Abtak Media Google News

આરસી આંગડીયા પેઢીના કર્મચારીને છરી બતાવી રોકડ અને મોબાઇલ મળી રૂા.૮.૫૦ લાખની લૂંટ ચલાવ્યાની કબુલાત: જામકંડોરણાના બોરીયા ગામના બાવાજી શખ્સે ટ્રીપ આપ્યાનું ખુલ્યું

જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલી આરસી આંગડીયા પેઢીની ઓફિસમાં દિન દહાડે છરી સાથે ઘુસેલા બે શખ્સોએ રૂા.૮.૫૦ લાખની દિલ ધડક લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા નામચીન પેંડાના સાગરિત સહિત ત્રણ શખ્સોને ઝડપી લઇ રોકડ સાડા છ લાખ અને બોલેરો મળી રૂા. ૧૦.૫૫ લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે  રૂરલ એલસીબીને સફળતા મળી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલી આરસી આંગડીયા પેઢીના કર્મચારી રવિ ગોરધન ગુજરાતી નામના ખાટ યુવાન ગત તા.૭ મેના રોજ બપોરે પોતાની ઓફિસે બેઠા હતા ત્યારે છરી સાથે બે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા અને રોકડ તેમજ મોબાઇલની લૂંટ ચલાવી બંને શખ્સો બાઇક પર ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જામકંડોરણાના લોહાણા મહાજનવાડી પાસે રહેતા રવિ ગોરધન ગુજરાતીની ફરિયાદ પરથી અજાણ્યા લૂંટારા સામે ગુનો નોંધી તપાસ હાથધરી હતી તે દરમિયાન એલ.સી.બી. પી.આઇ. એમ.એન.રાણા, પ્રભાતભાઇ, બાલકૃષ્ણ ત્રિવેદી અને મહેશભાઇ જાની સહિતના સ્ટાફે બાતમીના આધારે લૂંટના ગુનામાં સંડોવાયેલા રાજકોટના કોઠારિયા હુડકો કવાર્ટરના યુવરાજસિંહ લાલુભા ઝાલા, મુળ યુપીના અને યુવરાજસિંહ ઝાલાના પાડોશી મોહિત જગદીશ રાજપૂત અને જામકંડોરણા તાલુકાના બોરીયા ગામના મયુર દિપક નામના બાવાજી શખ્સને ઝડપી લીધા છે.

ત્રણેય શખ્સોની પૂછપરછ દરમિયાન યુવરાજસિંહ ઝાલા નામચીન શક્તિ ઉર્ફે પેંડાનો સાગરીત હોવાનું અને મારામારી સહિત અનેક ગુનામાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે. યુવરાજસિંહ ઝાલાએ તેના પાડોશી મોહિત રાજપૂતની મદદથી લૂંટ ચલાવવાનો પ્લાન બનાવ્યો હતો અને મયુર સગપરીયાએ જામકંડોરણાની આરસી આંગડીયા પેઢીમાં બપોરે એક જ કર્મચારી હોવાથી લૂંટ ચલાવવાની ટ્રીપ આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. લૂંટના ગુનામાં અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની વિશેષ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.