Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વેવસ્થા ની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. ચોટીલા તાલુકાનાં ઢોકળવા ગામે નાની મોલડી પોલીસે પાડેલા જૂગાર અંગેના દરોડામાં નાસવા જતા કુવામાં પડી જતા એક યુવાનનું મોત થયાની ઘટનાએ ચકચાર અને પોલીસ બેડામાં દોડધામ મચાવી દીધી હતી. ઘટનાને પગલે ગ્રામજનોનાં ટોળા પોલીસ સ્ટેશન ધસી આવ્યા હતા. આ બનાવમાં મરનારની લાશને ફોરેન્સીક પી.એમ. માટે રાજકોટ મોકલવામાં આવી છે.

આ અંગે જાણવા મળતી વધુ વિગત એવી છે કે, નાની મોલડી પોલીસે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે જૂગાર અંગે દરોડો પાડયો હતો. ગામની સીમમાં ચંદુભાઈ ભુરાભાઈ મકવાણાની વાડીના શેઢે લીંબડાના ઝાડ નીચે લેમ્પના અજવાળે જૂગાર રમતા ચંદુભાઈ ભુરાભાઈ મકવાણા (રહે. ઢોકળવા), દિપકભાઈ રવજીભાઈ પરમાર (રહે. ગઢડીયા તા. જસદણ), વસ્તાભાઈ કમાભાઈ જાદવ (રહે. ઢોકળવા) દિનેશભાઈ ઉર્ફે ટકો બચુભાઈ ચાવડા (રહે. ગઢડીયા તા.જસદણ) નિતેષભાઈ ઠાકરશી ચૌહાણ (રહે. છાસીયા તા. વીંછીયા) જીવરાજભાઈ ચોથાભાઈ ઝાપડીયા (રહે. ઢોકળવા) અને મુકેશભાઈ ઉર્ફે મુન્નો પાંચાભાઈ ચૌહાણ (રહે. છાસીયા તા. વિંછીયા) નામના શખ્સોઝડપાઈ ગયા હતા. રોકડા રૂા. 60880, મોબાઈલ -6 વિગેરે મળી કુલ રૂા 71380 નો મુદામાલ જપ્ત કર્યો હતો. નાની મોલડી પોલીસના દરોડા દરમ્યાન નાસભાગ મચી હતી જેમાં ભાવેશભાઈ લક્ષ્મણભાઈ હદાણી નામના યુવાનનું કુવામાં પડી જતા મોત નીપજયું હતુ.

આ અંગે પરિવારજનોએ સાચી તપાસ કરવા માંગ કરી હોવાનું જાણવા મળેલ છે. મરનાર યુવક ભાવેશભાઈની લાશ જયાં દરોડો પાડવામાં આવ્યો હતો તેની તદન નજીક 50 મીટરના અંતરે આવેલા કુવામાંથી મળી આવ્યા બાદ ગ્રામજનોના ટોળેટોળા પોલીસ સ્ટેશને ધસી ગયા હતા. બનાવની જાણ થતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. મૃતકના પરિવારજનોએ સાચી તપાસ કરવા માંગ કરી હતી. ચોટીલાના ધારાસભ્ય રૂત્વીકભાઈ મકવાણા પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા મૃતકની લાશને ફોરેન્સીક પી.એમ. માટે રાજકોટ મોકલવામાં આવેલ હોવાનુ જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.