Abtak Media Google News

Table of Contents

શહેરમાં માત્ર પૂર્વ મામલતદાર કચેરીમાં જ આવકના દાખલા, નોન ક્રીમીલિયર અને ડોમિસાઇલ સર્ટી માટે બે સાક્ષીને હાજર રાખવા ફરજીયાત

કોઈ મામલતદાર કચેરીઓમાં સાક્ષી નથી માંગતા તો પૂર્વ કચેરીમાં જ કેમ મંગાય છે? અમે અડધો દિવસ કતારમાં ઉભા રહીએ એનો વાંધો નહિ, બે સાક્ષીઓ પણ અમારા માટે થોડા અડધો દિવસ બગાડે : અરજદારોએ ઠાલવ્યો રોષ

શહેરમાં માત્ર પૂર્વ મામલતદાર કચેરીમાં જ આવકના દાખલા, નોન ક્રીમીલિયર અને ડોમિસાઇલ સર્ટી માટે બે સાક્ષીને હાજર રાખવા ફરજીયાત બનાવવામાં આવતા પૂર્વ મામલતદાર કચેરીમાં અરજદારોએ હોબાળો મચાવ્યો હતો.

શહેરની પૂર્વ મામલતદાર કચેરીમાં આવકના દાખલા, નોન ક્રીમીલિયર અને ડોમિસાઇલ સર્ટી માટે બે સાક્ષીને હાજર રાખવા ફરજીયાત કરવામાં આવતા આજે અરજદારો રીતસર ઉકળી ઉઠ્યા હતા. આજે પૂર્વ મામલતદાર કચેરી ખાતે અરજદારોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આવકના દાખલા માટે બે પંચોની સહી ફરજિયાત કરવામાં આવી છે. જ્યારે નોન ક્રિમિલિયર અને ડોમિસાઈલ સર્ટી માટે બે પંચોને હાજર રાખવાનો નિયમ ઘડવામાં આવ્યો છે. શહેરની બીજી કોઈ કચેરીમાં આવો નિયમ નથી. આ કચેરીમાં જ આવો નિયમ ઘડવામાં આવ્યો છે.

વધુમાં અરજદારોએ રોષ ઠાલવતા એવું પણ કહ્યું હતું કે અમે અડધો દિવસ બગાડીને અહીં દાખલા કાઢવા કતારોમાં ઉભા રહીએ છીએ એ બરાબર છે પણ બે સાક્ષી થોડી પોતાનો અડધો દિવસ બગાડીને અમારી સાથે અહીં આવે. આ નિયમને પગલે અરજદારોએ અધિકારીઓને રજુઆત પણ કરી હતી. પણ અધિકારીઓએ આ નિયમોનુસાર થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

અમારી કચેરીએ ફોર્મના નિયત નમૂનાનો અમલ કર્યો છે : પૂર્વ મામલતદાર

પૂર્વ મામલતદાર રુદ્ર ગઢવી દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું હતું કે આવકના દાખલા, નોન ક્રિમિલિયર અને ડોમિસાઈલના દાખલાના જે ફોર્મ છે. તેના નિયત નમૂનામાં જ બે પંચની જોગવાઈ છે. અમે આ નિયત નમુનાનો અમલ કર્યો છે.

જૂની કલેકટર કચેરીમાં માત્ર ફોર્મ ભરવા માટે રૂ. 400થી લઈ રૂ. 1000ના ઉઘરાણા!

માત્ર ત્રણેક જેટલા જ સ્ટેમ્પ વેન્ડરો લાયસન્સ ધરાવે છે, બાકીના ત્રીસેક લોકો ગેરકાયદે અડ્ડો જમાવીને અરજદારોને લૂંટે છે

Screenshot 5 11

જૂની કલેકટર કચેરીમાં માત્ર ફોર્મ ભરવા માટે રૂ. 400થી લઈને  રૂ.1000 સુધીના ઉઘરાણા કરવામાં આવે છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેને પરિણામે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો લૂંટાઈ છે.

હાલ અહીં માત્ર ત્રણેક જેટલા સ્ટેમ્પ વેન્ડરોને જ લાયસન્સ આપવામાં આવેલ છે. બાકીના ત્રીસેક જેટલા લોકો ગેરકાયદે સ્ટેમ્પ વેન્ડરના કામ કરી રહ્યા છે. જૂની કલેકટર કચેરીના કેમ્પસની જવાબદારી સિટી-1 પ્રાંત અધિકારીની હોય છે. જેને પગલે અગાઉ તત્કાલીન સિટી-1 પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ આ બોગસ સ્ટેમ્પ વેન્ડરો સામે ધોકો પછાડ્યો હતો. પરંતુ તેઓની બદલી થતા ફરી આ સ્ટેમ્પ વેન્ડરોએ અહીં અડ્ડો જમાવી દીધો છે.

હાલ સુધી તંત્ર દ્વારા અહીં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય, એક બોગસ સ્ટેમ્પ વેન્ડર દરરોજ પાંચ-પાંચ હજાર સુધીનું કાઉન્ટર કરીને અરજદારોનો અશિક્ષિત હોવાનો લાભ ઉઠાવે છે. દરેક કચેરીમાં અશિક્ષિત અરજદારો માટે ફોર્મ ભરી આપવાની કોઈ સુવિધા ન હોય, જેને પરિણામે અરજદારોને આવા બોગસ સ્ટેમ્પ વેન્ડરોનો નાછૂટકે સહારો લેવો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.