જમાઇએ મકાનના વાસ્તુનું આમંત્રણ દેવા આવેલા સસરાની ઇંટ મારી કરી હત્યા

જમ બન્યો જમાઇ

સસરા સાથે ઝપાઝપીમાં જમાઇ પણ ઘવાયો: જમાઇએ આઠ વર્ષથી પત્નીને પિયર મોકલી નથી

મકાનના વાસ્તુ માટે આમંત્રણ આપવા આવેલા સસરાને જમાઇએ ઇંટનો ઘા મારી પતાવી દેતા સમગ્ર શહેરમાં ચકચાર જાગી હતી. કાલાવડ માં રહેતા વિજયભાઈ ભાનુશંકર ભટ્ટ નામના ૬૫ વર્ષના વયોવૃદ્ધ જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૧૨ નજીક શ્રી નાથજી નામના ત્રણ માળના બિલ્ડિંગમાં રહેતા પોતાના જમાઈ મનિષ સુરેશભાઈ જાનીના ઘરે કાલાવડ થી આવ્યા હતા. પોતાના પુત્ર સચિને નવું મકાન બનાવ્યું હોવાથી તેના મકાનના વાસ્તાનું પોતાની પુત્રી ફાલ્ગુની ને નિમંત્રણ આપવા માટે આવ્યા હતા.

જે દરમ્યાન સસરા અને જમાઇ વચ્ચે કોઈ ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા જમાઈ મનીષ જાનીએ પોતાના સસરા વિજયભાઈ ભટ્ટ ના માથામાં ઈંટથી પ્રહાર કરી દીધા હતા. આ બનાવમાં ભારે રક્તસ્રાવ થવાથી વિજયભાઈનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું. આ દરમિયાન સામ-સામે ઝપાઝપી થઈ હતી, જેમા જમાઇ મનીષ ને આંખના ભાગે સામાન્ય ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બનાવની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પરંતુ તેઓનું મૃત્યુ નિપજયું હોવાનું જાણવા મળતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરાઇ હતી. જેથી પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી પોલીસે મૃતક વિજયભાઈ ભટ્ટના ભત્રીજા સંજય રમેશભાઈ ભટ્ટની ફરિયાદના આધારે આરોપી મનીષ સુરેશભાઈ જાની સામે આઇપીસી કલમ ૩૦૨ અને જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો, અને જી.જી.હોસ્પિટલમાં તેમની પ્રાથમિક સારવાર કરાવી અટકાયત કરી લીધી છે. જેના કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી છે.

સસરા અને જમાઈ વચ્ચે છેલ્લા આઠ વર્ષથી મનદુ:ખ ચાલતું હતું, અને આરોપીએ પોતાની પત્ની ફાલ્ગુની બેનને આઠ વર્ષથી માવતરે મોકલી પણ ન હતી. દરમિયાન મકાનના વાસ્તા ના પ્રસંગે સસરા નિમંત્રણ આપવા માટે આવતાં આ બબાલ થઈ હતી, અને આખરે તેમણે પોતાની જિંદગી ગુમાવી છે.