Abtak Media Google News

ઉત્તેજનાઓનો મોડી રાત્રે આવ્યો અંત, ગ્રામ્ય પંથકની ચૂંટણી સંપન્ન

મોટાભાગના તાલુકા મથકોમાં મોડી રાત સુધી ચાલી મતગણતરી, સ્ટાફે સવાર સુધી ઊંઘેમાથે કામગીરી કરી

કોરોના વચ્ચે પણ વિજ્યોત્સવ મનાવાયો, જીતના જશ્નમાં મામલતદાર કચેરીઓની બહાર જ ગાઈડલાઈનના લીરા ઉડ્યા

અબતક, રાજકોટ : રાજ્યની 8686 ગ્રામ પંચાયતોની ચૂંટણી સંપન્ન થઈ છે. ગત મોડી રાત્રે ઉતેજનાનો અંત આવ્યો હતો. તમામ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર થતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. જો કે વિજેતાઓએ જીતના જશ્નમાં મામલતદાર કચેરીઓ બહાર જ કોરોના ગાઈડલાઈનના લીરા ઉડાડયા હતા.

રાજ્યની 8686 ગ્રામ પંચાયતોની અને તેના 48,575 વોર્ડની ગત રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીમા રાજ્યમાં સરેરાશ 74.70 ટકા મતદાન થયું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ત્યારબાદ ગઈકાલે મંગળવારે દરેક તાલુકા મથકો ઉપર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા ચાલી હતી. મોટાભાગના તાલુકા મથકે મોડી રાત સુધી મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં સ્ટાફે સતત ખડેપગે રહીને સવાર સુધી કામગીરી હતી.

ગઈકાલે મતગણતરી દરમિયાન મોડી રાત્રી સુધીમાં ઉત્તેજનાઓનો અંત આવ્યો હતો. ગ્રામ્ય પંથકની ચૂંટણી સંપન્ન થતા સ્ટાફે પણ રાહતનો શ્વાસ લીધો હતો. પરિણામ જાહેર થતા જ કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો. બીજી તરફ કોરોના વચ્ચે પણ વિજેતા થયેલા અનેક ઉમેદવારોએ વિજ્યોત્સવ મનાવાયો હતો. જીતના જશ્નમાં મામલતદાર કચેરીઓની બહાર જ ગાઈડલાઈનના લીરા ઉડતા નજરે ચડ્યા હતા.

આ ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ થયો હોવાથી મતગણતરીમાં વિલંબ થયો હતો. મોટાભાગના મથકો ઉપર પર મોડી રાત સુધી ગણતરી ચાલી હતી. જો કે અમુક વોર્ડ કે સરપંચ સીટના રિકાઉન્ટિંગ થયા છે તેના પરિણામ સવારે જાહેર થાય તેવી પણ શક્યતા છે. મોટાભાગની ગ્રામ પંચાયતમાં ખૂબ પાતળી લીડથી ઉમેદવારોનો વિજય થયો હતો.

અનેક જગ્યાએ ટાય, ચીઠ્ઠી નાખી સરપંચ નક્કી કરાયા

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં અનેક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્ય પદમાં બે ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ હતી. જેના કારણે ચિઠ્ઠી નાખીને સરપંચ અને સભ્યને વીજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે મહા મહેનત બાદ ઉમેદવારને એટલા મત એકઠા થયા હતા. તેવામાં એક ચિઠ્ઠીએ ઉમેદવારને હરાવતા અફસોસનો કોઈ પાર ન રહે તે સ્વાભાવિક છે.

ભારે કરી…રાજકોટ અને વાંકાનેરના ઉમેદવારને એક મત પણ ન મળ્યો!!!

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં બે વિચિત્ર ઘટના જોવા મળી હતી. જેમાં રાજકોટ અને વાંકાનેર તાલુકાના બે ઉમેદવારો એવા હતા કે જેમને પોતાનો મત પણ મળ્યો ન હતો. રાજકોટ તાલુકાના ખોરાણા ગામમાં  વોર્ડ નંબર 3ના ઉમેદવાર કાનાભાઇ નવઘણભાઈ ડાભી અને વાંકાનેર તાલુકાના ચિત્રાખડામાં સરપંચ પદના ઉમેદવાર અનુબેન સામતભાઈ ડાભીને એક પણ મત મળ્યા ન હતા.

હવે પ્રશ્ન એ થાય છે કે અન્ય મતદારો તો ઠીક પણ આ ઉમેદવારોને પરિવારનો કે પોતાનો મત પણ કેમ ન મળ્યો ? જો કે ઉમેદવારે મત આપવામાં ભૂલ કરી હોય એટલે મત રિજેક્ટ થવાના કારણે પોતાનો મત પોતાના નસીબમાં ન આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.