Abtak Media Google News

રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતે સી.પી.આર.પ્રશિક્ષણ કેમ્પ યોજાયો

નિષ્ણાંત તબીબો દ્વારા ૧૪૦૦ પોલીસ જવાનોને અપાઇ પ્રાથમિક સારવારની તાલીમ

ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા પી.ડી.યુ મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ ખાતે સી.પી.આર. એટલે કે કાર્ડીઓ પલ્મોનરી રીસર્સીટેશન તાલીમ કેમ્પ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

Advertisement

આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાએ કહયુ હતું કે ‘‘આજની વ્યસ્ત જીવન શૈલીના કારણે હાર્ટ એટેકના બનાવો વધી રહયા છે. હાર્ટ સર્જનો પણ તેમાંથી બાકાત નથી. એવા સંજોગોમાં પોલીસ વિભાગને સી.પી.આર.ટ્રેનિંગના માધ્યમથી પ્રાથમિક સારવાર માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેથી હાર્ટ એટેકના બનાવો બનતા અટકાવી શકાય અને માનવીનું જીવન બચાવી શકાય. આમ હાર્ટ એટેકના બનાવો અટકાવવા સી.પી.આર.ની ભૂમિકા મહત્વની રહેશે.”

આ સી.પી.આર. કેમ્પમાં આશરે રાજકોટના ૧૪૦૦ પોલીસ જવાનોને તાલીમ અપાઇ હતી. પોલીસના જવાનો ‘અંગદાન એ મહાદાનના સુત્રને સાર્થક’ કરતો મહાસંકલ્પ કર્યો હતો. સી.પી.આર.ના રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આરોગ્યલક્ષી અનેક વિવિધ પગલા લેવાયા છે. ખાસ કરીને કોરોનો કાળમાં તેમણે રસીકરણ થકી લોકોને કોરોના સામે સુરક્ષિત હતા. જેની વિશ્વસ્તરે નોંધ લેવાઇ હતી. તેમજ આયુષ્માન ભારત યોજના થકી લોકોને આરોગ્ય માટેનું સુરક્ષા કવચ આપ્યુ છે. ત્યારે હ્દય રોગના હુમલાના બનાવોને અટકાવવાના પ્રયાસ રૂપે પોલીસને પણ હવે સુરક્ષા સાથે સી.પી.આર.ના માધ્યમથી સેવાનું કામ કરવાનો અવસર મળ્યો છે. રાજય સરકાર દ્વારા આ ખુબ મહત્વનો કાર્યક્રમ થયો છે. બ્રેઇન ડેડ વ્યકતિનું વધુને વધુ અંગદાન થાય તે માટે શહેર તેમજ ગ્રામ્યકક્ષાએ જન જાગૃતિ જરૂરી છે. અંગદાન થકી અનેક માનવીની જિંદગી સુધરી શકે છે.

પ્રાસંગિક પ્રવચન મેડિકલ એસોસીએશનના ડો. અતુલ પંડ્યાએ કર્યુ હતું. ડેમોન્સ્ટ્રેશનના માધ્યમ દ્વારા સી.પી.આર.ટ્રેનિંગથી મહાનુભાવોને અવગત કરાયા હતા. આકસ્મિક સમયે આવતા હાર્ટ એટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડીત વ્યક્તિના જીવ બચાવવાની પ્રાથમિક સારવાર ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ દ્વારા અપાઇ હતી.

આ કેમ્પમાં સાંસદ મોહન કુંડારીયા, મેયર પ્રદીપ ડવ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ,રમેશભાઈ ટીલાળા, અગ્રણી મુકેશ દોશી, કલેકટર પ્રભવ જોશી, ડી.ડી.ઓ.દેવ ચૌધરી, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ડી.સી.પી. સુધીર દેસાઈ,સજજન સિંહ પરમાર,પૂજા યાદવ, સી.આઇ.ડી. ક્રાઇમના પાર્થરાજ સિંહ ગોહિલ, જેલ સુપ્રિટેન્ડન્ટ બન્નો જોશી, પી.ડી.યુ.ના તબીબી અધિક્ષક ડો.રાધે શ્યામ ત્રિવેદી, પીઆઇ, એએસઆઇ, કોન્સટેબલ સહીતના પોલીસ જવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.