Abtak Media Google News

કોરોનાને રોકવા બહારથી આવનારાનું સ્ક્રીનિંગ હાથ ધરતું મ્યુ. તંત્ર

શહેરને કોરોના મુક્ત રાખવા ઝુંબેશ ચાલુ રખાશે: મ્યુનિ.કમિશનર

શહેરમાં કોરોનાને વધતો અટકાવવા માટે મ્યુ.તંત્ર મેદાને પડ્યું છે અને બહારથી આવતા મુસાફરોની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત શહેરના ભીડવાળા વિસ્તારોમાં પણ સધન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

શહેરમાં કોરોના નું સંક્રમણ વધતું જતું હોવાથી તેને કાબૂમાં લેવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ખુદ મ્યુનિ.કમિશનર  મેદાનમાં ઉતરી ગયા છે અને જામનગરના એસ.ટી ડેપો સહિતના ભીડભાડવાળા વિસ્તાર શાક માર્કેટ સહિતના એરિયામાં ચેકિંગ શરૂ કરાયું છે. તેમજ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને અનેક લોકોના કોવિડ રેપીડ ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

મ્યુનિ.કમિશનર સતીશ પટેલ ઉપરાંત શહેરના ખોડિયાર કોલોની વિસ્તારના લાયઝન ઓફિસર જિલ્લા પંચાયતના ડે.ડી.ડી.ઓ. કીર્તન રાઠોડની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ વગેરેને સાથે રાખીને સૌપ્રથમ એસટી ડેપો પર કોરોના રેપિડ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

એસટી બસ ડેપોમાં મુસાફરી માટે આવનારા લોકોના એન્ટીજન કોવિડ ટેસ્ટ કરાયા હતા અને પ્રત્યેક વ્યક્તિને ફરજિયાતપણે માસ્ક પહેરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પણ સુચના અપાઇ હતી.

રણજીતનગર વિસ્તારમાં ભરાતી શાક માર્કેટ વિસ્તારમાં પણ આ જ રીતે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી આરોગ્ય ટુકડીની મદદથી શાકભાજી વેચનારા તેમજ ખરીદી કરનારા લોકોના રેપીડ ટેસ્ટ કરાવ્યા હતા. બાદમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં જ્યાં પણ ખૂબ જ ભીડ રહે છે તેવા શાક માર્કેટ સહિતના વિસ્તારમાં અનેક લોકોના ટેસ્ટ કરાયા હતા અને અંદાજે ૪૦૦થી વધુ લોકોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરને કોરોના મુક્ત રાખવા માટેની વહીવટીતંત્ર દ્વારા મુહિમ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આ ઝુંબેશ આજથી શરૂ કરાઇ છે અને અવિરત પણે ચાલુ રખાશે તેમ મ્યુનિ.કમિશનર સતીશ પટેલ તેમજ લાયઝન ઓફિસર કીર્તન રાઠોડે જણાવ્યું હતું.

કોરોનાથી વધુ ચાર દર્દીના મોત

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જાય છે. શહેરના ૧૮ અને ગ્રામ્યના ૨૧ સહિત જિલ્લાના કુલ ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ યથાવત રહ્યો છે અને સરકારી જી જી હોસ્પિટલમાં વધુ ૪ દર્દી ના મૃત્યુ થયા છે. અને જામનગર જિલ્લામાં મૃત્યુનો આંક ૯૦૦ને પાર પહોંચ્યો છે. આજ દિવસ સુધીમાં કુલ ૯૦૩ દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડયો છે. ઉપરાંત એક્ટિવ કેસમાં પણ વધારો થતો જાય છે. આજે સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ૧૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરના ૧૮ કેસ નોંધાયા હોવાથી શહેરનો કુલ આંકડો ૬,૯૦૫નો થયો છે. જ્યારે ગ્રામ્યના ૨૧ પોઝિટિવ કેસ નોધાતાં ગ્રામ્ય નો કુલ આંક ૧,૮૭૨નો થયો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ ૮,૭૭૭ લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જી.જી. હોસ્પિટલમાં શહેરના ૪૮ જ્યારે ગ્રામ્યના ૬૯ મળી ૧૧૭ પોઝિટિવ એક્ટિવ કેસ છે.  શહેરના ૨૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. જ્યારે ગ્રામ્ય ૧૯ દર્દીઓને રજા મળી છે. આજે જી.જી.હોસ્પિટલમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજતાં જામનગર જિલ્લામાં કુલ મૃત્યુનો આંકડો ૯૦૩ નો થયો છે.

પાનના બે ધંધાર્થી કોરોના પોઝિટિવ નીકળ્યા: દુકાનો સીલ કરાઈ

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોરોના અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન મોડી સાંજે બે પાનના ધંધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જેથી બન્નેને તાત્કાલિક અસરથી હોમ કવોરનટાઇન કરી દેવામાં આવ્યા છે અને બંને પાનની દુકાન અને સાત દિવસ માટે સીલ કરવામાં આવી છે. ખોડીયાર કોલોની નજીક નીલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી ચામુંડા પાન નામની દુકાનના સંચાલક વિશાલ મધોડીયા કે, જેનો આરોગ્ય વિભાગની ટૂકડી દ્વારા કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી ઝોનલ ઓફિસર કીર્તન રાઠોડ દ્વારા તાત્કાલીક અસરથી પાનના ગલ્લાને સાત દિવસ માટે સીલ કરાવી દીધો છે અને દુકાનના સંચાલકને જરૂરી દવા આપી હોમ કોરેન્ટાઇન કરાવી દેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સમર્પણ સર્કલ નજીક ૮૦ફૂટ રિંગરોડ પર આવેલી માલધારી ચા અને પાનની દુકાનના સંચાલકનો પણ રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ મળ્યો હોવાથી માલધારી હોટલને પણ બંધ કરાવી છે અને સાત દિવસ માટેની શીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હોટલ સંચાલકને હોમ કવોરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.