Abtak Media Google News

સૌની યોજના લિંક ૪ અંતર્ગત આલણસાગર ડેમ ભરવા માટે સોમલપુર ખાતે પંપીંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ

સૌરાષ્ટ્રના ડેમોને પાણીથી ભરી દેવાની રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી એવી સૌની યોજનાના  ભાગરૂપે જસદણ-વિંછીયા પંથકમાં પાણીના પ્રશ્નના નિરાકરણ માટે હાલ લિંક-૪,પેકેજ – ૪ નું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આલણસાગર ડેમ ભરવા માટે સોમલપુર ખાતે પંપીંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કર્યું હતું. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે, આ યોજના થકી આવનારી અનેક પેઢીઓની પાણીની સમસ્યા દૂર થશે. રાજ્ય સરકાર દ્વારા જસદણ-વિંછીયા પંથકના વર્ષોજૂના પાણીના પ્રશ્નની સમસ્યા દૂર કરવા માટે ખુબ જ મોટા પાયે આ યોજનાનું કામ ચાલી રહ્યું છે. રૂ. ૫૦૦ કરોડના ખર્ચે આ યોજના કાર્યાન્વિત કરાઇ  છે.  ખૂબ જ ખર્ચાળ એવી આ યોજના દ્વારા  બહુ મુશ્કેલીથી પાઈપલાઈન દ્વારા પાણી અહીં સુધી પહોંચાડવામાં આવે છે, આ પાણીના ટીપે ટીપાંનો યોગ્ય ઉપયોગ કરવા મંત્રીએ સૂચન કર્યું હતું.

મંત્રીએ તાકીદ કરી હતી કે, પાણીની પાઇપ લાઇન જે વિસ્તારમાંથી પસાર થતી હોય તે પાઈપ લાઈનની સાચવણીની જવાબદારી આપણા સૌ કોઈની છે, પાઇપલાઇનને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવા તે બાબતે સૌ કોઈને તેમણે સુચિત કર્યા હતા.

આલણસાગર ડેમ ભરવા માટે પાણીનું ઉદ્દવહન કરવા માટે સોમલપુર ખાતે પંપીંગ સ્ટેશન બનાવવાની યોજનાનુ ખાતમુર્હત કરવામા આવ્યુ છે. આ પંપીંગ સ્ટેશન દ્વારા પાણીનું આશરે ૮૧ મીટરનું ઉદ્દવહન કરવામાં આવશે અને આ માટે ૪ પંપનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે. જેની ક્ષમતા ૯૪૦ ઘન મીટર/કલાકની રહેશે અને તેની મોટરની ક્ષમતા ૩૫૦ કિલોવોટની રહેશે. આ કામગીરી પૂર્ણ થતાં જસદણ તેમજ વીંછીયા પંથકના વિસ્તારની પાણીની સમસ્યા મોટાભાગે હલ થશે તેમ આ પ્રોજેક્ટના અધિક્ષક ઈજનેર બી.પી. ચોવટિયાએ જણાવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણીઓ કાળુભાઇ તલાવડીયા, મનુભાઈ ભોજાણી, સી.કે. ભડાણીયા, જયેશભાઈ સાવલિયા, નારણભાઈ, ખોડાભાઈ, મનસુખભાઈ, રામજીભાઈ સહીત તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.