Abtak Media Google News

લોકતંત્રના મુખ્ય ચાર સ્તંભોમાં રાજકારણ અને પત્રકારત્વ મહત્વના  સ્તંભો ગણાય છે. આ બન્ને પરિમાણો જેટલા મજબૂત, પારદર્શક, નિષપક્ષ અને રાષ્ટ્રપ્રેમને વરેલા હોય તેટલું જ લોકતંત્ર વધુ મજબૂત બને. વળી પત્રકારત્વ અને રાજકારણ એકબીજાને પુરક માનવામાં આવે છે. પત્રકારત્વ હમેશા દેશના સાંપ્રત રાજકારણને વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના દિશા નિર્દેશો બતાવવાની ભૂમિકામાં હોય છે. લોકતંત્રમાં પત્રકારત્વની એક આગવી ફરજની સાથે સાથે ગરીમાનું ખુબજ ઉંચુ સ્થાન છે.

આધુનિક વિશ્ર્વમાં પોલીટીકલ પાવરની જેમ જ પ્રેસ પાવરની એક આગવી શક્તિનો ઉદય થયો છે. અમેરિકા, રશિયા જેવા શક્તિશાળી રાષ્ટ્રોને પણ ગરીમાપૂર્વકના પત્રકારત્વને સન્માન આપવાની ફરજ પડી છે. ચીનમાં મુસ્લિમોની પરિસ્થિતિનો સાચો ચિતાર આપનાર ભારતીય મુળના પત્રકારત્વને અમેરિકાએ સન્માનીત કરીને પત્રકારત્વની ગરીમાને ઉજાગર કરી છે. પત્રકારત્વ ક્યારેય વામણુ હોતું નથી, પત્રકારને સાધુની જેમ સતત કસોટીમાંથી પાર ઉતરવું પડે છે. વારંવાર લોભ-લાલચ, રાગદ્વેશ અને સાચા-ખોટાના ત્રિભેટે આપીને સાચો રસ્તો પસંદ કરવાની કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

સત્યને ઉજાગર કરવામાં ક્યાંક ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં તલવારની બેધારી કારકિર્દી જેવા પત્રકારત્વને પ્રલોભનની સાથે સાથે મોટી તકના અવસર પણ મળે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈને અનેક નાના-મોટા રાષ્ટ્ર સેવાને સમર્પિત મહાનુભાવોનો ઉદય પત્રકારત્વની કારકિર્દીમાંથી થયો છે. ઘણા પત્રકારો, નેતા અને દેશ સેવક તરીકે સફળ રહ્યાં છે અને કેટલાંક પોતાની ગરીમામાં અણીચૂક ક્ષતિ કરીને અસફળની યાદીમાં ખોવાઈ ગયા છે.

પત્રકારત્વ ક્યારેય નિવૃત થતું નથી. સતત ગરીમાની જાળવણી, રાષ્ટ્રની સાથે સાથે સમાજ હિતની ખેવના અને સત્યને ઉજાગર કરવાની આજીવન સેવાના ભેખ એ જ સાચુ પત્રકારત્વ, પુરી છુટ મળે એટલે પોતાની સઘળી તાકાત લગાવી માત્રને માત્ર સત્ય ઉજાગર કરવાની અમોધ શક્તિને સાચુ પત્રકારત્વ કહેવામાં આવે છે. વા સામે ઘોડી માંડીને લાભના પોટલા બાંધવાની દિશામાં જો પત્રકારત્વ વળી જાય તો તે પીળુ પત્રકારત્વ હંમેશા અનર્થનું જ જનક બને છે. પ્રેસ, મીડિયાની શક્તિથી રાષ્ટ્ર નિર્માણથી લઈને ક્રાંતિના પાયા નખાય છે. ક્યારેક-ક્યારેક પત્રકારત્વની નિષ્ઠામાં પીળા પત્રકારત્વનું લાગેલુ લુણ મોટા અનર્થ પણ સર્જે છે. પત્રકારે પોતાની માનદ શક્તિને કોઈપણ જાતના લોભ-લાલચ અને વળતરની અપેક્ષા વગર સાચી દિશામાં લઈ જવાની કાયમ તત્પરતા રાખવી જોઈએ.

ભારતના રાજકારણમાં કેટલાંક એવા નામ છે જે પત્રકારત્વમાંથી સફળ રાજકીય વ્યક્તિત્વ સુધી પહોંચ્યા જેમાં અંગ્રેજી અખબારના તંત્રી અને વર્તમાન સરકારના વિદેશ બાબતોના મંત્રી અકબર, ટીવી એન્કર રાજીવ શુકલ, મનિષ સીસોદીયા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેવી વિભુતિઓને પત્રકારમાંથી રાજકીય પ્રતિનિધિત્વની ગણનામાં ગણી શકાય. પત્રકારત્વ અને રાજકારણનો નિકટનો નાતો રહેલો છે. લોકતંત્રમાં પત્રકારત્વ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જે રાજકારણ વહીવટ અને શાસનની વર્તમાન પરિસ્થિતિને સૌથી વધુ નિકટથી નિરખી શકે છે.

દરેક પત્રકારત્વનો રાજકીય પ્રવેશ ખુબજ ઉમદા અને સેવા ભાવ સાથે થતો હોય છે અને પત્રકારત્વ અને રાજકારણના સુમેળથી દેશને ફાયદો પણ થાય છે પરંતુ ક્યારેક ક્યારેક પત્રકારત્વ નકારાત્મક રાજકારણમાં વટલાઈ જાય તો મોટા અનર્થ પણ સર્જી શકે છે. પત્રકારત્વ અને રાજકારણ દેશની ઉન્નતિ અને સમાજના હિતમાં સેવાની આજીવન ભેખધારી પ્રવૃતિ ગણી શકાય. રાજકીય સેવક અને સાચા પત્રકારત્વનો ક્યારેય અંત હોતો નથી. પત્રકારે પોતાની ગરિમા જાળવવી જોઈએ અને આ ગરિમામાં એટલી તાકાત છે કે તે કોઈપણ પરિસ્થિતિને સુધારી શકે છે. જરૂર છે પત્રકારત્વની ગરિમાને જીવંત રાખવાની. પત્રકારત્વનો રાજકારણમાં એક મહત્વનો અને જવાબદારીપૂર્વકનો રોલ છે અને રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.