Abtak Media Google News

પુત્રને ઓનલાઇન અભ્યાસ માટે મોબાઇલ લઇ આપવાની તકરારે શ્રમીક પરિવારનો માળો વિખીં નાખ્યો

ન્યૂ રાજદીપ સોસાયટીમાં રાત્રે બનેલી ઘટના : ઘરમાં એક જ મોબાઇલ હોય પતિ-પત્નિ વચ્ચે તકરાર થતી હતી

કોરોના કાળને કારણે પ્રાથમિકમાં અભ્યાસ કરતા બાળકોનું હજુ ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે. મહામારીના કારણે શ્રમિક પરિવારોના ધંધો-રોજગારોમાં સૌથી મોટી અસર પહોંચી છે. જ્યારે આજે આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં પુત્રને ઓનલાઇન અભ્યાસ માટે મોબાઇલ ફોન નહીં આપતા પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાબતે પત્નિએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા માઠું લાગી આવતા પતિએ માતા-પિતા અને પત્નિની નજર સામે જ ઝેરી દવા ગટગટાવી લઇ મોત વ્હાલું કરી લેતા અરેરાટી ફેલાઇ જવા પામી છે.

આ ઘટનાની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ 40 ફૂટ રોડ પર ન્યૂ રાજદિપ સોસાયટીમાં રહેતા દિગતસિંહ પ્રવિણસિંહ રાઠોડ (ઉ.વ.35)એ ગઇકાલે પોતાની પત્નિ પાયલ અને માતા-પિતાની નજર સામે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું મોડી રાત્રીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.આ ઘટનાની ખાનગી હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ જમાદાર આર.જી. ચૌહાણ હોસ્પિટલ પર દોડી જઇ પરિવારની પૂછપરછ કરતા ચોંકાવનારી હકિકત બહાર આવી હતી.  પોલીસની પૂછપરછમાં દિગતસિંહ ગેરેજ અને ટ્રાન્સપોર્ટનું કામ કરતા હતા.

કોરોના મહામારીના કારણે પ્રાથમિક શિક્ષણ ઓનલાઇન ચાલતું હોય પોતાનો આઠ વર્ષનો પુત્ર ઘરે રહી ઓનલાઇન અભ્યાસ કરતો હોય પરંતુ નબળી પરિસ્થિતિ હોવાને કારણે શ્રમિક પરિવારના ઘરમાં એક જ મોબાઇલ  હોય જે મોબાઇલ દિગતસિંહ ધંધાના કામમાં ઉપયોગ કરતા હોય આ બાબતે પત્નિ પાયલ સાથે ઝઘડો થયો હતો.પુત્રને ઓનલાઇન અભ્યાસ માટે મોબાઇલ આપવા બાબતે થયેલી રગઝગ બાદ પત્નિ પાયલે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ અરજી કરી હતી. જે અરજીના કામે દિગતસિંહ ગઇકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.

પત્નિએ સામાન્ય બાબતે કરેલી અરજીના કારણે માઠું લાગી આવતા દિગતસિંહ મહિલા પોલીસ સ્ટેશનથી ઘરે જઇ પત્નિ અને માતા-પિતાની નજર સામે ઝેરી દવા ગટગટાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.