Abtak Media Google News

થોડા દિવસોમાં પ્રાંત અધિકારીઓ દબાણના સર્વેનો રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સોંપશે, નવા વર્ષની શરૂઆતથી જ સરકારી જમીનો ખુલ્લી કરાવવા તંત્ર ઝુંબેશ છેડશે

અબતક, રાજકોટ : કલેક્ટર તંત્ર સરકારી દબાણો સામે ટૂંક સમયમાં મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર અંદાજે એકાદ પખવાડિયામાં સરકારી જમીનને ખુલ્લી કરાવવા માટે રીતસરની ઝુંબેશ છેડશે. એટલે હવે દબાણકારોના છેલ્લા દિવસો નજીક આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર દબાણો આવેલા છે. છેલ્લા ઘણા સમયથી કલેકટર તંત્ર દ્વારા ડીમોલેશનના કોઈ મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા ન હોય, દબાણકારો બેફામ બન્યા છે. જો કે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા ઘણા સમય પૂર્વે જ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને પોત પોતાના વિસ્તારોમાં દબાણ અંગેના સર્વે કરવાના આદેશો આપી દેવામાં આવ્યા હતા. જેને પગલે પ્રાંત અધિકારીઓ દ્વારા આ સર્વે શરૂ કરી દેવાયા હતા. હવે આ સર્વે પૂર્ણતાના આરે પહોંચ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ થોડા દિવસોમાં પ્રાંત અધિકારીઓ આ સર્વેનો રિપોર્ટ કલેક્ટર સમક્ષ રજુ કરવાના છે. જેના આધારે જિલ્લામાં સરકારી જમીનો ઉપર ખડકાયેલાં દબાણો દૂર કરવા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ કલેકટર તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર થયેલા દબાણો શોધવા માટે પોતાના સૂત્રો પણ કામે લગાડી દીધા છે. હાલ કલેકટર તંત્ર સુશાસન સપ્તાહની કામગીરીમાં રોકાયેલું હોય, આ કામગીરી પૂર્ણ થયા બાદ નવા વર્ષથી કલેકટર તંત્ર દબાણકારો ઉપર રીતસરનું તૂટી પડશે.

વધુમાં મળતી માહિતી મુજબ આગામી આરઓ મોટિંગમાં પણ કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીઓ સાથે સરકારી જમીન ઉપરના દબાણોને લઈને ચર્ચા વિચારણા કરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવનાર છે. તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અનેક ગામોમાં ગૌચરમાં પણ બેફામ દબાણો થયા હોય, જિલ્લા વિકાસ અધિકારીને પણ આ ઝુંબેશમાં સામેલ કરી ગૌચર ઉપરના દબાણો હટાવવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.