Abtak Media Google News
  • ઘઉં આયાત કરીને થતી નફાખોરી બંધ કરાવવા ભારતની કવાયત
  • ભારતે ઘઉંના આયાતકાર દેશો પાસેથી ‘તેઓ ઘઉં વપરાશ માટે જ મંગાવી રહ્યા છે નહીં કે પુન:નિકાસ માટે’ તેવી બાહેંધરી માંગી

વસુધૈવ કુટુંબકમ… ભારત સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માનીને તેની આંતરડી ઠારવાને પોતાની ફરજ માને છે. એટલે જ ભારતે અફઘાનિસ્તાન હોય કે શ્રીલંકા અનાજની સહાય માટે સહેજ પણ વિચાર કર્યો નથી. પણ ભારતના આ માનવતાવાદી વલણનો અનેક દેશો દૂરઉપયોગ કરી રહ્યા હોય ભારતે સ્પષ્ટપણે જાહેર કરી દીધું છે કે ભારત જે ઘઉં આપે છે તે માનવ વપરાશ માટે આપે છે. નહિ કે વેપાર માટે. એટલે જ ભારતે હવે આયાતકાર દેશો પાસેથી ’તેઓ ઘઉં વપરાશ માટે જ મંગાવી રહ્યા છે નહીં કે પુન:નિકાસ માટે’ તેવી બાહેંધરી માંગી છે.

ભારત વિશ્વમાં ઘઉંનો મોટો ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યો છે. તેમાં પણ રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ ભારતના ઘઉંની બોલબાલા થઈ રહી છે. તેવામાં ભારત પણ વિશ્વના દેશોમાં જરૂરિયાત પ્રમાણે ઘઉં આપવા માટે સતત પ્રયત્નશીલ છે. પણ ઘણા સંજોગોવશાત આમાં બ્રેક પણ મારવી પડી છે. વિશ્વની ઘઉંની માંગ અંદાજે 80 લાખ ટન જેટલી છે. જેમાં ભારત ધારે તો એકલા હાથે 23 લાખ ટન જેટલી જરૂરિયાત પૂર્ણ કરી શકે છે.

બીજી બાજુ એવું પણ ધ્યાને આવ્યું છે કે અનેક દેશો ભારત પાસેથી ઘઉં મંગાવે છે. બાદમાં તે પોતાના દેશને નહી પણ નફાને પ્રાધાન્ય આપીને આ ઘઉંનો જથ્થો પુન:નિકાસ કરી દયે છે. માટે ભારતે હવે કડક વલણ અપનાવ્યું છે. ભારતે જાહેર કર્યું છે કે ભારત વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે. વિશ્વના અન્ય દેશોની આંતરડી ઠારવામાં જેટલું શક્ય બને તેટલું યોગદાન આપવા ભારત સજ્જ છે. માટે જ ભારત ઘઉંની નિકાસ કરી રહ્યું છે. પણ હવે જે દેશો ઘઉંની આયાત કરીને તેની પુન: નિકાસ કરશે તેમને ઘઉંનો જથ્થો આપવા દેવામાં આવશે નહિ.

આ માટે ભારતે જે દેશો ઘઉંની આયાત કરે છે તેઓ પાસેથી બાહેંધરી પણ માંગી છે કે તેઓ ભારત પાસેથી મળેલો ઘઉંનો જથ્થો બીજા દેશોને વેચશે નહિ.આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય ખાદ્ય અને વાણિજ્ય પ્રધાન, પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારતે એક પૂર્વશરત મૂકી છે કે સરકાર તરફથી સરકારી સ્તરે નિકાસ કરવામાં આવતા ઘઉંનો ઉપયોગ ફક્ત સ્થાનિક વપરાશ માટે જ થવો જોઈએ અને ત્રીજા દેશોને નિકાસ કરવા માટે નહી.

યુએઇના પ્રતિબંધ બાદ ભારતે તેનું નાક દબાવ્યું

સંયુક્ત આરબ અમિરાતે ભારતમાંથી મંગાવવામાં આવેલા ઘઉં કે ઘઉંના લોટ અંગે મોટો નિર્ણય કર્યો છે. યૂએઇ સરકારે 4 મહિના માટે આ ઘઉંની નિકાસ અને પુન:નિકાસ નહીં કરવાનો આદેશ બહાર પાડયો છે. આવું કરીને યુએઇ ભારતનું નાક દબાવવા ગયું છે. એવુ મનવામાં આવી રહ્યું છે. કે યૂએઇ ઘઉંની ઘટ ભારત પાસેથી જ આયાત કરતા દેશો પાસેથી પુરી કરવાની યોજના બનાવી રહ્યું છે.પણ સરકારે બીજા દેશોને પુન: નિકાસ ન કરવાની શરતે જ ઘઉ આપવાનું નક્કી કરીને યુએઇનું નાક દબાવી દીધું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.