Abtak Media Google News

દેણું કરીને ઘી પીવાય

રિટેઇલ ફુગાવો 18 મહિનાના તળિયે : એપ્રિલમાં ફુગાવો દર ઘટીને 4.70 ટકાએ પહોંચી ગયો

ભારતીય અર્થતંત્ર ટનાટન સ્થિતિમાં આવી રહ્યું છે. દેણું કરીને ઘી પીવાની સરકારની નીતિ સફળતા તરફ આગળ વધી રહી છે. સરકારની ફુગાવાની ગણતરી સવડી પડી છે. રિટેઇલ ફુગાવો 18 મહિનાના તળિયે પહોંચી ગયો છે. જેથી હવે રાજકોષીય ખાધ પણ અંકુશમાં રહી છે.

નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ મહિનામાં એટલે કે એપ્રિલ 2023માં ફુગાવાના દરમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.  સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલમાં ફુગાવો દર ઘટીને 4.70 ટકા પર આવી ગયો છે.  છેલ્લા 18 મહિનામાં આ સૌથી નીચું સ્તર છે. સતત ત્રીજા મહિને મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળ્યો છે.  અગાઉ માર્ચ 2023માં ફુગાવાનો દર 5.66 ટકા હતો.  સતત બીજા મહિને, છૂટક ફુગાવાના આંકડા રિઝર્વ બેંકની 2% અને 6% વચ્ચેની રેન્જમાં છે  છૂટક ફુગાવાનો દર ઓક્ટોબર 2021માં આ સ્તરે છેલ્લો હતો.  તે સમયે સીપીઆઈ આધારિત છૂટક ફુગાવો 4.48 ટકા હતો.

ખાદ્ય ચીજવસ્તુઓના છૂટક ફુગાવામાં પણ રાહત

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી દર એપ્રિલમાં 3.84 ટકા હતો, જે માર્ચમાં 4.79 ટકા હતો.  ગયા વર્ષે એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 8.31 ટકા નોંધાયો હતો.  રિટેલ ફુગાવો ડિસેમ્બર 2022માં 5.7 ટકાથી વધીને ફેબ્રુઆરીમાં 6.4 ટકા થયો હતો.  તે દરમિયાન દેશમાં અનાજ, દૂધ અને ફળોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

 માર્ચમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.1 ટકાનો વધારો થયો

માર્ચ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા પણ આવી ગયા છે.  માર્ચ 2023માં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.1 ટકાનો વધારો થયો છે.  ગયા વર્ષે સમાન મહિનામાં તે 2.2 ટકા હતો.  નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, માર્ચ 2023માં દેશના ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં 1.1 ટકાનો વધારો થયો છે.  આ સમયગાળા દરમિયાન ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પાદનમાં માત્ર 0.5 ટકાનો વધારો થયો છે.

માર્ચમાં, નાણાકીય વર્ષ 2022-23ના છેલ્લા મહિનામાં, દેશના ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં 6.8 ટકાનો વધારો થયો હતો જ્યારે વીજળીના ઉત્પાદનમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.  સમગ્ર નાણાકીય વર્ષ 2022-23ની વાત કરીએ તો ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકમાં 5.1 ટકાનો વધારો નોંધાયો હતો.  નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન તેમાં 11.4 ટકાનો વધારો નોંધાયો હતો.

 દેશના વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો થયો છે

ભારતીય અર્થતંત્ર હાલ સારી સ્થિતિમાં છે. કારણકે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 5 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી મુદ્રા ભંડાર 7.196 બિલિયન ડોલર વધીને 595.976 બિલિયન ડોલર થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.