Abtak Media Google News

કલાને ઉજાગર કરવાના ઉદ્દેશથી કલેકટર કચેરીએ 4 વર્ષ પૂર્વે લાખોના ખર્ચે તૈયાર થયેલા પ્લેટફોર્મ લોકાર્પણ બાદથી જ વિસરાય ગયું

તે સમયે ખુદ મુખ્યમંત્રીએ આ કલા સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું, આ પ્રસંગે સોરઠી ડાયરીનો ભવ્યાતી ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો

ઓપન એર થિયેટરની સિમેન્ટની જાળીઓ તૂટી ગઈ,  ઠેર- ઠેર ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા

અત્યાર સુધી વિસરાયેલ ધરોહરો ધ્યાને આવતી, પણ હવે તો નવી વિરસતો પણ વિસરતી જઈ રહી છે. આવું જિલ્લા કલેકટર કચેરીમાં જ બન્યું છે. અહીં કચેરીની પાછળના ભાગે 4 વર્ષ પૂર્વે કલા સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પણ જ્યારથી આ કલા સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં માત્ર બેથી ત્રણ વખત જ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ તો આ કલા સ્ટેશન ઉપયોગ કરવાને લાયક પણ રહ્યું નથી.

લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ કલા સ્ટેશનના ઉદઘાટન માટે દેશભરમાંથી ટોચના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ પાણીના હસ્તે તારીખ 11 સપ્ટેમ્બર 2019 ના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમારોહ આ સ્થળે જ રાખવાનો હતો પરંતુ તે દિવસે ભારે વરસાદ આવતા પ્રમુખસ્વામી હોલમાં કાર્યક્રમ રાખવો પડો હતો. ત્યારથી માંડીને આજ દિવસ સુધી અહીં કલાને લગતો એક પણ કાર્યક્રમ થઇ શકયો નથી.  વિશ્વ એડસ દિવસ નિમિત્તે આ સ્થળે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે સિવાય અન્ય પ્રકારના કાર્યક્રમો એક કે બે વખત અહીં રાખવામાં આવ્યા છે. આ ઓપન એર થિયેટરની સિમેન્ટની જાળીઓ તૂટી ગઈ છે. ઠેર ઠેર ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. આ સ્થળે છેલ્લે જમીનને સાવરણાનો સ્પર્શ કયારે થયો હશે તે પણ એક સવાલ છે.

રાજકોટના તત્કાલિન કલાપારખુ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ “સ્વાન્ત:સુખાય” પ્રોજેકટ હેઠળ રાજય સરકારના સહયોગથી કલેકટર કચેરીના પ્રાંગણમાં જ સંપૂર્ણ સુવિધાયુકત “કલા સ્ટેશન” નામના ઓપન એર થીયેટરનું નિર્માણ કરવાના ઓરતા સેવ્યા હતા. જો કે આ કલા સ્ટેશનના લોકાર્પણ પૂર્વે જ તેઓની બદલી થઈ ગઈ હતી. બાદમાં આ કલા સ્ટેશન જાણે ઘણી ધોરી વગરનું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ કલા સ્ટેશનના લોકાર્પણ વખતે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ કલા સ્ટેશન એટલે કે ઓપન થિયેટર સમગ્ર સૌરાષ્ટ્રની કલાને એક પ્લેટફોર્મ પુરૂ પાડશે. પણ હકીકતમાં આવું કઈ થયું જ નથી. લોકાર્પણ બાદ તેની કોઈ જ દરકાર લેવામાં આવી નથી. મોટાભાગના ઓપન થિયેટરના કાર્યક્રમો વહેલી સવારે અને સાંજે જ યોજાતા હોય છે. આ સમયે કચેરીમાં અરજદારો પણ નહીવત આવતા હોય છે.તેવામાં આ કલા સ્ટેશન કચેરીની કામગીરીને જરા પણ અડચણરૂપ બને તેમ ન હોય છતાં પણ તેનો લાભ ઉઠાવવામાં નીરસતા જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.