Abtak Media Google News

હાલના ક્રૂડના 67 ડોલરના ભાવ સામે યુરોપિયન યુનિયને રશિયાના ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડોલર નક્કી કર્યો, હવે વિશ્ર્વ આખાને ભારતની જેમ ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ મળશે

યુરોપિયન યુનિયન યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાના તેલ પર ભાવ મર્યાદા લાદવા માટે અસ્થાયી રૂપે સંમત થયુ છે.  યુરોપિયન યુનિયન સરકારો રશિયન તેલ પર પ્રતિ બેરલ 60 ડોલરની કિંમત મર્યાદા માટે સંમત થઇ છે.  એટલે કે રશિયા આ કિંમત કરતાં વધુ દરે અન્ય દેશોને પોતાનું તેલ વેચી શકશે નહીં.

યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.  હવે તેના તેલ પર કિંમતની મર્યાદા મૂકીને આ દેશો રશિયાને આર્થિક રીતે વધુ નબળું પાડવા માંગે છે.  રશિયા તેના તેલની નિકાસ કરીને મોટી કમાણી કરે છે.

સપ્ટેમ્બર 2022 સુધીમાં, રશિયા તેનું તેલ બ્રેન્ટ ક્રૂડ કરતાં સસ્તું 20 ડોલર પ્રતિ બેરલના ભાવે વેચી રહ્યું હતું.  છેલ્લા છ મહિનામાં ભારત સસ્તા રશિયન તેલના મોટા ખરીદદાર તરીકે ઉભરી રહ્યું છે.  પરંતુ 60 ડોલરની પ્રાઇસ કેપ બાદ ભારતને આવનારા દિવસોમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે.  હાલમાં ભારતને રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં તેલ મળી રહ્યું છે.  જો કે હાલમાં ભારત માટે કોઈ મુશ્કેલી વધી રહી હોય તેવું લાગતું નથી.  કારણ કે હાલમાં તે રશિયા પાસેથી માત્ર 60 થી 70 ડોલર પ્રતિ બેરલના ભાવે તેલ ખરીદી રહ્યું છે.

એક સૂત્રના જણાવ્યા અનુસાર, ભારત હજુ પણ રશિયન ક્રૂડ માટે બ્રેન્ટ કરતાં 15-20 ડોલર પ્રતિ બેરલ ઓછું ચૂકવી રહ્યું છે.  આનો અર્થ એ છે કે ડિલિવરી કરાયેલા કાર્ગોની કિંમત પણ પ્રાઇસ કેપની આસપાસ છે. તેથી, પ્રાઇસ કેપ લાદવા છતાં, ભારત પર કોઈ અસર થવાની સંભાવના નથી.

ભારત સસ્તા ભાવે ક્રૂડ ખરીદતું તેનાથી અમેરિકા નાખુશ હતું

ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે અમેરિકાને પસંદ નથી.  અમેરિકી રાષ્ટ્રપતિએ પણ તેની ટીકા કરી હતી. પરંતુ ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું બંધ કર્યું નથી.  જી7 માં સમાવિષ્ટ – બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઇટાલી અને કેનેડાએ રશિયાની આવક ઘટાડવા માટે ભાવ મર્યાદા લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

રશિયાના ડિસ્કાઉન્ટવાળા ક્રૂડથી ભારતની ઓઇલ રિફાઇનરીઓને બખ્ખા થઈ ગયા

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 10 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.  આ કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા છે.  ભારત રશિયા મોટા પ્રમાણમાં તેલની આયાત કરે છે.  રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા જ્યાં ભારત રશિયા પાસેથી માત્ર 10 ટકા તેલ ખરીદતું હતું, હવે આ આંકડો 20 ટકા પર પહોંચી ગયો છે.  રશિયાના સસ્તા તેલના કારણે ભારતીય ઓઈલ રિફાઈનરી કંપની આખી દુનિયામાં નફાકારક સાબિત થઈ રહી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો લાંબા સમયથી નરમ છે.  આવી સ્થિતિમાં ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ, એચપીસીએલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ફાયદો થઈ રહ્યો છે.  પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.  જોકે, કંપનીઓએ લાંબા સમયથી કિંમતો સ્થિર રાખી છે, જેના કારણે તેમને ભારે નુકસાન પણ થયું છે.  પરંતુ હવે તેઓ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પરના નફાનો અમુક હિસ્સો જનતાને પણ આપી શકે છે.

ભાવ મર્યાદાને કારણે રશિયાને આર્થિક નુકસાન થશે

રશિયન યુરલ ક્રૂડ ઓઇલ માટે 60  ડોલરની પ્રાઇસ કેપ લાદવામાં આવી છે, જે શુક્રવારે લગભગ 67 ડોલર પ્રતિ બેરલના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે, તેનાથી રશિયન અર્થતંત્રને નોંધપાત્ર આર્થિક નુકસાન થવાની સંભાવના છે.  જોકે, રશિયા પાસેથી તેલ ખરીદનારા ઘણા દેશોને આનાથી ઘણી રાહત મળવાની આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.