Abtak Media Google News

યુનિયન સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ સાતમા પગારપંચની ખાતરી આપતા હડતાલ પાંચ દિવસ પાછી ઠેલવાઈ

ગુજરાત રાજય એસ.ટી.કર્મચારી સંકલન સમિતિ દ્વારા સાતમાં પગારપંચની માંગણી સહિતના મુદ્દે રાજયભરમાં આજથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે હડતાલ પર ઉતરવાના હતા. જોકે ગઈકાલે સાંજે એસ.ટી.કર્મચારી યુનિયનના ઉચ્ચ અધિકારીઓની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી અને હાલ પુરતી એસ.ટી.કર્મીઓની હડતાલ મુલતવી રાખવામાં આવી હતી.

એસ.ટી.કર્મીઓ દ્વારા અનેક માંગણીઓ જેમાં ખાસ તો ૭માં પગારપંચ લાગુ કરવા તેમજ આક્ષિત ઉમેદવારોને નોકરી મળે સહિતના મુદાઓને લઈ છેલ્લા ઘણા સમયથી ઉગ્ર આંદોલનના મંડાણ ચાલી રહ્યા છે. જોકે આજથી શરૂ થનાર આંદોલન-હડતાલ મુલતવી રાખવામાં આવ્યા છે. ગઈકાલે એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓની મુખ્યમંત્રી સાથેની મીટીંગ દરમિયાન મુખ્યમંત્રીએ બજેટમાં એસ.ટી.કર્મીઓના સાતમાં પગારપંચ અને અન્ય માંગણીઓ એજન્ડામાં મુકવાની તૈયારી બતાવી છે.

હાલ પુરતુ એસ.ટી.કર્મીઓ દ્વારા આજથી શરૂ થનારી હડતાલને મુલતવી રાખવામાં આવી છે જોકે પાંચ દિવસ બાદ એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ જો સંતોષકારક જવાબ નહીં મળે તો ફરીથી ૧૧મી ફેબ્રુઆરીથી એસ.ટી.કર્મીઓ ઉગ્ર આંદોલન અને હડતાલ પર ઉતરશે તેવી ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહાર મંત્રાલય અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજુઆતો બાદ પણ આ માંગણીઓનો ઉકેલ અને અમલવારીની ખાતરી આપવા છતા માંગણી સંતોષવામાં નહીં આવે તો એસ.ટી.કર્મચારીઓના યુનિયન દ્વારા આજથી કામથી અળગા રહેવાની ચીમકી અપાઈ હતી. જોકે રાજકોટ એસ.ટી.યુનિયનના ડી.એન.ઝાલાના જણાવ્યા મુજબ ગઈકાલે મુખ્યમંબી તરફથી હકારાત્મક જવાબ મળતા આ હડતાલ આજે મુલતવી રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી દ્વારા સાતમાં પગારપંચની માંગ બજેટના એજન્ડામાં દર્શાવવામાં આવશે તેમ જણાવતા હડતાલ મુલતવી રખાઈ છે જોકે પાંચ દિવસ બાદ ફરી મીટીંગ થશે જો ખાતરી નહીં અપાય તો ૧૧મીથી રાજકોટ એસ.ટી,ડિવીઝન સહિત રાજયભરના એસ.ટી.બસોના પૈડા થંભી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.