Abtak Media Google News

 

ઓઝલ – પડદાનો કોઈ રિવાજ હતો નહિ પરંતુ દિલ્હીનું તખ્ત મુસલમાનોએ બથાવી પાડ્યું હોવાથી અને મુસલમાનોએ મજહબી

ઘેલછાનું તાંડવ આદરેલું હોવાથી ઓઝલ – પડદાની પ્રથા હિન્દુઓએ પોતાની સ્ત્રીઓની ઈજ્જતના રખોપા માટે કરી હતી

ગળતી રાત !

નાગવાળાના સામૈયામાં જનતાની હૈયાઊલટ ગંગાના પૂર જેવી દેખાતી હતી.

આ કાળ એવો હતો કે રાજા-પ્રજા વચ્ચે કોઈ અસમાનતા નહોતી. રાજા પોતાની જાતને પ્રજાનો દાસ માનતો. એટલું જ નહિ પણ, પ્રજાના પ્રેમ વડે જ એના જીવતરની શોભા ગણાતી.

કોઈ રાજા જુલમી બને તો પ્રજારૂપી મહાજન એ રાજાનું કાંડું 5કડીને એને ગાદી પરથી ઉઠાડી મૂકતું અને જો રાજા હઠ કરે તો એની પ્રજા તરત ઉચાળા ભરીને વિદાય થઈ જતી.

ઓઝલ – પડદાનો કોઈ રિવાજ હતો નહિ. પરંતુ દિલ્હીનું તખ્ત મુસલમાનોએ બથાવી પાડ્યું હોવાથી અને મુસલમાનોએ મજહબી ઘેલછાનું તાંડવ આદરેલું હોવાથી ઓઝલ – પડદાની પ્રથા હિન્દુઓએ પોતાની સ્ત્રીઓની ઈજ્જતના રખોપા માટે કરી હતી. સૌરાષ્ટ્રમાં એ પ્રથાનું નામનિશાન નહોતું. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી મુસ્લિમોના પદસંચારના કારણે શિયળને જીવનનું શ્રેષ્ઠ ધન માનનારી આર્યમાતાઓએ લાજ પડદાનો આશ્રય લેવો શરૂ કર્યો હતો.

સવિયાણામાં તો આમાંનું કંઈ નહોતું … રાજ – પરિવાર કે એના ભાયાતોની સ્ત્રીઓ બહુ બહાર નહોતી નીકળતી.

પણ નાગવાળાના સામૈયામાં સવિયાણા ગામની એકએક બહેન રંગબેરંગી કપડાં પહેરીને આવી પહોંચી હતી.

જેમ જન્માષ્ટમીના ઉત્સવમાં લોકો હર્ષિત બનીને મેળામાં નીકળી પડે તેમ આબાલવૃદ્ધ સર્વ પુરવાસીઓ નાગવાળાના સામૈયામાં આવ્યા હતા.

જીવરામ વૈદે ના પાડી હોવા છતાં મોટા બાપુ ધમ્મરવાળાએ આજ ઢોલિયો છોડ્યો હતો અને પોતાની તેજણ પર અસવાર થઈને દીકરાની કીર્તિનું દર્શન કરવા સામૈયામાં આવી પહોંચ્યા હતા.

નગરશેઠ, નાતના પટેલિયાઓ, મહાજનના આગેવાનો, ભાયાતો વગેરે આગળ પડતા માણસો મોવડી બનીને આવ્યા હતા.

સવારે દી ઊગ્યા પછી શરૂ થયેલું સામૈયું દરબારગઢમાં પહોંચ્યું ત્યારે રોંઢાટાણું થઈ ગયું હતું.

કારણ કે, મારગમાં રાસ મંડળીઓના રાસ ગવાતા હતા. ભજન મંડળીઓનાં ભજનો જામતાં હતાં . ઠેરઠેર અઠંગા લેવાતા હતા. અબીલ ગુલાલ વડે માત્ર માણસો જ નહિ પણ , સવિયાણાની ઊભી બજાર ને મોટી શેરીઓ પણ રંગાઈ ગઈ હતી. દુહાગીરો પણ રંગમાં આવીને સામસામા મંડાઈ જતા … આમ , મેળા કરતાં યે સામૈયાની રમઝટ રંગભરી બની હતી.

નાગવાળો માણકી પર અસવાર થયો હતો. માણકી ઘોડીને નાગવાળો બંને ગુલાબથી ભરાઈ ગયાં હતાં.

ઘમ્મરવાળા પણ નાગવાળાની પડખે જ તેજણ ઘોડી પર બેસીને ચાલતા હતા. ચાંદીના પતરા જેવી એમની દાઢી ને માથા પર શોભતી મોટી પાઘ ગુલાલ અને અબીલથી રંગભરી બની ગઈ હતી.

આટઆટલા દિવસની બીમારી જાણે અલોપ થઈ ગઈ હતી અને ધમ્મરવાળાની કેરીની ફાડ્ય જેવી આંખો કોઈ નવજવાન જોદ્ધા માફક ચળકી રહી હતી.

સામૈયું પૂરું થયું.

કામદારે આખા ગામમાં ઘેરઘેર દસદસ લાડવા ને ગાંઠિયાનાં પિરસણાં મોકલવાં શરૂ કર્યાં.

નાગવાળો નાહીને બાપુ પાસે બેઠો. બાપ – દીકરાએ સાથે ભોજન કરવા માંડ્યું.

નાગવાળાએ કહ્યું :  ‘બાપુ , આપની તબિયત તો સારી રહી છે ને ?’

‘હા નાગ , જીવરામના કહેવા પ્રમાણે બરાબર બાવીસમા દિવસે તાવ ઊતરી ગયો હતો. પરેજી પણ બરાબર પાળી હતી. હજી ગઈ કાલે જ ખોરાક લીધો હતો … હવે તું મને ત્યાંની વાત કર્ય.’

‘જમતાં જમતાં નાગવાળાએ જેતપરના ધિંગાણાની આખી વાત ટૂંકમાં કહી નાખી અને પછી કહ્યું :  ‘બાપુ , આપે કહેલી યોજના બરાબર કારગત નીવડી … જો એમદખાને જેતપરને ઘેરો ઘાલ્યો હોત તો ભારે ભૂંડી દશા થાત … તરકડાંઓની પાસે એક તોપ હતી … ચારપાંચ જંજાળો પણ હતી.

ધમ્મરવાળાએ હાથ મો ધોઈ પાણી પીને કહ્યું :  ‘સુરજાનાથની કિરપા વગર આ બને નઈં. થોડા માણસોએ ઝાઝા માણસો હારે ઝૂઝવું પડે ત્યારે આવો સાણસો જ ગોઠવવો જોઈએ.’

નાગવાળાએ સોનાનો તોડો જમણા પગમાં પહેરી રાખ્યો હતો. તે કાઢતાં કાઢતાં બોલ્યો :  ‘મારી ઇચ્છા નો’તી તો ય ચાંપરાજભાઈએ મને જશ આપી દીધો … બાકી , ખરી મરદાઈ તો એમણે કરી હતી. ટાંચાં સાધન ને ઓછાં માણસો હતાં . છતાં એમણે હ2મત નહોતી ગુમાવી.’  કહી તોડો કાઢીને બાપુના પગ પાસે મૂક્યો.

ધમ્મરવાળાએ કહ્યું :  ‘પેરી રાખ્યને !’

‘આ તો સંભારણું છે … કામદાર કાકા આવે એટલે ભંડારમાં મુકાવી દેજો.’

‘આજ રાતે ગામ મળવા આવશે તઈં આ તોડો બતાવવો પડશે … પછી તું આ તારી પાસે જ રાખજે … તારી ઘરવાળીને આપજે એટલે એના મનને પણ ટાઢક વળે ! ’ ધમ્મરવાળાએ કહ્યું.

નાગવારો હજી પત્નીને મળી શક્યો નહોતો. બાપુના ઢોલિયે તોડો મૂકીને તે ઊભો થયો અને  ‘હમણાં આવું છું.’  કહી પત્નીને મળવા પોતાને ઓરડે ગયો.

ઓરડે ગયો ત્યારે ત્યાં આલણદે નહોતી … જેઠી બેઠી હતી. જેઠીએ ઊભા થઈને નમસ્કાર કર્યા અને કુશળ પૂછ્યા.

નાગવાળાએ ઓરડામાં આસપાસ નજર કરીને કહ્યું :  ‘તારાં બા ક્યાં ગયાં છે ? ’

‘નીચે ફઈબા પાસે બેઠાં છે … હું બકોરી આવું છું.’   કહી જેઠી ઓરડા બહાર નીકળી ગઈ.

તરત નાગવાળો બોલ્યો :  ‘જેઠી, ઊભી રે’ … હું હજી ફઈબાને મળ્યો નથી . ત્યાં જ જઉં છું.’

જેઠી પાછી વળી.

નાગવાળો ફઈબાના ઓરડે ગયો.

ફઈબાના ઓરડે ગામની પાંચ સાત બહેનો આવીને બેઠી હતી.

આલણદે પણ એક ચાકળા પર બેઠી હતી અને નાગવાળો  ‘નારાયણ ફઈબા.’ કહેતો ઓરડામાં દાખલ થયો.

ફઈબાએ ઘણા જ ઉમળકાભર્યા ભાવે કહ્યું :  ‘આવ્ય બેટા , આવ્ય !

હું તો ક્યારની તારી વાટ જોઈ રહી છું … તારી આવરદા સો વરહની છે … તારું નામ મોઢામાં જ હતું ને તેં ઓરડામાં પગ મેલ્યો … બોલ, ભાઈ…ધિંગાણામાં ક્યાંય લાગ્યું નથી ને ?’

નાગવાળાએ નજીક આવી ફઈબાના પગ આગળ માથું નમાવ્યું . ફઈબાએ હેતથી માથા પર હાથ ફેરવ્યો . નાગવાળો બાજુમાં જ એક ચાકળા પર બેસતાં બોલ્યો :  ‘ફઈબા , તમારા આશીર્વાદથી ને સુરજાનાથની દયાથી ભારે સારું કામ થઈ ગયું છે …’

‘ પણ મારી વાતનો તેં જવાબ નો દીધો …..’

નાગવાળાએ હસતાં હસતાં કહ્યું : ‘એમાં શું જવાબ આપું ? ધિંગાણામાં થોડુંઘણું લાગ્યું’તું … પડદે નહોતું પડવું પડ્યું … ’

‘ રામભાઈ …’

વચ્ચે જ નાગવાળાએ કહ્યું : ‘રામભાઈ જનમ જીતી ગીયો.’

ત્યાં બેઠેલી સ્ત્રીઓમાંથી એકે કહ્યું :  ‘નાગભાઈ, અમે સાંભળ્યું છે કે ચાંપરાજવાળાએ તમને સવાશેર સોનાનો તોડો પહેરાવ્યો હતો … ’

‘હા …’

‘સામૈયામાં માણસો એટલા બધા હતા કે અમે તોડો જોઈ શક્યાં જ નહોતાં … અમારે જોવો છે.’

‘ તે બતાવું …  કહી નાગવાળાએ ત્યાં ઊભેલી લક્ષ્મીને કહ્યું : ‘ લખમી , બાપુને ઓરડે જા..ત્યાં ઢોલિયા ઉપરથી તોડો લઈ આવ્ય.’

લક્ષ્મી તરત ડેલી તરફ ગઈ … કારણ કે છેલ્લા બે દિવસથી ધમ્મરવાળા ડેલી પાસેના ઓરડે ગયા હતા.

આલણદે નીચી નજરે જોતી જ બેસી રહી હતી. નાગવાળાએ એક બે વાર પત્ની સામે ત્રાંસી નજરે જોયું હતું. પરંતુ શરમ અને સંકોચની મૂર્તિ બની ગયેલી આલણદેએ ઊંચી આંખ કરી નહોતી …

ફઈબાએ ધિંગાણાની હકીકત પૂછી . નાગવાળાએ ટૂંકામાં બધી વાત કરી.

ત્યાં લક્ષ્મી એક થાળીમાં તોડો લઈને આવી પહોંચી. પ્રથમ ફઈબાએ તોડાનાં મીઠડાં લીધાં … પછી અન્ય બે’નોએ પણ મીઠડાં લીધાં. બધાએ ઘણા જ ઉત્સાહપૂર્વક તોડો જોયો . ફઈબાએ એ તોડો

આલણદે  પાસે મૂકીને કહ્યું :  ‘લે આલણ, જે તારા ધણીના પરાક્રમની શોભા … આવું માન તો કોઈને મળ્યું સાંભળ્યું નથી.’

” આલણદેએ ત્રોડો હાથમાં લીધો..એક પળ જોઈને ફઈબા પાસે મૂકી દીધો.

ત્યાં સવલો બારણા પાસે આવ્યો ને બોલ્યો :  ‘નાગબાપુ અહીં  આવ્યા  છે.?’

નાગવાળાએ ઊભા થઈને કહ્યું :  ‘કેમ … ?’

‘જીવરામ વૈદ આવ્યા છે..બાપુએ તમને યાદ કર્યા છે ….’

‘હું આવું છું ….’  કહી નાગવાળાએ ફઈબાને પગે લાગી મસ્તક નમાવ્યું . ત્યાર પછી પત્ની પર એક ત્રાંસી નજર નાખીને તે બારણા તરફ વળ્યો … એટલે તરત ફઈબા બોલ્યાં :  ‘ભાઈ, આ હારે લેતો જા.

‘પછી મોક્લો …’  કહી નાગવાળો ઓરડા બહાર નીકળી ગયો.

પછી તો ગામના લોકો પોતાના પ્રિય કુંવરને મળવા આવવા માંડ્યા. પાંચે ય ને દસ આવે … આમ ને આમ છેક પોઢણ આરતી સુધી ચાલ્યા કર્યું.

છેવટે કામદારે જ સહુને બે હાથ જોડીને વિદાય કર્યા અને વાળુ કરીને નાગવાળો કામદારને લઈને રામભાઈના ઘેર ગયો … ત્યાંથી બીજા કે સાથીઓ, જે કામ આવ્યા હતા તેના ઘેર ગયો. આમ, વ્યાવહારિક કાર્ય પતાવીને તે જ્યારે પોતાના ઓરડે પહોંચ્યો ત્યારે મધરાતનું ટાણું થઈ ગયું હતું.

એક તો પ્રવાસનો શ્રમ હતો, વળી આજ સવારથી તે અત્યાર સુધી સામૈયાની ને મળવા હળવાની ધમાલ મચી રહી હતી. નાગવાળો પોતાને ઓરડે ગયો ત્યારે આલદે પોતાની બેન બાનડીઓ સાથે વાતો કરતી બેઠી હતી.

નાગવાળાને ઓરડામાં આવેલો જોતાં જ બંને બાનડીઓ ઊભી થઈ. નમસ્કાર કરીને ઓરડા બહાર નીકળી ગઈ.

નાગવાળાએ કપડાં ઉતારતાં ઉતારતાં પત્ની સામે જોઈને કહ્યું : ‘આલણ, મન તો નરવું છેને ? તારું મોઢું કેમ મને કરમાયેલા ફૂલ જેવું લાગે છે ? તાવભાવ કે કાંઈ કસૂતર તો નથી ને ?

આલણદેના હૈયામાં પ્રથમ તો અબોલા લેવાનો વિચાર આવ્યો હતો. પણ આજ આખો દી પરણ્યાની પ્રશંસા સાંભળીને એ વિચાર પાછો વળ્યો હતો … એને એમ પણ થયું હતું કે જો આજ આ અંગેનો કાંઈ પણ વિરોધ કે રોષ બતાવીશ તો પરણ્યાના હૈયામાં ન સંધાય એવી તિરાડ પડી જશે. આથી ચતુર કાઠિયાણીએ મૃદુ સ્વરે કહ્યું :  ‘હું તો ક્યારની વાટ જોતી બેસી રહી છું. ને મનમાં કાંઈનું કાંઈ થયા કરતું  હતુ…’

નાગવાળાએ પંચિયું પહેરતાં પહેરતાં કહ્યું ;  ‘શું થયા કરતું હતું ?’

‘ લે … મનમાં શું થાય ઈ મોઢેથી કેવી રીતે કે‘વાય ? ’

નાગવાળાએ પત્ની તરફ ફરતાં પ્રસન્ન સ્વરે કહ્યું :  ‘મનની વાતું મન સિવાય નોં સમજાય, કાં ? આજ તો હું પણ થાકીને લોથ થઈ ગીયો છું.’

આલણદે ચાકળા પરથી ઊભી થઈ ગઈ અને નાગવાળાના તરફ નજર જતાં ચમકીને બોલી :  તમને તો સારી રીતે લાગ્યું હોય એમ દેખાય છે .’

‘ના ના … તલવારના અમસ્થા બે ત્રણ છરકા થઈ ગયા હતા … ’ નાગવાળાએ કહ્યું.

આલણદેએ નજીક આવી પતિના ખભા પર ને બાવડા પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું :  ‘આને તમે છરકા કીયો છે ?’

‘આલણદે … તલવારુંની રમઝટ બોલતી’તી . હું પણ ખરા રૂપમાં આવીને તલવાર વીંઝી રહ્યો હતો ને એક પછી એક ભોડાં પાડતો જતો હતો … મને તો આ છરકાની ખબર છેક જેતપર આયા તઈં પડી હતી . ’ કહી નાગવાળાએ પત્નીના ખભા પર હાથ મૂક્યો ને પત્નીને પોતા તરફ ખેંચી … પણ તરત આલણદે છટકી ને ઓરડાના બારણા તરફ ચાલી ગઈ … કમાડ ઉઘાડાં હતાં … તેને બંધ કરી અંદરથી સાંકળ વાસી ત્યાર પછી પતિ તરફ આવતાં બોલી :  ‘હું તો તમને યાદ ક્યાંથી આવી હઈશ.’

નાગવાળાએ પત્નીને ભુજબંધમાં ભીંસતાં કહ્યું :  જો તેં મને હસતાં હસતાં વિદાય આપી હોત તો હું તને એક પળ માટે પણ ભૂલી શક્યો ન હોત ! ’

‘હજી તમે તે દીની વાત ભૂલ્યા નથી, કાં ?’

‘મારા મનમાં ઈ વાતનો કોઈ રોષ નથી.’

‘તઈં કેમ સંભારો છો ? તમને તો ખબર હતી કે પરણીને આવ્યા પછી થોડા જ દિવસમાં મોટા બાપુ માંદા પડ્યા ને ત્યાં ચાંપરાજભાઈનું કે’ણ આવ્યું !’

નાગવાળાએ પત્નીને ઢોલિયે બેસાડતાં કહ્યું :  ‘હવે ઈ વાત જાવા દે..મોટા બાપુએ આજ શું કહ્યું છે ઈ કહું ?’

આલણદે પ્રશ્નભરી નજરે સ્વામી સામે જોઈ રહી.

‘તે ઓલ્યો તોડો જોયોતોને ?’

‘હા …’

‘ મેં બાપુને કહ્યું, આ તોડો ભંડારમાં મુકાવી દેજો. એટલે બાપુ બોલી ઊઠ્યા … આ તોડો તો તારા બાહુબળની શોભા છે. ઈ શોભા પટારામાં નોં શોભે … આલણદેને આપજે.ઈ જ સાચવે.’

આલણદેએ મીઠા છતાં વ્યંગભર્યા સ્વરે કહ્યું :  ‘મોટા બાપુના હૈયામાં મારા માટે સગી દીકરી જેવી લાગણી છે … પરંતુ આપના હૈયામાં  જ….’

‘શું મારા હૈયામાં કાંઈ નથી ?’

‘ હોત તો જેતપર જાત નઈં.’   ઇચ્છા નહોતી છતાં આલણદેની બોલાઈ જવાયું.

‘હવે તો ઈ વાતે ય પતી ગઈ ને જેતપુર બચી ગયું … હું પણ હેમખેમ તારી પાસે આવી ગયો … પણ તારે આ વાતનો ચોળો મનમાં નોં રાખવો જોઈએ … ઘણી વાર ભાવના કરતાં કર્તવ્યના સાદ મોટા હોય છે. ને જે માનવી કર્તવ્યના સાદને સાંભળતો નથી તે મડદા જેવો જ બની જાય છે ! મારા જવાની બીક લાગતી હતી ? ’

‘પતી ગયેલી વાતને શું સંભારું ? બાકી, તમે પુરુષ છો … સ્ત્રીનું હૃદય તમારી પાસે ક્યાંથી હોય ? બાવડાનો આ છરકો જો જનોઈવઢ થયો હોત તો મારો જન્મારો કેવો જાત એની કોઈ કલ્પના કરી છે ? ફઈબા રામભાઈને ઘેર ગયાં હતાં … એની માનું રુદન નળિયાં ખખડાવે એવું હતું … માનો એકનો એક દીકરો … માએ હૈયામાં કેટલી આશાયું રાખી હશે ? હું તો હજી પરણીને હાલી આવું છું … મને આવ્યે બે પાંચ

વરહ થીયાં હોત અને એકાદ બાળક ખોળો ખૂંદતું હોય ને ગીયા હોત તો મને મન વાળવા પૂરતું તો મળી જ રે’ત . તો ….

આ વચ્ચે જ નાગવાળાએ ઉમળકા વડે આલણદેને હૈયાસરસી લેતાં કહ્યું :  ‘ગાંડી નહિ તો ! સખદખ કે જન્મારાની ચિંતા માનવી કરે એટલે અંત નથી આવતો . ઈ તો ભગવાનનું ધાર્યું જ થાય છે ! અને ધરતીને વિધર્મીઓ રોળતા હોય ત્યારે આવી નાની વાતુનો મોહ રાખવો ઈ શું કાઠીના દીકરાને શોભે ? રામભાઈની માએ રામને વિદાય આપતી વખતે એક શબ્દ નહોતો કહ્યો …. મોટા બાપુએ તો હું એકનો એક દીકરો હોવા છતાં ને આપણા નાનકડા રાજનો આધાર મારા પર હોવા છતાં એક મરદને છાજે એવી રીતે મને વિદાય આપી હતી … આલણ, આ બધા સંસારના સંબંધો તો જ્યાં સુધી જીવતા છઈં ત્યાં સુધી જ રહે છે … અને ઈ બંધનો ભવનો સથવારો પણ કરતાં હોય છે ! પણ માભોમ ખાતર ખપી જવાનો પ્રસંગ તો ભાગ્યશાળીને જ સાંપડે છે !

આલણદેએ આ અપ્રિય વાતને વાળવા ખાતર હસીને કહ્યું :  ‘મોટા બાપુએ તોડો આપવાનું કહ્યું હતું ને … ?’

‘ ગામના બધા જોવા આવે છે એટલે બે દી સુધી મોટા બાપુ પાસે રહેશે. પછી તું એનું જતન કરજે.’  કહી નાગવાળાએ પત્નીને એક દીર્ઘ ચુંબન લીધું.

રાત ગળતી જતી હતી … ગુલાબી ઠંડી વાતાવરણમાં રમી રહી હતી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.