Abtak Media Google News

વોર્ડ નં.11માં  રૂ. 61.58 લાખના ખર્ચે ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી ભાનુબેન બાબરીયા

આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ 40 થી વધુ બાળકો સાથે વાર્તાલાપ કરી બાળકોને કરાવ્યું ભોજન

રાજકોટ શહેરના વોર્ડ 11 માં આવેલ ઉદયનગરમાં જનભાગીદારી હેઠળ અંદાજિત રૂ. 61.58 લાખના ખર્ચે ડામર રોડ કરવાના કામનું ખાતમુહૂર્ત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું હતુ.

આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સરકાર સૌને સાથે લઈને તમામ સુવિધા પૂરી પાડીને નાગરિકોનુ જીવનધોરણ ઊંચું લાવવા સતત પ્રયત્નશીલ છે. આ વિસ્તારના લોકોને પાક્કા રોડ  અને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં સરકાર  અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સતત કાર્યરત છે.

મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે ખાતમુહૂર્ત કરાયેલ 10 હજાર ચોરસ મિટરના રોડ ટૂંકા ગાળામાં બનાવવાનું લક્ષ્યાંક છે.

અષાઢી નવરાત્રીના પાવન પર્વ નિમિતે  રાજકોટ શહેરના ઉદયનગર વિસ્તારમાં આવેલા શક્તિમાંના મંદિરે મંત્રીએ ભાનુબેન બાબરીયાએ શિશ ઝુકાવીને ગુજરાતની જનતાની સુખ- શાંતી, સમૃદ્ધીનું રક્ષણ થાય અને ઉત્તરોત્તર વિકાસ સાધતી રહે તેવી પ્રાર્થના કરી હતી.

ત્યારબાદ મંત્રીએ  મંદિરના પટાંગણમાં આવેલી આઈ.સી.ડી.એસ વિભાગની આંગણવાડી કેન્દ્ર નં-155ની મુલાકાત લીધી હતી. આંગણવાડીઓમાં અભ્યાસ કરતા 40 થી વધુ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. ઉપસ્થિત બાળકોએ ’અમે નાના બાલુડા’, ’મમ્મી મારી પ્યારી, લાવે દુધની પ્યાલી’ જેવા સુંદર બાળગીતો ગાઈને ઉપસ્થિતોનુ મન મોહી લીધું હતુ. આંગણવાડીના સંચાલકો પાસેથી બાળકોને આપવામાં આવતી સુવિધાની મંત્રીએ  જાત ચકાસણી કરી હતી તેમજ બાળકો સાથે બેસીને મંત્રીએ  બાળકોને ભોજન કરાવ્યું હતું.

આ પ્રસંગે સર્વે કોર્પોરેટર તથા સંગઠનના હોદેદારો અને તમામ મોરચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.