Abtak Media Google News

“ધર્મ યુધ્ધ એટલે સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ અને આવુ ધર્મ યુધ્ધ કોઈક ભાગ્યશાળી ક્ષત્રિયને જ પ્રાપ્ત થાય છે

Advertisement

ફરજ અને ધર્મ

રામાયણમાં મહર્ષિ વાલ્મીકીજીએ એક લીટીમાં જ ધર્મ કે પાપ-પુણ્યની વાત કરી છે.

પરોપકારાય પુન્યં, પરપિડનમ પાપમ!

ધાર્મિક સ્વભાવના ફોજદાર જયદેવને ઘણી વખત મનમાં પ્રશ્ન ઉઠતો કે “આત્મા સાથે પરમાત્મા હોય તો દરેક ગુનેગારનો જીવાત્માએ પણ પરમાત્માનો અંશ જ કહેવાયને ? અને પોતે આ ગુનેગાર જીવાત્માઓને એક થયા બીજી રીતે પીડા તો આપે જ છે ને ? તેમ છતા ફરજ દરમ્યાન સમય સંજોગો પ્રમાણે જે પ્રસંગો ઉપસ્થિત થતા તે પ્રમાણે તે પોતાનું કાર્ય જે મુજબ કરવુ જોઇએ – તે મુજબ જ કરતો. પરંતુ રાત્રે સુતા પહેલા દિવસના આ પ્રસંગોનો ધાર્મિક રીતે પાપ-પુન્યનો, ન્યાય અન્યાયનો મનોમન હિસાબો કરતો રહેતો તેથી થોડો ઉદ્વેગ પણ રહેતો.

એક વખત જયદેવ વતનમાં રજા ઉપર ગયો તેના ગામની સીમમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં એક વયો વૃધ્ધ પણ તપસ્વી અને જ્ઞાની સંત દુ:ખીશ્યામ બાપુ હતા તેને તે એકલો મળ્યો અને આ મનોવ્યા રજૂ કરી. આી સંતશ્રીએ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક કહીને જયદેવને સમજાવ્યો કે ભગવાન શ્રીક્રિષ્ણએ અર્જૂનને આવા કોઇક પ્રશ્નનો જવાબ આપેલ છે કે

“બુધ્ધિ યુક્તો જહાતીહ ઉભે સુકૃતે દુષ્કૃતે !

તસ્માદદ્યોગાય યુજસ્વ “યોગ : કર્મષુ કૌષલમ !!

મતલબ કે વ્યવહાર અને જીવનમાં બુધ્ધિવાળો મનુષ્ય પાપ અને પુન્યને અહિં જ છોડી દે છે. એટલે કે તેનો ત્યાગ કરે છે. અને કર્મયોગમાં જોડાઇને પોતાનું કર્મ કરે છે. માટે પોતાના “કર્મ કે કાર્યમાં કુશળતા એ જ યોગ છે. તારુ પોલીસ તરીકેનું કાર્ય નિર્દોષ લોકોનું રક્ષણ અને ન્યાયીક કાર્યવાહીનો પાયો (તપાસ) બાંધવાનો છે. તેમાં તું નિપુણ બને તે જ તારા માટે ભક્તિ કે યોગ કહેવાય. વળી આ કળીકાળ છે ગુનેગારો તેમણે મેળવેલ શિક્ષણ સમૃધ્ધિ અને સત્તાનો દુરુપયોગ કરી કાયદામાંથી છટકવાની પુરી કોશિષ કરશે પરંતુ તારે ખાસ ધ્યાન એ રાખવાનું કે ગરીબ વ્યક્તિ હોય તો દયા રાખવી અને વ્યક્તિ પૈસા પાત્ર કે સમૃધ્ધ હોય  છતા તેના વિરુધ્ધ ખોટી ફરિયાદોમાં તેને પણ ન્યાય આપવો.

જયદેવ તું જન્મે ક્ષત્રિય છો વળી તારા નસીબે જે કર્મ (રક્ષણનું) આવ્યુ તે પણ ક્ષત્રિયનું છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં આ જ બાબત અર્જુનને કહી છે કે

ધર્માધ્ધી યુધાશ્રેયો અન્યત્ર ક્ષત્રિયસ્ય ન વિદ્યતે!

સુખીન: ક્ષત્રિયા પાર્થ લભન્તે યુધ્ધમિદશમ !!

ધર્મયુધ્ધ એટલે સત્ય અને અસત્ય વચ્ચેની લડાઇ અને આવુ ધર્મ યુધ્ધ કોઇક ભાગ્યશાળી ક્ષત્રિયને જ પ્રાપ્ત થાય છે. હવેથી તારી સામે જે પ્રશ્નો કે ફરિયાદો જે સામાજીક, રાજકીય, કૌટુબીંક, ગુન્હાકીય કે વહીવટી પ્રકારની આવે તો તારે તે બાબતોનું આ ન્યાયીક રીતે નિકાલ કરવા બંને પક્ષો કોણ છે કોણ વ્યક્તિ છે તે ધ્યાને લીધા સિવાય સાચુ શું છે ? સત્ય કોના પક્ષે છે તે જોઇને જ કાર્ય કરવુ અને તો તને તે કાર્યોમાં અવશ્ય પણે ઇશ્વરીયશક્તિ પણ મદદ કરશે અને તું કર્મ દોષી પણ મુક્ત રહીશ.

આમ જયદેવ પોતાની ફોજદાર તરીકેની ફરજ બજાવતો જતો હતો છતા તેના મનમાં પૂરો સંતોષ અને શાંતિ ન હતી તેને થયા કરતુ કે પોતે ખોટો પોલીસ ખાતામાં આવી ગયો છે. દરમ્યાન જયદેવને એક જ્ઞાની પોલીસ અધિકારીનો સંપર્ક થયો અને જયદેવે તેમને મનથી ગુરુમાની લીધા. આ પોલીસ અધિકારીના રુપમાં રહેલ સંત એવા ગુરુએ જયદેવને ગોરખપુર પ્રેસ (યુ.પી.) દ્વારા પ્રસિધ્ધ થતી ગીતા “સાધક સંજીવની આપેલી કે જે સંત શ્રી રામસુખદાસજીએ લખેલી છે. તે વાંચતો હતો. આ ગીતાના પાના નં.૯૧૦ ઉપર પંચતંત્ર, મિત્રભેદ, ૩૧૩નો શ્ર્લોક વાંચવામાં આવ્યો.

નગોપ્રદાનં ન મહિપ્રદાનં નચાન્નદાનં હિ તા પ્રધાનમ !

યા વદન્તીહ બુધા : પ્રધાનં સર્વ પ્રદાનેષ્ય ભય પ્રદાનમ !!

ગોદાન, ભૂમિદાન અને અન્નદાન પણ એટલુ મહત્વપૂર્ણ દાન નથી કે જેટલુ “અભયદાન છે. વિદ્વાન લોકો અભયદાનને જ બધા દાનોથી શ્રેષ્ઠદાન કહે છે. તે વાંચવામાં આવ્યો.

આથી જયદેવને થયુ કે તો તો પોતાની નોકરી જ એ પ્રકારની છે કે પોતે સાચા અને જરુરીયાત વાળાઓને અભયદાન આપી શકે છે.

કળીયુગના પ્રતાપે હાલના સંજોગોમાં વ્હાઇટકોલર ગુનેગાર કેવા કેવા સ્વરુપે, કેટલી સંખ્યામાં છે ? નિષ્ણાંત અધિકારીઓ તથા નાગરિકો જાણે છે કે ચોરી અને લૂંટમાં જેટલી સંપતિ અને સુખ જનતા નથી ગુમાવતી, તેટલી સંપતિ રાજકીય ભ્રષ્ટાચારો ભેળસેળીયા, કાળાબજારીયા, સંગ્રહખોરો અને વિવિધ પ્રકારના પીઠ બળ ધરાવતા ભૂમાફીયા અને ઠગોથી ગુમાવીને જનતા ત્રાહિમામ છે.

આ ગુનેગારો પાસે સત્તા અને સંપતિ છે તે જ તેમનું રક્ષા કવચ છે. આ કવચ વડે પેલા હિન્દી ફિલ્મના ગીત “રામચંદ્ર કહ ગયે સિયા સે ઐસા કલજુગ આયેગા….. હંસ ચુગેગા  દાના ઔર કૌઆ મોતી ખાયેગા તે ન્યાયે આવા ઠગો જલસા કરે છે અને સાચા સામાન્યજનો બે છેડા માંડ ભેગા કરતા હોય છે.

આ સત્તા અને સંપતિની ઢાલ કે કવચ વાળા સામે સામાન્ય જન કે કર્મચારીઓ શું “બાથ ભીડવાનવી  હામ કરી શકે ? છતાં ઘણા સામનો કરવા પ્રયત્ન કરતા હોય છે કોઇ થકીને કોઇ હારીને કે દુ:ખી થઇને બેસી જતા હોય છે. પરંતુ શ્રધ્ધા અને વિશ્વાસી ધીમે-ધીમે પણ વ્યુહાત્મક રીતે પ્રયત્ન કરવામાં આવે તો સફળતા મળે જ છે.

એક દિવસ ફોજદાર જયદેવને બાતમી મળતા કે બગવદરના અડવાણા ગામની સીમમાં જામનગર જીલ્લાના કલ્યાણપુર કે ભાણવડ વિસ્તારના ડફેરોએ પડાવ નાખ્યા છે. તે સમયે ડફેર એટલે ભયંકરમાં ભયંકર અને જંગલી ગુનેગારો ગણાતા અને સીમ વગડે જ્યાં માણસોની અવર-જવર ન હોય તેવા વિસ્તારોમાં રહી ગુન્હાઓ કરતા અને રહેણાંકના પડાવો સમયાંતરે બદલતા રહેતા.

ડફેરોનો મુખ્ય ધંધો તો સીમ ચોરીનો અને તે પણ દાદાગીરીથી અને શિકારનો જો શિકાર ન મળે તો માલધારીઓના ઘેટા-બકરાં પણ ઉપાડી જતા. એકલ દોકલ પોલીસ જવાનોને તો ગાંઠતા જ નહિં અને મોકો મળતા હુમલા પણ કરી લેતા.

જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડફેરના દંગા પડ્યા હોય અને તે થાણા અધિકારીને જો આ અંગેની બાતમી ન મળે કે બાતમી મળ્યા છતા બેદરકારીથી કે માાકૂટમાં કોણ પડે તેમ કરી આંખ આડા-કાન કરે અને જો આમને આમ એકાદ અઠવાડીયુ જો દંગા ઉપર કોઇ પોલીસ ન આવે તો પછી ડફેરો તેની કળા કરવા માંડે આથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને માલધારીઓ ઉપર ત્રાસ વધવા માંડે.

આ ડફેરોએ અડવાણાની સીમમાં દંગા નાખ્યાના સમાચાર મળતા જ જયદેવ તેના જવાનોને લઇને અડવાણા આવ્યો. ખરેખર ડફેરો કઇ સીમમાં પડ્યા છે તેની તપાસ કરી અને કોઇએ આ જગ્યા જોયેલી છે કે કેમ તેની ખાત્રી કરી. પરંતુ આ લફરામાં કોણ પડે તેમ માની દરેક અજાણ્યા થતા હતા. દરમ્યાન અડવાણના સામાજીક કાર્યકર ભૂરાભાઇ કારાવદરા ત્યાં આવી ગયા.

તેમને આ અંગે પૂછતા તેમણે કહ્યું ચાલો ચાલો અહિં ડફેરી કોણ ફાટી પડે છે ? અને જય દેવ બરડા ડુંગર તરફની સીમમાં ત્રાટક્યો. દંગા ઉ૫ર દેશી લાવરા કુતરાઓ, બાળકો અને થીઓએ શોર બકોર કરી વાતાવરણ ગજવી મુક્યુ. કોન્સ્ટેબલ જોષી એક ધોકો આક્રમક કૂતરાને આંટી ગયો અને તે કૂતરુ ચીચીયારી કરતુ નાસ્યુ અને રસ્તો મોકળો થયો. દંગામાં તપાસ કરતા બે દેશી મજલ લોડ હાથ બનાવટની બંદૂકો અને દારુગોળો તથા છરા મળ્યા.

તેમજ એક ૧૮ થી ૨૦ વર્ષનો ડફેર યુવાન પકડાયો. તમામને નવાઇ લાગી કે કેમ નાસી ગયો નહિં. જોયુ તો તે એક હાથી આંખનું પોપચુ ઉંચુ કરીને જોતો હતો. જો પોપચુ મૂકી દે તો આંખ બંધ થઇ જાય. આમ તો તેની આંખો સલામત હતી પરંતુ આંખના પોપચા ઉપર રસોળી થયેલ હતી તેથી પોપચા નમી જતા આંખ ખૂલતી ન હતી. પરંતુ જરુર પડ્યે એક હાથથી આંખ પોલીને જોઇ લેતો. તેણે કહ્યું કે બહાર જવાનું થાય તો કપડાની રીબીન વડે પોપચાને ભમ્મર ઉપર ખેંચીને બાંધી દેતો. પરંતુ અત્યારે પોલીસ ઓચિંતી આવતા તે બાંધવાનો મોકો રહ્યો નહિં અને નાસી શક્યો નથી.

આ પકડાયેલ ડફેરનું નામ તેણે પોતાનું નામ બાબુ હોથી હોવાનું જણાવ્યું. આથી ભૂરાભાઇ કારાવદરાએ તેને પૂછ્યુ એલા તારો બાપ હોથી રાણા તો તમારો સરદાર છે તે ક્યાં છે ? બાબુ એ ક્હ્યું તે બહાર ગયા છે.

જયદેવે કાયદેસરની કાર્યવાહી પંચનામુ કરી બંને બંદૂકો કબ્જે કરી હોથી રાણા નાસી ગયેલો હોય તેને પકડવા ઉપર બાકી રાખ્યો. બાબુને લઇ અડવાણા આવ્યા. ત્યાં અડવાણાના સરપંચ ભીમભાઇ કારાવદરા મળ્યા તેમણે પોલીસ કાફલાને ધરાર ચા-પાણી માટે રોક્યા ભુરાભાઇએ વાત કરી કે આ છોકરાના બાપ હોથી રાણાની એક જમાનામાં ભાણવડ લાલપુર કલ્યાણપુરમાં હાંક વાગતી હતી.

પરંતુ હવે કાંઇક સુધર્યા હોય તેવુ લાગે છે આ લોકોનો હવે “અસો ઓછો છે હવે તો ફક્ત સુવર ભુંડડા અને રોઝડાના શિકાર કરી તેનું માંસ વેંચી ગુજરાન ચલાવે છે. આ “અસોનો અર્થ ચોરી-ચપાટી-દાદાગીરી એવો થાય છે. આમેય આ ભુંડડા અને રોઝડા ખેતીના પાકને નુકશાન કરતા હોય છે તેથી લોકોને તેનો શિકાર કરે તો કાંઇ વાંધા કરતા ફાયદો વધારે હોય છે.

ગુજરાતમાં લગભગ તમામ પોલીસ સ્ટેશનોની પોલીસ લાઇનમાાં ગરબી મંડળી હોય છે. જેમાં નવરાત્રી દરમ્યાન પોલીસ લાઇનની બાળાઓ ભક્તિપૂર્વક રાસ ગરબા લેતી હોય છે. અને પોલીસ લાઇનની આજુબાજુના વિસ્તારના રહીશોની બાળાઓ પણ આ ગરબી મંડળમાં રમતી હોય છે. એક રીતે આ નવરાત્રી ગરબી મંડળને કારણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પોલીસ પરિવારોની ભક્તિ સાથે મનોરંજન અને સામાજીક કલ્યાણ ઉપરાંત એક જગ્યા એકઠા તા દરેક કુંટુંબોમાં એકતા અને સામાજીક સમરસતાનો ભાવ અને લાગણી પેદા થતી હોય છે.

“સર્વે સુખી ન : સન્તુ !!નો ઉદેશ સિધ્ધ થાય તે માટે જ આ પ્રથા ચાલુ થઇ હશે તેવું લાગે છે. બગવદરમાં પણ આવુ ગરબી મંડળ હતુ અને તેનું નાણા ભંડોળ વર્ષોથી સમૃધ્ધ હતુ. આ પોલીસ લાઇન ગરબી મંડળના હોદેદારોમાં પ્રમુખ તરીકે જે બગવદર ફોજદાર હોય તે હોદાની રુએ અને સરકારી ડોક્ટર દક્ષિણા તથા પોસ્ટ માસ્ટર દ્વારા જ થતો હતો.

નવરાત્રી તહેવારો દરમ્યાન તાલુકા વિસ્તારમાંથી આ ગરબી મંડળને લોકફાળો પુષ્કળ મળતા ભંડોળ ખૂબ મોટુ હતું અને પોસ્ટ ઓફિસ સેવિંગ્ઝ ખાતાનું વ્યાજ પણ ઘણું આવતુ હતું. આથી જયદેવને થયું કે મહિને જે વ્યાજ આવે છે તેની ચેરીટી કે પુન્યદાન  કરી નાખવું જોઇએ. બગવદર તાલુકાની મદ્યમાં હોઇ આખા તાલુકાના ગામડાના ગરીબ અને શ્રમજીવી લોકો બીમારીમાં તાત્કાલીક સારવાર માટે બગવદર સરકારી દવાખાને ડોક્ટર દક્ષિણા પાસે જ આવતા જેમ ઘણી જગ્યાએ ક્યારેક સરકારી દવાખાનામાં તમામ દવાઓ ઉપલબ્ધ નથી હોતી તેવી અહિં પણ સ્થિતિ રહેતી જેથી અનેક ગરીબ લોકોની આ વિકટ સ્થિતિનો ડો. દક્ષિણાને ખ્યાલ હતો.

આ ભૌગોલીક સ્થીતિઓ મધ્યમાં હોવાથી જ્યુપીટર સીમેન્ટ કે.પી. જોષી ટ્રસ્ટ દ્વારા પણ બગવદરમાં હોસ્પિટલ બનાવાયેલું હતું. પરંતુ અમુક દવાઓ અને સાધનો તો ગરીબ લોકોએ બગવદરના એક માત્ર મેડીકલ સ્ટોરમાંથી લાવવા પડતા. આ ટ્રસ્ટ હોસ્પિટલમાં ડો.વોરા જે નિવૃત સિવિલ સર્જન હતા તેમને પણ આવો જ અનુભવ હતો. ડો. વોરા બપોરે ઓપીડી પુરી કરીને હંમેશા પોલીસ જવાનો સાથે પોલીસ કંપાઉન્ડમાં જ વોલીબોલ રમવા આવતા. ડો. દક્ષિણા પણ ઘણી વખત પોલીસ સ્ટેશને જયદેવ પાસે બેસવા આવતા.

એક દિવસ જોગાનું જોગ ત્રણેય ભેગા થઇ ગયા અને ચર્ચા રહતા જયદેવ તથા કોન્સ્ટેબલ જોષીએ પ્રસ્તાવ મુક્યો કે ખરેખર જરૂરીયાત વાળાને દવાની મદદ કરવી હોય તો પોલીસ ગરબી મંડળના દર મહિને આવતા વ્યાજમાંથી આપવાની વ્યવસ્થા કરીએ. આથી એવું નક્કી થયું કે જરુરીયાત વાળા દર્દીને જે મેડીકલ પ્રિસ્કીપ્શન બેમાંથી જે કોઇ ડોક્ટર લખી આપે તેના ઉપર “પોલીસ સહાય લખેલી હોય તેવી વ્યવસ કરવામાં આવી.

મેડીકલ સ્ટોર વાળાને કહ્યું આવી ચીઠ્ઠી લઇ જે આવે તેને જે રતે દિવસા વગર નાણા એ આપી તેનો અલગ હિસાબ ચીઠ્ઠી સાથે રાખવાનું કહ્યું. આ પ્રમાણે વ્યવહાર બરાબર ચાલતો હતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પોલીસના આ કાર્યને કારણે અહોભાવ પણ થતો હતો વાસ્તવિકતાએ હતી કે આ નાણા જનતા જ ના હતા અને ગરીબ જનતાની સહાયમાં જ વપરાતા હતા. પોલીસ તો ફક્ત બહાનું કે માધ્યમ હતું.

આ હથીયારધારામાં પકડાયેલ ડફેર બાબુ હોથીની આવી હાલત જોઇને કોન્સ્ટેબલ જોષીને ખૂબ જ દયા આવી અને જયદેવને કહ્યું ” સાહેબ આ ડફેર લોકો તો “રોટલીયા ગુનેગારો છે. આ બીચારા  જીંદગીમાં ક્યારેય “બે પાંદડે નહિ થાય અને આ રસોળી મોટી થતી જશે તેમ તેમ વજન વધતા કદાચ તે આંધળો પણ થાય. જો આપણા ગરબી  મંડળના ભંડોળની સહાયથી આનું કે.પી. જોષી ટ્રસ્ટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવી દઇએ તો કદાચ આંખ બચી જાય જયદેવે કહ્યું ખરી વાત છે અડવાણા ગામના ખેડૂતો પણ કહે છે હવે આ ડફેરોનો “અસોની તો માનવીય રીતે મદદ કરવી જોઇએ તેમ તમામે મળી મદદ કરવાનું નક્કી કર્યુ.

તપાસ પૂર્ણ થતા ડફેર બાબુ હોથીને અદાલતમાં રજૂ કર્યો તે પહેલા જોષીએ તેને કહ્યું તું જામીન ઉપર છુટ્યા પછી પાછો બગવદર થાણે આવજે તને આ ટ્રસ્ટના હોસ્પિટલમાં આંખની સારવાર કરાવી આપીશું. હોથી રાણા પણ પોલીસમાં રજૂ થયો અને અદાલતમાં રજૂ કરતા જામીન ઉપર છૂટ્યો. અને ડફેરોનો સરદાર હોથી રાણા તેના પુત્ર બાબુને લઇ બગવદર થાણે આવ્યો પોલીસે બાબુને સર્જન ડો. વોરા સમક્ષ લઇ જઇ દવાખાનામાં દાખલ કર્યો. આંખ ઉપરની રસોળીનું ઓપરેશન થઇ ગયુ સારુ થતા ડફેરો પોલીસનો આભાર માનવા પોલીસ થાણે આવ્યા જયદેવે હોથીને જ કહ્યું હવે આ જૂના જમાનાના કબાડીયા ધંધા બંધ કરી મહેનતના ધંધા ચાલુ કરી માણસોની નાતમાં ભળી જાવ !

ત્યાર બાદ એક દિવસ પોસ્ટર માસ્તર દવે તથા કોન્સ્ટેબલ જોષી જયદેવને મળ્યા. દવે એ કહ્યું સાહેબ વર્ષોથી આ ગરબી મંડળનું ભંડોળ વધતુ જાય છે. અગાઉ જ્યારે એકઠુ કરેલુ તેનો હેતુ હાલ જે જગ્યાએ ગરબી થાય છે. ત્યાં માતાજીની નાની દેરી છે. ત્યાં મોટુ મંદિર બનાવવા માટે એકઠુ કર્યુ હતું. પરંતુ અંજળ પાણી નહિં હોય તે નાણા એમને એમ પડ્યા છે. ઘણા ધુરંધર અધિકારીઓ આવીને વાતો કરી ગયા પણ નોકરીમાંથી ઉંચા જ આવ્યા નહિં અને બદલાઇને જતા રહ્યાં હવે તમે કાંઇક કરો.

જયદેવે બજેટ જોયુ તો હાલના સંજોગો અને બજાર ભાવ મુજબ તો નાની દેરીમાંથી થોડુ મોટુ દેરુ થાય. પણ ખરેખર મંદિર બનાવવું હોય તો લોક સમર્થનથી જ શક્ય બને. પણ જયદેવને પાંચ-પાંચ હજાર કે દસ હજારનો ફાળો ભેગા કરી જેને તેને કહેવાની  ઇચ્છા ન હતી. તેણે બગવદર વિસ્તારમાં કોઇ મોટા ઉદ્યોગ ગૃહો હોય તો તે તરફ દ્રષ્ટિ માંડી આ વિસ્તારમાં કોઇ મોટો ઉદ્યોગ ન હતો પરંતુ ભાણવડ મોખાણાની જ્યુપીટર સીમેન્ટ કાું અને રાણાવાવ આદિત્યાણાના એસીસી પ્લાન્ટમાં લાઇમ સ્ટોન બગવદર વિસ્તારમાંથી જતો હતો.

જયદેવે કોન્સ્ટેબલ જોષી તથા ઓડેદરાને આ બંને ઉદ્યોગ ગૃહોના સંચાલકોને મળવા અને ત્યાંથી તેમને પોતાની સાથે ટેલીફોનિક વાત કરાવવા જણાવ્યું. આશ્ચર્ય જનક રીતે કે.પી. જોષી જ્યુપીટર કં૫નીએ આ કાર્યમાં જેટલી સિમેન્ટની જરુરત પડે તે આપવાનું જણાવ્યું અને એસીસી કાું વાળાએ મંદિરના બાંધકામમાં જેટલા અને જેવી સાઇઝના બેલા પથ્રોની જરુર પડે તે આપવાની દરખાસ્ત કરી. હવે ફક્ત સોમપુરા શિલ્પીઓને શોધી પ્રોથોજક્ટ બનાવવાનો હતો. જે શિલ્પી પણ કે.પી. જોષી ટ્રસ્ટે શોધી આપ્યા. પ્લાન નકશા તૈયાર થયા અને સોમપુરાનો અને મજૂરી ખર્ચ પોલીસ ગરબી મંડળમાંથી આપવાનું નક્કી થયું.

મંદિરનું કાર્ય ખૂબ જ ઝડપી ચાલુ થયુ. દરમ્યાન મુંબઇ રહેતા અડવાણાના મૂળ વતની કરશનજી કાકા એક દિવસ બગવદર પોલીસ સ્ટેશનમાં આવી ચડ્યા મેદાનમાં ઝડપી બની રહેલા મંદિરને જોઇ તેઓ નવાઇ પામી ગયા તેમણે જયદેવે કહ્યું મારે લાયક સેવા કહો. જયદેવે કહ્યું હવે ફક્ત માતાજીની મૂર્તિ તથા ગણપતિદાદા અને હનુમાનદાદાની મૂર્તિઓ લાવવાની બાકી છે. તેમણે  કહ્યું બોલો રૂપિયા. જયદેવે કહ્યું રુપિયા નહિં તમારો એક માણસ અમારા કોન્સ્ટેબલ જોડે જયપુર જઇ સોદો કરી આવે. આમ તે કાર્ય પણ થઇ ગયું.

મંદિરનું બાંધકામ પૂર્ણ થવામાં હતું. દરમ્યાન કોન્સ્ટેબલ જોષીએ કહ્યું હવે ભંડોળનું તળીયુ આવી રહ્યુ છે અને હવે મંદિરની પ્રતિષ્ઠા બાકી છે. આથી ઓડેદરાએ કહ્યું “તે કઇ મોટી વાત છે તેમ કહી તેણે ટેલીફોન લગાડ્યો અને પોરબંદર કોઇક જોડે આ અંગે વાત કરી સામા છેડેથી પૂછ્યુ કે કેટલા રૂપિયાની જરુરત છે જોષીએ કહ્યું કહેને ૩૦થી ૩૫ હજાર. ઓડેદરાએ આ આંકડો સામા છેડે આપ્યો તો સામા છેડાથી જબાવ આવ્યો પચાસ હજાર આથી ઓડેદરાએ પૂછ્યુ તો ક્યારે લેવા આવુ ? સામા છેડાથી જવાબ આવ્યો આ કાર્ય મારુ પણ ગણાય કાલે સવારે હું તમારા સાહેબન રુબરુ જ મળવા આવું છુ.

જયદેવે ઓડેદારાને પૂછ્યુ કોણ હતુ તો તેણે કહ્યું પોરબંદરી મેસર્સ એ.ટી. ઓડેદરા કન્ટ્રક્શન કંપનીના માલીક આલાભાઇ પોતે હતા. બીજે દિવસે આલાભાઇ પોતે કાર લઇને બગવદર આવ્યા અને તેમનો ફાળો જોષીને સુત્રત કર્યો ત્યાર પછી આલાભાઇએ જયદેવને પ્રશ્ન કર્યોકે ઇશ્વર આપણા તમામની અંદર છે. દરેક આત્મા પરમાત્માનો અંશ છે તો પછી આ મંદિરોની જરુરત શું છે ? જયદેવને થયું કે આ વ્યક્તિ વેદાંતિક જ્ઞાનિ કે આર્ય સમાજી લાગે છે.

જયદેવે જવાબ આપ્યો કે એ વાત ખરી છે કે પરમાત્મા નિરંજન નિરાકાર અને તમામ સ્થળે પ્રવર્તી રહ્યાં છે. પરંતુ આ તો એવુ છે કે માસ્ટર ડીગ્રી ધરાવનાર વિર્દ્યાથી એેમ કહે કે એકડા ઘુંટવા કે કક્કો બારાખડ ઘૂંટવાની શું જરુરત છે ? તેવું છે આ મંદિર તે પરમાત્મા સુધી પહોંચવાનું પ્રથમ સોપાન છે. દરેક વ્યક્તિ તમામ સંસ્કારો શિખતો શિખતો અહિં દ્રષ્ટી રાખતો રાખતો જ પરમ પ્રાપ્તિએ પહોંચી શકે. શુકદેવજી જેવા કોઇક જ જન્મતા જ બ્રહ્મ જ્ઞાન સાથે લઇને આવે છે. બાકી આ દુનિયામાં કોઇ જન્મીને સીધી એમ.બી.એ. કે એમ.એ.નું જ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી. તમામે ક્કકો અને એકડા તો ઘૂંટવા જ પડે છે તેવું મારુ માનવું છે.

આલાભાઇ એ કહ્યું વાહ હજુ સુધી આવો સીધો જ ગળે ઉતરી જાય તેવો સચોટ જવાબ કોઇ એ આપ્યો નથી. બાદ મંદિરની પ્રતિષ્ઠા પવિત્ર બ્રાહ્મણો અને વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી આ ધર્મ યજ્ઞમાં ધાર્મિક અને ભાગ્યશાળીજનોએ ભાગ લઇ પ્રસંગને ધન્ય બનાવ્યો!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.