Abtak Media Google News

“જેલમાંથી છુટયા પછી તેનું નામ દાદા લોગમાં પ્રસપિત થતા અને તેમાં રાજકારણનો ઘેરો રંગ લાગતા તે અઠંગ ગુનેગાર બને છે, જેનો ભોગ સજ્જન લોકો બને છે”

આંતકવાદીઓની બાતમી-૧

શિયાળની કડકડતી ઠંડી અને તે પણ ઉતર ગુજરાતમાં સીમાડા ઓળંગીને થરપારકરના રણ ઉપરથી આવતી ઠંડી હવા પ્રમાણમાં વધારે ધ્રુજાવતી હોય છે. સવારના સાડા નવેક વાગ્યે ઉંઝા પીઆઈ જયદેવ પોલીસ સ્ટેશનમાં આવીને વહીવટી કામકાજ કરી રહ્યો હતો. દરમ્યાન મહેસાણા પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વાયર લેસ સંદેશો મળ્યો કે એક સફેદ યુટીલીટી જીપ જે આબુથી નીકળીને ઉંઝા મહેસાણા તરફ હાઈવે ઉપર આવી રહેલ છે. જેમાં ચાર-પાંચ આંતકવાદીઓ ઘાતક શસ્ત્રો લઈને મુસાફરી કરી રહ્યાં છે. જેથી ત્વરીત નાકાબંધી કરવી.

જયદેવને મનમાં પ્રશ્ર્નએ થયો કે આબુ પછી તો ગુજરાત રાજયની બોર્ડર ઉપર ઈકબાલગઢ પાસેની ચેકપોસ્ટો આવે જ, માનો કે ગુજરાતના પાલનપુર શહેરમાંથી આ જીપ પસાર થઈ ગઈ હોય તો પહેલા સિધ્ધપુર આવે અને તે પણ સાંઈઠ કીલોમીટરના અંતર પછી તેને બદલે સિધ્ધપુરથી ફ્કત તેર કિ.મી. દુર ઉંઝાને જ કેમ આ જોખમી જીપની નાકાબંધી સોંપી હશે ? તે જે હોય તે ચેલેન્જ મળી છે તો યુકિત પુર્વક પ્રયત્ન તો કરી લઈએ તેમ જયદેવે નકકી કર્યુ. તે સમયે મહેસાણા પાલનપુર હાઈવે હજુ ફોર ટ્રેક બન્યો ન હતો.

જયદેવને એમ હતુ કે આંતકવાદીઓ પાસે તો આધુનિક ઓટોમેટીક રાયફલો તો હોય જ છે. આથી તેણે શહેરમાં પેટ્રોલીંગમાં રહેલી ઉંઝા સેક્ધડ મોબાઈલ જે લાઈટ વાન હતુ તેને વાયરલેસથી પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેમાં વધારાના ચુનંદા જવાનોને થ્રીનોટ થ્રી રાયફલો અને કાર્ટીસ સાથે જરૂરી સુચના કરી ચડાવ્યા અને થોડા આવા જવાનો રાયફલો સાથે પોતાની જીપમાં બેસાડી હાઈવે ઉપર આવ્યો. મકતુપુર ગામની સીમમાં રોઝ ગાર્ડન હોટલથી આગળ એક જગ્યા નકકી કરી જયાં હાઈવે વળાંક તો મોટો લેતો હતો. પરંતુ રોડની સાઈડમાં ઉંડી ચોકડીઓ ગાળેલી હોય કોઈ વાહન ઉતરીને નાસી જઈ શકે તેમ ન હતુ.

7537D2F3 2

જયદેવે આ સશસ્ત્ર આંતકવાદીઓ સાથે યુટીલીટી જીપને રોડ ઉપર જ આંતરવા એવો વિચાર કર્યો કે જો રોડની બંને દિશામાં પોલીસ વાહનોથી આ યુટીલીટી ને ઘેરી લેવામાં આવે અને ભાગી શકે તેવી કોઈ શકયતા ન હોય તો આ આંતકવાદીઓ આડેધડ ફાયરીંગ ચાલુ કરી દેવાના છે. તેથી પોલીસ જવાનો સીધા જ નિશાન પર ન આવે તે માટે એવુ નકકી કર્યુ કે લાઈટવાન સેક્ધડ મોબાઈલને વળાંકથી ઉંઝા તરફ દોઢ બે કિ.મી. દુર આડુ ઠાંઠુ મારીને એ રીતે રાખવુ કે જેથી સિધ્ધપુર તરફથી રોડના વળાંક તરફ આવી રહેલી ચોકકસ નંબર વાળી યુટીલીટી જીપને થોડે દુરથી જ સિધ્ધપુર તરફથી આવતી જોઈને જયદેવ તેની વળાંકથી સિધ્ધપુર તરફ બે એક કિ.મી દુર ઉભી રાખેલી જીપમાંથી જોઈને તુરત સેક્ધડ મોબાઈલ ને વાયરલેસથી જાણ કરી દે જયદેવે અગાઉથી જ આ મોબાઈલના ડ્રાયવરને સુચના કરી હતી કે મેસેજ મળે એટલે તુરત ખાલી વાહન રોડ ઉપર આડુ રાખી નીચે ઉતરીને સશસ્ત્ર જવાનો કે જેઓને આ મોબાઈલથી થોડે દુર ઉંઝા તરફની દિશાએ ખાડાઓે અને ઝાડવાઓમાં પોઝીશન લેવડાવેલ તે જગ્યાએ નાસી જવુ અને જયદેવે પોતે પોતાની જીપમાં સશસ્ત્ર જવાનો સાથે આ આંતકવાદીઓની યુટીલીટનો વ્યુહાત્મક રીતે પીછો કરવો. આથી આંતકવાદીઓને આગળનો રસ્તો લાઈટવાનથી બ્લોક હોઈ બીજો કોઈ વિકલ્પ ન હોય પાછા વળવા સિવાય છુુટકો ન રહે. પાછળ દુરથી પોલીસની જીપ રસ્તાની બરાબર વચ્ચે ચાલી આવતી જુએ તો ગુનેગારો ને હરકતમાં આવ્યા સિવાય છુટકો ન  રહે અને ખરેખર થયુ પણ તેમ જ !

જેવી જયદેવે સિધ્ધપુર તરફથી જણાવેલ નંબરવાળી યુટીલીટીને આવતી જોઈ તેથી તેણે તુર્ત જ ઉંઝા સેકન્ડ મોબાઈલ વાનને વાયરલેસથી વરધી આપી દીધી કે લાઈટવાન રોડ ઉપર બરાબર વચ્ચે જ રાખી ઉતરીને સંતાઈ જાવ અને જયદેવે પોતે જીપના ડ્રાયવરને સુચના કરી કે આપણી જીપ ધીમે ધીમે થોડુ અંતર રાખીને યુટીલીટી પાછળ જવા દો.

યુટીલીટી જીપના ડ્રાયવરે પોલીસના વાનથી રસ્તો બ્લોક જોતા જ યુટીલીટીને બે્રક મારી પાછી વાળવા પ્રયત્ન કર્યો, પરંતુ પાછળ પણ પોલીસની જીપને આવતી જોઈને તેને ધેરાઈ ગયાનો અહેસાસ થતા જ, યુટીલીટીને કાઢવાનો કાઈ રસ્તો નહિ હોય તેના આડેધડ દરવાજા ખોલીને તેમાં બેસેલાઓ માં નાસભાગ શરૂ થઈ અમુક જણા હથીયારો સાથે નાસેલા, કુલ પાંચ ઈસમો આડેધડ રોડ ઉપરથી ઉતરીરને સીમ વગડામાં દોડવા લાગ્યા. જયદેવે તાત્કાલીકએ બાબતની નોંધ લીધી કે આ તાલીમ પામેલા આતંકવાદી નથી પરંતુુ દેશી ગુનેગારો છે. આથી પોતાના સંતાઈને પ્રોઝીશન લઈને રહેલા જવાનોને વોકીટોકીથી અને અન્ય જવાનોએ મોટેથી રાડી પાડીને એલર્ટ કરી દેતા જ પીછો ચાલુ થયો ખાસ્સી દોડાદોડી અને ખેંચાખેંચીને અંતે પાંચમાંથી ત્રણ ઈસમોને ઝડપી લીધા બે નાસી જવામાં સફળ રહ્યા.

યુટીલીટી જીપમાં જોયુ તો શસ્ત્રોનો ઢગલો હતો બે રાયફલ બારબોર બંદુકની અને થેલો ભરીને તેના કાર્ટીસો ઉપરાંત તિક્ષણ અને ધાતક હથીયારો જેવા કે ધારીયા તલવારો ગુપ્તી વિગેરે જે ખાસ માણસ જાત ઉપર જ ઉપયોગ કરવા લઈ જતા હતા.તેવુ ચોકકસ પણે જણાતુ હતુ.

જયદેવે તેની ખાસ સ્ટાઈલથી આ મોંધેરા મહેમાન આરોપીઓનું ભાવભીનું સ્વાગત અને આગતા સ્વાગતા કરી. આથી ભાવવિભોર બનેલ દેશી આંતકવાદીઓએ સઘળી હકીકત પોપટની માફક જણાવી દીધી.

આરોપીઓ કચ્છના વાગડ પંથકના ખેડુકાવાંઢ ગામના રહિશો હતા અને ચારેક વર્ષ પહેલા રાપર પોલીસ સ્ટેશનના ગેડી ગામના એક નામાંકિત વ્યકિતનું ખુન કરી ફરાર થઈ ગયા હતા અને આજ દીન સુધી પકડાયા ન હતા. જે તે સમયે સમાચાર પત્રોમાં અને રાજકારણમાં ખુબ દેકારો બોલી જતા આ ગુન્હાની તપાસ રાજય સરકારે સીઆઈડી ક્રાઈમ પોલીસને સોંપેલી. સ્થાનીક પોલીસ અને સીઆઈડી ક્રાઈમ પોલીસની ઘોંસ અને ભીંસ વધી જતા આ આરોપીઓ કચ્છ છોડીને બનાસકાંઠા જિલ્લામાં આવી ગયેલા. પરંતુ અહિં પણ પોલીસનું દબાણ વધતા રાજસ્થાન આબુ વિસ્તારમાં આશરો લીધેલો, અને બારોબાર રખડતા રહીને ધંધાનું સંચાલન પણ ચાલુ રાખ્યુ હતુ. કેમ કે પૈસા વગર તો કાંઈ ચાલે તેમ ન હતુ ! આરોપીઓને ધંધામાં બાંધકામ કોન્ટ્રાકટ ખેતી, ચાઈના કલે માટીની લીઝના હતા આમ ભુમાફીયા અને મોટાપાયે બે નંબરના કામકાજ હોય નાણાંની બોતાળ હોય  આવા જ ધંધા સુજે જો કે આવા બે નંબરી ધંધામાં ટકી રહેવા માટે પણ આવા ગુન્હાઓ કર્યા કરવા પડતા હોય છે.

એ પછી ગમે તે હોય પણ આ આરોપીઓએ ગુન્હો કર્યા પછી નાસતા ફરતા હોવા છતા તેમના બે નંબરના ધંધા વાગડ વિસ્તારમાં ચાલુ જ હતા અને પોલીસ પકડી પણ શક્તી ન હતી તે પણ હકીક્ત હતી. આરોપીઓને પણ સામા પક્ષનો ગંભીર ભય હોય તેઓ વાહન અને હથીયાર વગર રહી શકે તેમ ન હતા.

પકડાયેલા આરોપીઓને પુછપરછ કરતા તેઓએ જણાવ્યુ કે હાલમાં તેઓ આ ચાઈના કલે માટીના વ્યવહાર માટે કડી-મહેસાણા બાજુ જતા હતા. આથી જયદેવે તેમની પાસે અગ્નીશસ્ત્રોના લાયસન્સ માગતા તેઓ લાયસન્સ તો રજુ કર્યા જે કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટે ઈસ્યુ કરેલા પરવાના હતા, પણ તમામની રીન્યુ તારીખ બે વર્ષ પહેલા ચાલી ગઈ હતી અને લાંબા સમયથી આમને આમ બે નંબરમાં ચાલતુ હતુ.

આ પકડાયેલા આરોપીઓમાં એક ઈસમ કની ઉર્ફે કાન્તી મુખ્ય આરોપી હતો. તે અગાઉ પણ બીજા ગુન્હાઓમાં પોલીસમાં નામ લખાવી ચુકયો હતો. જયદેવે વિગતવારનું પંચનામું કરી હથીયારો તથા કાર્ટીસ વિગેરે કબ્જે કર્યા અને શ્રી સરકાર તરફે  ધ ઈન્ડીયન આર્મ્સ એકટ કલમ ૨૦, ૩૦, ૩૨, ૨૫ (૧) ની (ક) (ખ) તથા મુંબઈ પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ મુજબ ફરીયાદ આપી ગુન્હો દાખલ કરાવ્યો અને તે ગુન્હાની તપાસની સાથે કચ્છ જિલ્લા પોલીસવડા અને રાજય  સીઆઈડી ક્રાઈમ ને જાણ કરવા મહેસાણા કંટ્રોલને પણ જાણ કરી દીધી.

સાંજ સુધીમાં તો ગાંધીનગરથી સી.આઈ.ડી. ક્રાઈમના અધિકારી આવી ગયા અને આરોપીઓની કસ્ટડી મેળવવા માટે કોર્ટમાં કાર્યવાહી ચાલુ કરી અને આરોપીઓને લઈને રવાના પણ થઈ ગયા.

આ દીલધડક ઓપરેશન અને કચ્છના નામચિન ભાગેડુ આરોપીઓ પકડાયાના સમાચારો ઉત્તર ગુજરાતના સમાચારપત્રોમાં હેડ લાઈનમાં આવતા ફરીથી ઉંઝા પોલીસની વાહ વાહ થઈ ગઈ. આથી ઉંઝાની જનતા પણ પોતાની પોલીસની કામગીરી અને સમાચારપત્રોમાં તેની થતી પ્રસિધ્ધિને કારણે પોરસાતી હતી.

જયદેવે પોતાના પોલીસખાતાના ફરજ કાળ દરમ્યાન ખાસએ નોંધ્યુ છે કે જયાં જમીનમાંથી માટી કાઢીને લઈ જવાના -ચોરવાના કે લીઝ રોયલ્ટી ચોરીનાં ધંધાનો કાળો કારોબાર ચાલતો હોય ત્યાં માનવ રક્ત પણ ખુબ જ વહેતુ હોય છે. સૌ પ્રથમ આવી ગેંગ વોર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાંચાળ પ્રદેશમાં કાચી કોલસી અંગે લાંબો સમય ચાલેલી અને કેટલીય લાશો પડેલી.

તે પછી પોરબંદરના બરડો ડુંગર અને તેની જમીનમાં રહેલા લાઈમસ્ટોન માટે જે એંશીના દાયકામાં ગેંગવારે ચાલેલી તેના પરથી તો ફિલ્મો પણ બની ચુકી છે આ લાઈમ સ્ટોનના ધંધાને કારણે તે ધંધા સિવાય અન્ય ધંધાવાળા અને રાજકીય માથાઓની પણ હત્યાઓ થયેલી તે જગજાહેર વાત છે.

કચ્છનું પેટાળ પણ વિવિધ ખનીજોથી ભરપુર હોય આ વાગડ પ્રાંતમાં નીકળતી ચાઈના કલે માટીની સીરામીક અને ગ્રેનોલાઈટ ટાઈલ્સ માટે મોરબી, અમદાવાદ કડી બાજુ બહુ મોટી માંગ હોય અને આ ધંધામાં લીઝ રોયલ્ટી ચોરીનો મોટો બે નંબરનો વ્યવહાર ચાલતો હોય તે ઝઘડાનું મુખ્ય કારણ બને છે.

આ રોયલ્ટી ચોરીનું એવુ છે કે કોઈ પાર્ટી સરકારી જમીન લીઝ ઉપર અમુક એકર કે હેકટર રાખીલે પરંતુ ખોદકામ નામનું કરી  પછી આ લીઝ સિવાયની સરકારી જમીનમાંથી ખોદકામ કરી ખનીજ કાઢી જતા હોય છે. વળી તેમાં પણ ગફલો કરે છે જેતે દિવસના સવારના એક ટ્રકની રોયલ્ટીની પાવતી નોંધી તે પાવતી ઉપર આખો દિવસ ઈચ્છે તેટલી ટુકોનો કાળો કારોબાર કરી નાખે છે. એક પાવતી અનેક જગ્યરાએ ફરતી હોય છે  તો વળી કેટલીક જગ્યાએ તો ટ્રક પણ એક સરખા નંબરના જ દોડતા હોય છે ! આથી સરકારને તો રેવન્યુ આવકની મોટી ખોટ જતી હોય છે પરંતુ આ કારસ્તાનની ગોઠવણી બહુ વ્યવસ્થિત અને મોટે પાયે થતી હોય છે જેથી આ માફીયાઓને બે નંબરી નફાનું પ્રમાણ ખુબ મોટા પાયે રહે છે આવી સરકારી જમીન કે જેમાંથી એક પાર્ટી ખનીજ કાઢતી હોય તેમાં તેજ જમીન ઉપર અન્ય પાર્ટી પણ ખનીજ ખોદવાની કામગીરીમાં ઝંપલાવે એટલે આ ગેંગવોર શરૂ થતી હોય છે.

આ બનાવ બાદ પંદરેક વર્ષ પછી તારીખ ૮-૮-૧૫ ના રોજ સમાચાર પત્રોમાં જયદેવે વાંચેલુ કે આ કચ્છના ખેડુકા વાંઢ ગામે આવા જ ચાઈના કલેની ગેંગવોરમાં આ જયદેવના હાથે પકડાયેલ આતંકી આરોપી કની ઉર્ફે કાન્તીના પિતાનું અગાઉ તેના જ ગામના તેની જ્ઞાતિના લોકોએ ખુન કરેલુ. આ ખુન કરનારા તેના વિરોધીઓ જેલમાંથી પેરોલ રજા ઉપર છુટેલા અને આ કની ઉર્ફે કાન્તીની ગેંગના ભયને કારણે ત્રણે ઈસમો (પેરોલવાળા) જિલ્લા બહાર પાટણના કોઈ ગામે રહેવા જતા રહેલ પરંતુ અદાલતે અઠવાડીયે એક વખત ભીમાસર પોલીસ ચોકી ખાતે રૂબરૂમાં હાજરી પુરાવાની શરતે પેરોલ રજાનો હુકમ કરેલો હોય ત્રણે પાટણ જિલ્લામાંથી સાંથલપુર ચેક પોસ્ટ વટાવી આડેસર થઈ ભીમાસર હાજરી પુરાવી એક ખાસ જીપમાં પાછા પાટણ તરફ જઈ રહ્યા હતા.

બીજી તરફ આ કની ઉર્ફે કાન્તી અને તેના આઠ દસ ગેંગસ્ટરો બે ગાડીઓ બોલેરો અને સ્કોરપીઓમાં અગ્નીશસ્ત્રો અને અન્ય તીક્ષ્ણ ઘાતકી હથીયારો ધારણ કરી ભીમાસરથી હાજરી પુરાવી પાછા પાટણ સાંતલપુર તરફ જઈ રહેલા પેરોલ પર છુટેલા તેના વિરોધીઓની જીપનો પીછો કરી કંડલા પાલનપુર હાઈવે ઉપર બરાબર પોલીસ ચેક પોસ્ટ પાસે જ આંતરીને ફાયરીંગ કરતા ત્રણે પેરોલ પર છુટેલા ઈસમોએ ચેક પોસ્ટ પોલીસ ચોકીમાં આશરો લીધો છતા કની ઉર્ફે કાન્તીની ટોળકીએ ચેક પોસ્ટમાં હોમગાર્ડઝ હોવા છતા ત્રણે જણાને પ્રથમ બંદુકથી ફાયરીંગ કરી બાદ તિક્ષ્ણ હથીયારોથી કાપીને પોતાની જીપોમાં નાખી કચ્છ ખેડુકા વાંઢ ગામની સીમમાં લઈ જઈક ત્રણે જણાને ત્યાં સળગાવી દઈને લાશોનો પણ નિકાલ કરી નાખેલ ! આ હત્યાકાંડને કારણે સમગ્ર રાજયમાં હાહાકાર મચી ગયેલ પણ થોડો સમય જતા પાછુ બધુ શાંત થઈ ગયેલ અને રાબેતા મુજબ વ્યવહાર ચાલુ થઈ ગયેલો આરોપીઓ ફરાર પરંતુ તેમના ધંધા ચાલુ !

આ છેલ્લો બનાવ બન્યો ત્યારે જયદેવ ખાતામાંથી નિવૃત પણ થઈ ગયો હતો.

આમ જુના જમાનામાં જમીન માટે યુધ્ધો થતા અને હાલમાં જમીનની માટી માટે ગેંગવોર થાય છે. આ કિસ્સા ઉપરથી જયદેવ એવા નિર્ણય ઉપર આવ્યો કે ગમે તેવો ઝનુની ગુનેગાર વ્યકિત જો ધર્મના રસ્તે કોઈ સંત દ્વારા વાળવામાં આવે તો જ તે સમાજમાં એક સજજન વ્યકિત તરીકે જીવે છે. નહિ તો જો ગુનેગારો ને ફક્ત સુધારવાનો મોકો મળે અને જો સા‚ વાતાવરણ ન મળે તો તે સુઘરતો તો નથી પરંતુ જેલમાંથી છુટયા પછી તેનું નામ દાદા લોગમાં પ્રસ્થાપિત થતા જ, જે જ્ઞાતિનો હોય તે જ્ઞાતિના લોકો પણ તેને પોતાનો નેતા માની લે છે અને તેમાં ઘેરો રંગ પછી રાજકારણ નો લાગતા તે વ્યકિત અઠંગ ગુનેગારો તો બને છે પરંતુ પછી મહાભયાનક ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પણ આચરવા માંડે છે કેમ કે તે પછી તો તેની પાસે બચાવની અનેક ઢાલો આવી જાય છે પ્રથમ તો જ્ઞાતિનો પ્રસ્થાપિત નેતા બનતા તે રાજકારણનો ઢાલ તરીકે ઉપયોગ કરીને સરકારી તંત્રના અધિકારીઆ, કર્મચારીઓને દબાવવા યેન કેન પ્રકારે એટલે કે શામ, દામ, ભેદ અને છેલ્લે દંડની નિતી પણ અખત્યાર  કરીને પણ પોતાના હેતુ બર લાગતા હોય છે. બીજી ઢાલ, આ દાદા તરીકે બે નંબરી ધંધામાં અઢળક નાણાંકીય આવક આવે તેથી તેને ચારે તરફથી સુગમતા રહે છે પરંતુક તે સમાજના સજજન અને કાયદાનું પાલન કરનાર લોકોના ભોગે જ! વળી રસ્તામાં આવતી આવી વિરોધીઓની અડચણો તેઓ આ કની ઉર્ફે કાન્તીની માફક આસાનીથી દુર કરતા હોય છે.

આ બાબત સમાજમાં અનુભવેલી સત્ય કહીકત છે અને લોકશાહિમાં સમાજ માટે તે એક મોટુ લાંછન પણ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.