હિન્દુ પરાઈ વહુ દીકરી પર બદનજર કરવામાં પાપ માને છે

 

આપણે મહમદ બેગડાને સોઈ ઝાટકીને તમાચો માર્યો છે ને જેતપરને આ ટાણે ઉગારી લીધું છે

 

સોનાનો તોડો !

એમદખાન, તેની પત્ની, તેની જુવાન દીકરી અને બે બાંદીઓને આદરપૂર્વક એક ઓરડામાં ઉતારો આપ્યો . ધવાયેલા એમદખાનની સારવાર પણ શરૂ કરાવી. એટલું જ નહિ પણ , બીજા જે પકડાયેલા તરકડાઓ ઘવાયા હતા તે બધાને પાટાપિંડી કરાવ્યા ; અને એક ડેલામાં પૂર્યા.

કાઠીઓમાં જે સારી રીતે ઘવાયા હતા તેમને પડદે રાખવામાં આવ્યા… બીજાઓને પાટાપિંડી કરાવવામાં આવ્યા… નાગવાળાને પણ પાટાપિંડી બાંધવા પડ્યા … ચાંપરાજવાળાને પાંચ દી પડદે રહેવું પડશે એવી શસ્ર ચિકિત્સકે સલાહ આપી.

શત્રુઓ પાસેથી શસ્ત્રો ઘણાં મળી આવ્યાં હતાં … એમાં પચાસ જેટલી બંદુકો હતી, ચાર નાળ જામગ્રી હતી ને એક તોપ હતી. આ સિવાય તલવાર, ભાલાં, જમૈયા વગેરે પુષ્કળ પ્રમાણમાં હતાં … એ બધાં શસ્ત્રો યથાસ્થાને મૂકવાની કામદારે વ્યવસ્થા કરી … અને પુરવઠાનો બીજો સરસામાન ભંડાર ભેગો કરાવ્યો ને ગરીબોને આપવા જેવો હતો તે વહેંચવો શરૂ કર્યો.

બીજે દિવસે ગાળીમાંથી છટકેલા વીસ સિપાઈઓને પકડીને કાઠીઓ આવી ગયા અને ગાળીમાં રહી ગયેલા ત્રીસ જેટલા ઘાયલ કાઠીઓ ને પચાસ જેટલા મુસલમાનોને પણ ગાડામાં ઘાલીને લાવવામાં આવ્યા.

એમદખાન માટે આ એક મોટી શરમકથા હતી…. હવે અહીં શું થશે તે કાંઈ સમજાતું નહોતું. તેણે નાગવાળાને કહ્યું :   રાજાસા’બ , અબ હમકો છોડ દો… ’

નાગવાળાએ કહ્યું :  દરબાર પડદેથી બહાર આવશે એટલે તમારો ન્યાય થશે … તમને અહીં કોઈ જાતનો વાંધો નહિ આવે … તમે તમારે નિરાંતે રીયો … અત્યારે તમે અમારા મેમાન છો .’

એમદખાને કહ્યું :  ‘મુઝે તો ઠીક, મગર મેરી બીબી ઔર બેટી દિનરાત રો રહી હૈ.

નાગવાળાએ તરત કહ્યું :  ‘ખાનસા’બ , તમે ચિંતા કરો મા … ઈ અમારી માબોન છે … અમે તમારી ઘોડે રૂપાળી અસ્ત્રીને જોઈને તેની ઈજજત ઉપર પાપનજર કરતા નથી . તમે તમારી બેટી ને બીબીને કહી દેજે કે તમારા જનાનખાના કરતાં પણ અહીં ઈજ્જતપૂર્વક રહી શકાશે. કાઈ હિન્દુ પરાઈ  વહુદીકરી પર બદનજર કરવામાં પાપ માને છે.

એમદખાન કાંક સમજ્યો ને કાંક ન સમજ્યો !

સાતમે દિવસે ચાંપરાજવાળા પડદેથી બહાર આવ્યા . નાગવાળાનો પાટો પણ છૂટી ગયો.

કાઠીઓના વિજયની વાત વાયુવેગે કાઠિયાવાડમાં પ્રસરી રહી હતી અને જે રાજાઓે ચાંપરાજના પ્રયત્નની હાંસી કરતા હતા અને બેગડાથી ડરતા હતા તે બધા ભારે નવાઈ પામ્યા.

સાતમે દિવસે એમદખાને પોતાના છુટકારાની માગણી સાથે ખુદાાના કસમ ખાઈને જણાવ્ંયુંં કે,  ‘તમે બહાદુર છો … અમે ભવિષ્યમાં કોઈ દિવસતમારા પર નજર નહિ રાખીએ. એટલું જ નહિ પણ, તમને અમારા દોસ્ત માનશું’

ચાંપરાજવાળાએ કહ્યું :  ‘એમદખાન, કાઠિયાવાડમાં તરકડાંઓએ જે અનુભવપાઠ આપ્યો છે તે પરથી એટલું તો અમે જોઈ શક્યા છીએ કે ખુદાના કસમ ખસમ સવારથ પૂરતા જ હોય છે ! અમારો સ્વભાવ વિશ્વાસ છે … અમે વાત ને વચનમાં વિશ્વાસ રાખતાં શીખ્યા છીએ. અને તમારે વચન કે વિશ્વાસ જેવું કાંઈ હોતું નથી.

‘નહિ રાજસા’બ ! હમ જીનસે ભી ખુદાકી કસમ બડી માનતે હૈ … આપ હમારે ઉપર વિશ્વાસ રાખો … મેં ખુદ અહેમદાવાદ જી કર બાદશાહકો વાર્કિફ કરેગા ઔર આપને જે હમારી બીબી બેટીકી ઇજ્જત રખી હૈ ઉસકી તારીફ કરકે દોસ્તીકા દાવા કરુંગા …’  એમદખાને કહ્યુ.

બે ત્રણ દિવસની વાટાઘાટ પછી ચાંપરાજવાળાએ બધા સાથીઓનો સલાહ લઈને પકડાયેલા સિપાઈઓને છોડી મૂક્યા … એટલું જ નહિ પણ, એમદખાન અને તેના જનાનાને પોતાના રખોપિયા સાથે રવાના કર્યા.

જૂનાગઢ પહોંચ્યા પછી એમદખાન જોઈ શક્યો કે અહીં પરાજયના સમાચાર આવી ગયા છે અને સંદેશાની વાટ જોવાય છે … અને સંદેશો મળે કે તરક બીજા બે હાર સિપાઈઓને રવાના કરવાની બધી તૈયારી થઈ ચૂકી છે.

એમદખાને જૂનાગઢના સુબાને કાઠીઓ પર કોઈ પણ સંયોગોમાં આક્રમણ ન કરવાની સલાહ આપી અને દોસ્તીનો હાથ લંબાવીને

જૂનાગઢ સાચવી રાખવાની ભલામણ કરી. તેણે એ પણ કહ્યું કે:  ‘કાઠી કોમ બડી જવાંમર્દ હૈ … ! ’

સૂબાને પણ આ વાતમાં સચ્ચાઈ લાગી … અને એક સપ્તાહ પછી એહમદખાન પોતાના જનાના સાથે અમદાવાદ જવા વિદાય થઈ ગયો.

પરંતુ જેતપુરમાં બધા કાઠીઓના મનમાં એમ તો હતું જ કે તરકડાંઓ ભારે લુચ્ચા હોય છે … અચાનક આવી ચડે તો ના ન કહેવાય.

ચાંપરાજવાળાએ પોતાના ગુપ્તચરો ગોઠવી જ રાખ્યા હતા અને જૂનાગઢના ચાડિકાએ સમાચાર આપ્યા કે એહમદખાન પોતાના પરિવાર સાથે અમદાવાદ ચાલ્યો ગયો છે અને કાઠીઓ સામે ધિંગાણું ન કરવાનું કહેતો ગયો છે. આ સમાચાર મળ્યા પછી સહુના મનને નિરાંત થઈ અને નાગવાળાએ રજા માગી.

ચાંપરાજવાળાએ કહ્યું :  ‘ભાઈ, તું આમ ઉતાવળ કર્ય ઈ બરાબર નઈં … હજી આપણે નિરાંતે બેસીને કાંઈ વાતું પણ નથી કરી …’

નાગવાળાએ કહ્યું :  ‘વીસ દિવસ તો વીતી ગયા છે … બાપુને પથારીમાં મૂકીને આવ્યો છું અને મારો જીવ ત્યાં છે … આમ તો હું તમે થાકી જાત એટલું રોકાત. પણ બાપુની અવસ્થાનો વિચાર કરતાં મારે એમની પાસે રહેવું જોઈએ.’

નાગવાળાની આ વાત સામે બીજી કાંઈ દલીલ થઈ શકે એમ નહોતી … હજી બધા કાઠીઓને રોકી રાખ્યા હતા… ચાંપરાજવાળાએ કહ્યું :  ‘તારી વાત બરાબર છે… હું તને વધારે નહીં રોકું..બે દિવસ પછી તું તારે જજે… પરમ દી ડાયરો ભેગો થાશે ને પછી સહુને વિદાય આપીશુ.’

નાગવાળો ન છૂટકે રોકાઈ ગયો. અને ત્રીજે દિવસે ડાયરો ભેગો થયો . ચારણવૃંદે ચાંપરાજને અને નાગવાળાને બિરદાવવામાં કોઈ મણા નોં રાખી … અને લડતાં લડતાં મોતને ભેટેલા વીરાવાળાને પણ સહુએ બિરદાવ્યો … એટલું જ નહિ પણ, એની યાદમાં ગાળી વચ્ચે એક પાળિયો ઊભો કરવાનું અને વીરાવાળાના નાના કુંવરને સોનાનો તોડો મોકલવાનું ચાંપરાજવાળાએ ડાયરા વચ્ચે જાહેર કર્યું.

આખો ડાયરો હર્ષનાદ કરવા માંડ્યો.

ત્યાર પછી ચાંપરાજવાળાએ કહ્યું :  ‘ભાઈઓ, આપણે મહમદ બેગડાને સોઈ ઝાટકીને તમાચો માર્યો છે ને જેતપરને આ ટાણે ઉગારી  લીધું છે . આ કામનો જશ મને નો મળવો જોઈએ … જશનો સાચો હકદાર કાકા ધમ્મરવાળાનો દીકરો છે … એણે બતાવેલી યોજના ધાર્યા કરતાં વધારે સારી રીતે સફળ થઈ હતી અને ગાળીના ધિંગાણામાં નાગે ભારે રમઝટ બોલાવી હતી. મને જે વાતું મળી છે એના અધારે હું કહી શકું છું કે નાગવાળાએ એકલા હાથે સવાસો જેટલા સિપાઈઓને ગાળીમાં ઢાળી દીધા હતા. આવું કાંડાબળ ને આવી જવાંમર્દી ખરેખર આપણી 52જ માટે અભિમાન લેવા યોગ્ય છે. નાગવાળાની ઉંમર તો નાની છે … હજી મૂછનો દોરો પણ જામ્યો નથી … પણ એની હરમત ને એનો દલગજો આખા કાઠિયાવાડ માટે શોભારૂપ છે … હું આજના આ ડાયરા વચ્ચે નાગવાળાના કાંડાબળને સત્કારું છું અને મારા હાથે આપ સહુના આશીર્વાદ સાથે સવાશેર સોનાનો એક તોડો પહેરાવું છું,

આખો ડાયરો ગહેકી ઊઠ્યો.

એક ચારણ તો ઉમંગમાં આવીને ઊભો થઈ ગયો ને બોલ્યો :

‘બાપ ચાંપરાજ, ગુણીની પૂજા કરતાં તો તને જ આવડે છે … ધમ્મરવાળાનો દીકરો તો દેવના અંશ જેવો છે. એણે તો અનેક ચારણ મા-દીકરીઓને તરકડાંઓના હાથથી બચાવી છે ને ખાંભલીના ટીંબે સમ ખાવા પૂરતો યે એક તરકડાને જીવતો રાખ્યો નથી … ખમ્મા છે દેવાંશી નાગને ! આઈ ચાવંડ એની સદાય રક્ષા કરશે ! આઈ ખોડિયારના ચારેય હાથ એના માથે છત્તરરૂપ રે’શે … ’

ચારણ હેઠો બેસી ગયો એટલે નાગવાળાએ કંઈક સંકોચભર્યા અવાજે કહ્યું : ‘મારા જેવા એક બાળકને આપ સહુ આ રીતે લડાવો ઈ બરાબર નથી … આ વિજયનો જશ તો આપણી પરજના સાવજ સમા ચાંપરાજભાઈને જ શોભે ! મહમદ બેગડા સામે આજે કોઈ છાતી કાઢવા તૈયાર થતું નથી. ને ચાંપરાજભાઈએ હિંમત કરી … અને ભાઈયું ને સંબંધીઓમાં એક થાવાની હાકલ કરી … ચાંપરાજભાઈની હાકલના પરિણામે જ આપણે સહુ આવી પૂગ્યા ને એમની હિંમતે જ આપણે વિજયી બન્યા … ! મારે તો એટલું જ કહેવાનું છે કે એકતાને ફાળે જાય છે … જો આપણે બધા આવી ને આવી એકતા રાખીએ તો કોઈની મગદૂર નથી કે આપણા લોહીથી ધરવાયેલી મા ભોમનું કોઈ અપમાન કરી શકે ! મારી આપ વડીલો આગળ એક જ

માગણી છે કે જ્યારે જ્યારે હાકલ પડે ત્યારે સહુએ એક થઈ જવું ને દમન સામે ખભે ખાંપણ ભેરવીને ને ખભે ખભા મિલાવી જીવી જાણવું.

‘રંગ છે નાગવાળાને ! રંગ ધમ્મરવાળાના પોતરાને ! રંગ છે એના ડહાપણને !’  ડાયરામાંથી અવાજો આવવા માંડ્યા.

ચાંપરાજવાળાએ એક થાળમા લૂગડું ઢાંકેલ સવા શેર સોનાનો તોડો હાથમાં લીધો અને સુરજાનાથની જ’ે  સાથે નાગવાળાના જમણા પગમાં પહેરાવ્યો.

ત્યાર પછી જેણે જેણે આ ધિંગાણામાં વીરતા દાખવી હતી તે સહુની વીરતાને વિવિધ ભેટો વડે વધાવી.

ચારણ વૃંદોને પણ દાન આપવામાં ચાંપરાજવાળાએ જરાય મોળપ રાખી નહિ … એ સિવાય અન્ય માગણો, ઢાઢીઓ વગેરેને પણ નવાજયા.

આમ, છેક સંધ્યા વખતે ડાયરો પૂરો થયો અને બીજે દિવસે તો બધા મે’માનો વિદાય થવા માંડ્યા. નાગવાળો પણ પોતાના સાથીઓ સાથે વિદાય થયો. નાગવાળાએ જતી વખતે પોતાના સાથીઓની ગણતરી કરી તો અઢાર સાથીઓ મોતને ખોળે બેસીને સરગાપરમાં પહોંચ્યા હતા અને બીજા ત્રેવીસ સાથીઓ ઘાયલ થયા હતા.

માભોમ માટે જાનની કુરબાની આપવી એ જીવનનું મોટામાં મોટું ગૌ2વ ગણાતું હોવાથી મરનારાઓ પાછળ રુદન કે આંસુ નહોતાં, પણ મ2ના2 જિંદગી માણીને ગીયો ને મરવાની રીતે મર્યો એવો ઉલ્લાસ હૈયામાં ઊભો થતો.

નાગવાળાનો પ્રિય મિત્ર રામભાઈ પણ આ ધિંગાણામાં સરગની વાટે ચાલ્યો ગયો હતો. નાગવાળાના મનમાં દુ:ખ એ વાતનું થયું કે  ‘રામ, તેં તો સરગાપર તારું કર્યું અને અમે તારા વિયોગે ઝૂરતા રહી ગયા. હવે મેળો ક્યારે થાશે ઈ કાં તું જાણે ને કાં ભગવાન જાણે ! ’

નાગે નિસાસો નાખીયો,

રોળાણો ભેરુ રામ,

તેં તો સરગાપર સાધીયું,

અમાશો ઈનો ઈ ઠામ

સવિયાણામાં બરાબર બાવીસમે દી મોટા બાપુનો તાવ ઊતરી ગયો હતો અને જીવરામ વૈદે દસ દિવસ પછી ખોરાક આપવાની વાત કહી હતી.

પણ તાવ ઊતર્યા પછી પરેજી શા માટે ? એ સવાલ મોટા બાપુ સામે એમના સાથીઓએ કર્યો હતો.

ધમ્મરવાળાએ દીકરો પાછો ન આવે ત્યાં સુધી વૈદનું કહ્યું માનવાની મનમાં ટેક રાખી હતી અને જેતપ2ની ગાળીમાં એમદખાનની હાર થયાના સમાચાર તો ક્યારના મળી ગયા હતા … સાથોસાથ, નાગવાળાએ દાખવેલા પરાક્રમની વાતો પણ આવી પહોંચી હતી. આ વાતો સાંભળીને ધમ્મરવાળાનું હૈયું ભારે પોરહાઈ રહ્યું હતું . તેને થતું કે ભગવાને ભલે એક જ દીકરો આપ્યો. પણ સાત દીકરા જેવો છે અને વાળા કાઠીનો દીવડો અમ્મર રાખે એવો છે !

પુત્રની કીર્તિથી પિતાનું હૈયું હંમેશ ઉલ્લાસ અનુભવે છે !

વિજય મળ્યાની વાત આલણદેના કાને પહોંચાડવામાં આવી હતી. ફઈબાએ બધી વાત કરી હતી. પણ આલણદેના હૈયામાં પોષાયેલું અભિમાનનું બીજ આટલા દિવસોમાં જાણે મોટું વૃક્ષ બની ગયું હતું.

વિજયના સમાચાર જે દી મળ્યા તે દી રાતે મીઠીએ આલણદે સામે બેસતાં કહ્યું હતું :  ‘બા ! વાત સાંભળીને મનને ટાઢક વળીને મેં તો સાંભળ્યું છે કે દરબારે સો જેટલાં તરકડાંઓને વાઢી નાખ્યાં હતાં ને બેગડાના એમદખાનને પણ પાંચવડીયે બાંધીને પકડી લીધો’તો.

આલણદેએ મીઠીને પણ કશો જવાબ નહોતો આપ્યો.

પુત્રને મળેલા વિજયના હર્ષમાં ધમ્મરવાળાએ કામદારને ગામમાં સાકર વહેંચવાની આજ્ઞા કરી અને પરેજી આડે બે દિવસ બાકી રહ્યા હતા ત્યારે ડાયરાના કેટલાક સાથીઓના આગ્રહને વશ થઈને તેઓએ મીઠાઈ ખાધી હતી …

અને જીભને જરાક સ્વાદ મળે એટલે એની લાલચ સજાગ બને છે …

મન પાછું પડ્યા પછી ઝટ થાળે પડી શકતું નથી!

તે દિવસે રાતે પણ ધમ્મરવાળાએ ખીચડી રોટલો વગેરે લીધાં.

બીજે દી કંઈક તાકાત આવી હોય એવો ભાસ થયો અને જીવરામ વૈદે પણ ખીચડી કઢી લેવામાં વિરોધ ન બતાવ્યો.

ત્રીજે દિવસે મધ્યાહ્નવેળાએ નાગવાળાનો એક સાથી આવી પહોંચ્યો અને મોટા બાપુના ચરણ સ્પર્શ કરીને બોલ્યો :  ‘મોટા બાપુ, આપણી આખી પરજમાં ભાઈનો જોટો મળવો દુર્લભ છે … ચાંપરાજ વાળાએ ભાઈના પગમાં સવાશેર સોનાનો તોડો પહેરાવ્યો ને હજાર માણસની વચ્ચે ભાઈની મરદાનગીને બિરદાવી … આવતી કાલે દી ઊગ્યા ટાણે બધા સાથીઓ સાથે ભાઈ આવી પહોંચશે.’

આવતી કાલે ?  ‘ધમ્મરવાળાની આંખમાં તેજ ઊભરાઈ ગયું …

‘હા … મોટા બાપુ … આજની રાત બધા દાનુભાને ત્યાં  ર’ેશે … ભળકડે નીકળશે .’

‘આપણા બધા જણ તો હેમખેમ છે ને ?’

‘ અઢાર જણ કામ આવ્યા … એમાં નાના બાપુના ભાઈબંધ રામભાઈ પણ હતા …’

‘રામે સરગાપરની વાટ પકડી ? ભારે દાનો જુવાન … અમર થઈ ગીયો ! ’ ધમ્મરવાળાએ કહ્યું.

ત્યાર પછી ધિંગાણા અંગેની માહિતી જાણીને ત્યાં બેઠેલા કામદાર સામે જેઈને ધમ્મરવાળા બોલ્યા :  ‘કામદાર, અટાણે જ ગામમાં સાદ પડાવો … સવારે સામૈયું કરવા સહુ પાદર પો’ચી જાય … દેવલા

વાધરીને પણ કે‘વરાવજો કે બધા શરણાઈયુંવાળાને લઈને ટાણાસર આવી પહોંચે ! પાંચ કુંવારી દીકરીયુંને પોંખવા માટે તૈયાર કરાવજો ….’

કામદારે બધી વાત યાદ રાખી લીધી.

નાગવાળાનો સંદેશો લઈને આવેલો જુવાન કાઠી બાપુને રામ રામ કરીને પોતાને ઘેર જવા વિદાય થયો.

નાના બાપુ આવતી કાલે આવશે એ સાંભળીને સવલો તો નાચવા માંડ્યો.

ફઈબાએ એક બાનડી મારફત આ સમાચાર આલણદેના ઓરડે પહોંચાડ્યા.

પણ આલણદેના ચહેરાના ભાવનું જરાય પરિવર્તન થયું નહિ.

મોતની મહેફિલ માણીને આવતા સ્વામીને ભેટવાનો જે ઉમળકો હૈયામાં નાચવો જોઈએ, તે ઉમળકો હૈયામાં પોષાયેલા અભિમાનના અગ્નિ આગળ સાવ ભડથું થઈ ગયો હતો.

ગામમાં સાદ પડ્યો …

આખા ગામમાં આનંદ આનંદ થઈ ગયો. વિજેતાને વધાવવાનો ઉમળકો આબાલવૃદ્ધ સર્વના હૈયામાં રમવા માંડ્યો !