરમ્યાન  ફૌજી તેની સતત અવગણના થી કંટાળીને અન્ય જવાનો સાથે બેહુદુ વર્તન અને બોલાચાલી તો કરતો જ રહેતો પણ એક વખત તમામ જવાનોએ એકઠા થઈ સામુહિક મારામારી કરી દીધી. જયદેવ કોઈ ખાસ મોકાની રાહ જોતો હતો. પરંતુ એક સિનીયર જમાદારે જયદેવને કહ્યુ સાહેબ આ ડાભોળીયુ તો ભલે રહ્યુ પરંતુ રંજ તો આ ડાભોળીયુ ખટપટ કરીને આપણને સ્કોડમાં મોકલનારનો વધારે છે. મોકલનારના પરાક્રમો છાપામાં આવે છે. છતા તેનું કાઈ થતુ નથી અને આપણે આ ઉપાઘી લટકામાં જયદેવ જમાદારના કહેવાનો મર્મ બરાબર સમજી ગયો.

ભાવનગરના સમાચાર પત્રોમાં તે દિવસો દરમ્યાન એક બે નંબરી મોટા વેપારીનો એક પોલીસ અધિકારીએ કડદો કરી વહીવટ કરી ઘોડીવાળી દીધાના સમાચારો મભમ રીતે પ્રસિધ્ધ થતા હતા કોઈ નામ ઠામ નહિ, પરંતુ ચર્ચાઓમાં કોણે કયાં કોને વિગેરે ગરમાગરમ વાતો થતી હતી. પરંતુ જંગલ મેં મોર નાચા કીસને દેખા ? તેરી ભી ચુપ મેરી ભી ચુપ, ચોર નો ભાઈ ઘંટી ચોર’ તે ન્યાયે ફકત છાપામાં મભમ સમાચારો છપાતા હતા. પોલીસ વડા તો ઈંગ્લીશ છાપા જ વાંચતા હોય તેમને આ લોકલ ગુજરાતી સમાચારોની કે તેની કોઈ એ વાત કરી નહિ ંહોય તેનું કારણ એવુ હતુ કે પોલીસવડાની પધ્ધતિ એવી હતી કે જો કોઈ વ્યકિત આવી વાત તેમને ખાનગીમાં કરે તો પણ તે વ્યકિતએ પોતાને આવી વાત કરેલી તે મુજબ પોતે જ સાક્ષી બનીને કસુરદારો વિરૂધ્ધ કાર્યવાહી કરતા આથી કહેનાર ના મરજીએ પણ સાક્ષી બની જતા પછી તેમને વાત કોણ કરે ?

જયદેવને થયેલ કડદા અંગે કોઈ રસ કે પ્રશ્ર્ન ન હતો પણ પોતાને જે રીતે કોઈએ પોતાની લીટી લાંબી કરવા જે ડાભોળીયુ ફૌજી રૂપે તેના સ્કોડમાં ઘાલ્યુ હતુ તેનો ભારોભાર રંજ હતો. આથી જો આ કડદાની હકીકતથી પોલીસવડા વાફેફ થાય તો સામે વાળાનો ધ્વજ પણ અરધી કાઠી એ આપી જાય અને વળી પોતાના સ્કોડના જવાનો જે કાંઈક નારાજ થઈ ને ફરે છે. તેમનો હોંસલો પણ ઉંચો થાય કે તેમના ઉપર થયેલ વારનો વળતો પ્રહાર આ જનોઈ વાઢ ઘા હતો.

જયદેવ પોતાના સ્કોડના જવાનો સાથે એક દિવસ ઢસા સણોસરા ઈ ભાવનગર તરફ આવી રહ્યો હતો ત્યારે જમાદાર તાજમહમદે  પેલી દુ:ખતી નસવાળી વાત કરી કે સાહેબ આપણે દિલથી દિવસ રાત કામ કરીએ છીએ નિતિમતાથી કરીએ છીએ અને આપણને ફૌજી જેવા ડાભોળીયા ભરાવનાર હરીફો વિશે સમાચારપત્રોમાં આટઆટલુ છપાય તો કાંઈ નહિ મોજ મજા જ આ તે કેવો ન્યાય ? જયદેવ મનોમંથન કર્યુ કે વાત તો સાચી જ છે. જેઓ લીટી ટુંકી કરે કામ કરનારને ડાભોળીયા ભરાવે અને પોતે ફાવે તેવા કડદા કરી મોજ મોજા જ કરે તો પોતાના જવાનો ને તેની માનસીક વિપરીત અસર થાય જ આથી પોતાના સ્કોડના સાથી જવાનોનો ઉત્સાહ જળવાય રહે અને માનસીક સંતોષ થાય તેવું કાંઈક કરવુ જ પડશે.

સ્કોડનું સુમો જીપ સણોસરા વટીને જીંથરી અમરગઢ ટીબી હોસ્પિટલ તરફ આવી રહ્યુ હતુ. જયદેવના કોલેજ સમયના સાથીદાર મિત્ર બાપાલાલ ટીબી હોસ્પિટલમાં કાંઈક સારી પોસ્ટ ઉપર હતા અને ભાવનગર જયારે પણ મળતા ત્યારે જીથરી હોસ્પિટલમાં ચા-પાણી પીવા આવવાનો તેઓ આગ્રહ કરતા જ તેથી આજે તેમને મળી એ પણ ખરા અને કાંઈક સાથી જવાનોનો ઉત્સાહ વધે તેવું કાંઈક કામ પણ કરીએ તેવુ જયદેવે મનોમન નકકી કર્યુ.

તે સમયે હજુ ટેલીફોન લેન્ડ લાઈન ઉપરના કોલર આઈડી મશીન કે યંત્ર આવ્યા ન હતા જયદેવ અમરગઢ ટી.બી હોસ્પિટલમાં આવ્યો અને બાપાલાલને મળ્યો. બંને મિત્રોએ ચા-પાણી પીતાપીતા કોલેજ કાળના કરેલા તોફાનો અને ડેરીંગના સંસ્મરણો યાદ કર્યા. આ ડેરીંગની વાત આવતા જ જયદેવે બાપાલાલ ને કહ્યુ અરે બાપુ એક સામાન્ય કામ છે જો તમે હા કહી તો કહુ ? બાપાલાલે કહ્યુ  ” અરે સાહેબ મિત્રતામાં એવી શું વાત કરો છો. દુનિયા આખીને પોલીસનું કામ પડે બોલો હુ શું  કરી શકુ ? જયદેવને બાપાલાલ ના ડેરીંગની તેમજ સ્ટાઈલ અને લહેકાથી વાત કરવાની એક અલગ જ પધ્ધતિ હતી. તેનો બરાબર ખ્યાલ હતો વળી બાપાલાલનો પહાડી અને અમીતાભ બચ્ચન જેવો અવાજ પછી બાકી શુ રહે ? જયદેવે બાપાલાલ ને કહ્યુ તમે એક એટમ બોમ્બ ફોડી શકો અને તેની જે અફડા તફડી થાય તે જોવા જેવી થાય બાપાલાલે ગાલે ખાડા પાડતુ મર્માળુ હાસ્ય કરતા કહ્યુ એમ ? ખરેખર ? જયદેવે કહ્યુ તમે સમાચારપત્રોમાં પ્રસિધ્ધ થતાં ભાવનગરના કડદાના સમાચારો તો વાંચ્યા જ હશે બાપાલાલે કહ્યુ આવુ તો ચાલ્યા જ કરે તો વાંચ્યા જ  હશે. બાપાલાલે કહ્યુ આવુ તો ચાલ્યા જ કરે પણ જયદેવે કહ્યુ તે તો ઠીક પણ તમારે આ સમાચારપત્રોની વાત ખાસ ઢબે ટેલીફોનથી પોલીસવડાને કરવાની છે. બાપાલાલે હંસીને કહ્યુ આ જોખમમાં મને કયાં પાડો છો હું કયારેક ડાયરો કરવાવાળો વ્યકિત છુ. તેમ છતા આ તો જુના સંબંધો અને ડેરીંગનો સવાલ હતો તેથી બાપાલાલે કહ્યુ મારે પોલીસ વડાને ટેલીફોન કરી શુ શુ કહેવાનુ છે તે તો કહો ? જયદેવ કાગળ અને પેન લઈને જ આવ્યો હતો. તેના ઉપર ગુજરાતી લીપીમાં હિન્દી ભાષામાં સંવાદો લખી આપ્યા.

બાપાલાલ ડાપરામાંથી એકાદ ઘુંટ લગાડીને જ આવ્યા હતા તે સંવાદો વાંચતા વાંચતા મરક મરક હસતા ગયા અને અમુક પેટા પ્રશ્ન ઉભા થાય તો તે માટે ચર્ચા કરી બાપાલાલનો આત્મવિશ્વાસ વધારવા જયદેવે કહ્યુ કે આ હોસ્પિટલનો ટેલીફોન સોનગઢનો નંબર છે વળી સોનગઢ સ્મોલ ઓટો એક્ષ્ચેંજ છે પણ શિહોર ટેલીફોન એક્ષ્ચેંજ મારફ્તે ભાવનગર વાત થાય છે તેથી તમે કયાંથી બોલો છો તે કોઈને ખ્યાલ આવવાનો નથી. આથી બાપાલાલ ગળુ ખંખેરીને તૈયાર થયા અને પુરા ફોર્મમાં આવેલા જોઈને જયદેવે પોલીસ વડાનો ભાવનગરનો નંબર ડાયલ કરી દીધો અને વાત ચાલુ થઈ.

બાપાલાલ:- હલ્લો… નમસ્કાર !

પોલીસવડા:- નમસ્કાર… હાંજી બોલીયે

બાપાલાલ:- સાહેબ સારે જિલ્લે મેં આપકા નામ બૌત અચ્છા ચલ રહા હૈ જનતા આપકી નિષ્ઠા ઔર પ્રમાણીકતા કી બૌત તારીફ કર રહી હૈ

પોલીસવડા:- હાં વો તો ઠીક હૈ મગર બાત કયા હૈ ? કયુ ફોન કીયા હૈ ?

બાપાલાલ:- શાયદ આપકો માલુમ નહી હોગા કયુ કી આપ ગુજરાતી અખબાર તો પઢતે નહિ હોંગે યે ભાવનગર વાલા ન્યુઝ જો લોકલ અખબાર મેં કઈ દીનોસે બરાબર છપ રહે હૈ એક દો નંબર કા વ્યાપારી કા જો કડદા હુઆ ઔર આપ કુછ નહિ કર રહે હૈ તો યે અફસોસ કી બાત હૈ

પોલીસવડા:- આપ કૌન બોલ રહે હો?

બાપાલાલ:- મૈં પોલીસ ઔર આપકા એક શુભેચ્છક બોલતા હુ સર !

પોલીસવડા:- કીસીકો ફરીયાદ તો કરની ચાહીએ ન?

બાપાલાલ:- યહ મામલા ચોર ઔર ઘંટીચોર કે બીચકા હૈ કોઈ બોલને વાલા નહિ હૈ અગર કોઈ ફરીયાદ નહિ કરેગા તો યુહિ ચલતા રહેગા ? આપકા તો બડા નામ હૈ જનતા કો આપસે બહુત ઉમ્મીદ હૈ કુછ તો હોના ચાહિએ જનાબ

પોલીવડા:- ઠીક હૈ… આભાર

બાપાલાલની લહેકા વાળી બોલી અને પહાડી અવાજની ધારી જ અસર થઈ. ટેલીફોન પુરો થયો અને ભાવનગર પોલીસવડાની કચેરીમાં અફડાતફડી મચી ગઈ. પોલીસ વડાએ સંભવીત કડદાખોરોને એક પછી એક બોલાવીને ખખડાવી નાખ્યા અને તેઓ ને માટે ચેમ્બરમાં પ્રવેશબંધી થઈ ગઈ

જયદેવને ખટપટ કર્યાનો મનમાં ખુબ જ સંકોચ અને અફસોસ હતો પણ સ્કોડના જવાનોનો હોંસલો ઉંચો રાખવા આ કરવુ જ પડે તેમ હતુ બીજો કોઈ જ ઉપાય તેની પાસે ન હતો. ગમે તોય કળીયુગ તો ખરોજ ને જે દ્વાપર યુગના કુ‚ક્ષેત્રના યુધ્ધમાં અશ્વસ્થામાં મરાયો નરોવા કુંજરોવા ભગવાન શ્રી કૃષ્ણએ જાતે કરાવેલ હોય તો કળીયુગમાં જયદેવની શું વિસાત ? એક દિવસ પોલીવડાએ જયદેવને તેમની ચેમ્બરમાં બોલાવીને કહ્યુ કે સાંભળ્યુ છે કે તળાજા ફોજદાર અને તમારા વચ્ચે સારી મિત્રતા છે. જયદેવે હા કહી તો પોલીસવડાએ જણાવ્યુ કે તળાજા પોલીસ સ્ટેશનમાં ઘણા લાંબાસમય થી ગુન્હાઓની તપાસો પુષ્કળ પેન્ડીંગ છે કાંઈ નિકાલ થતો નથી વળી તળાજાના સ્ટાફથી પણ કડકાઈ થી કામ લેવાની જરૂરત છે તો તમે તેને તમારી રીતે કાંઈક કહેજો. આથી મહુવા જતા રસ્તામાં એક દિવસ જયદેવ તળાજા ફોજદારને મળ્યો અને પોલીવડાએ ચર્ચલી વાત કહી. આથી હોંશિયાર તળાજા ફોજદારે હંસીને કહ્યુ મરીને માળવો થોડો લેવાય ? થતુ હોય તેમ થાય ! મિત્રતામાં વિશેષ તો કાંઈ કહેવાય નહિ પણ જાણ કરવી પણ જરૂરી હતી જે જયદેવે કરી દીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.