Abtak Media Google News

રેકોર્ડ બ્રેક બહુમતિ બાદ શિસ્તબઘ્ધ પાર્ટીમાં આંતરિક ડખ્ખો જામ્યો

આવતા મહિને રાજયની છ મહાપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની મુદત પૂર્ણ : નવી વરણીમાં હવે છબી સુધારવાના પ્રયાસો હાથ ધરાશે

લોકસભાની ચૂંટણી પૂર્વ અનેક જિલ્લા અને મહાનગરોમાં પણ સંગઠન માળખામાં ફેરફારની વકી: ઘણા સમયથી સાઇડલાઇન થઇ ગયેલાઓ હવે ઉપાડો લેશે

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં વિક્રમજનક બહુમતિ હાંસલ કર્યા બાદ સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક ડખ્ખો ચરમસીમાએ પહોંચી ગયો છે. એકાબીજાને પાડી દેવા માટે હવે પક્ષમાં જ અંદરો અંદરની જામી છે. છેલ્લા ઘણા સમયથી હાંસીયામાં ધકેલાય ગયેલા નેતાઓ હવે દરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપમાં હજી મોટા કડાકા ભડાકા થવાની દહેશત ભારોભાર દેખાય રહ્યો છે. પ્રદેશ કક્ષાએ જામેલી લડાઇ શાંત પડવાનું નામ લેતી ન હોય હવે દિલ્હી હાઇકમાન્ડે મામલો સંભાળી લીધો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. લોકસભાની  ચુંટણી સમયે જ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના હોમ સ્ટેટમાં પક્ષમાં લાગેલી વિકરાળ આગ જો સમય રહેતા ઠારી દેવામાં નહી આવે તો અનય રાજયોમાં પણ નેગેટીવ મેસેજ થશે.

Advertisement

ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ સામે બોલવાની પણ જે લોકો હિંમત કરતાં ન હતા તેવા લોકોની હિંમત ગુજરાત વિધાનસભાના પરિણામ બાદ વધારે મજબૂત બની છે. હવે તે લોકોએ કશું  ગુમાવવાનું ન હોય પાટીલની લીટી ટૂંકી કરવા મેદાને પડયા છે. ખૂદ ભાજપના જ એક સીનીયર નેતા અને પૂર્વ મંત્રીના પીએ સહિતના સાગરિતો છે. સી.આર. પાટીલ વિરુઘ્ધ પત્રિકાનું વિતરણ કર્યુ હતું. આ પત્રિકાનું કનેકશન રાજકોટ સુધી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. દરમિયાન ગત શનિવારે પ્રદેશ ભાજપ મહામંત્રી પદેથી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું હતું. તેઓની સામે પણ કૌભાડ અને પત્રિકા વિતરણમાં સામેલ હોવાના આક્ષેપો થયા હતા કમલમના હેડ કવાર્ટર ઇન્ચાર્જને હવે કમલમમાં પ્રવેશ બંધી લાદી દેવામાં આવી છે.

વડોદરા શહેર ભાજપ મહામંત્રીનું પણ રાજીનામુ લઇ લેવામાં આવ્યું છે. હાલ ભાજપની સ્થિતિ સળગતા ઘર જેવી બની જવા પામી છે. આગને શાંત કરવાના જેટલા પ્રવાસો કરવામાં આવે છે તેટલી આગ વધુ કિવરા બની રહી છે. સંગઠનના તાકાતવાર સર્વેસર્વા સી.આર. પાટીલ પણ લાચાર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ખુદ તેઓની વિરુઘ્ધ પત્રિકાઓનું વિતરણ થઇ રહ્યું છે. તે વાત સ્પષ્ટ પણે સાબિત કરે છે કે હવે અસંતુષ્ટો ખુલ્લીને બહાર આવવા માંડયા છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મોટા મોટા પદ આપી દેવાયા છે. જેનાથી વર્ષોથી કમળને મજબૂત બનાવવા કાળી મજુરી કરતા પાયાના સનિષ્ઠ કાર્યકરોમાં ભયંકર નારાજગી જોવા મળી રહી છે.

અમદા વાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાના મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની મુદત આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે. જેમાં ભાજપ છબી સુધારવાનો ભરપુર પ્રયાસ કરશે. લોકસભાની ચુંટણી પૂર્વ હજી મહાનગરો અને જિલ્લામાં સંગઠન માળખામાં ફેરફાર કરવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ હજી પક્ષમાં અનેક મોટા માથાને પાણીચું પકડાવી દેવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જે નેતાઓની ટિકીટ કોઇના કોઇ કારણોસર કાંપી નાખવામાં આવી હતી તેઓને જીવનમાં કયારેય વિધાનસભા કે લોકસભાની ટિકીટ મળે તેવું નથી. આવામાં આ નેતાઓ પોતાના વ્યકિતગત રાજકારણને ટકાવી રાખવા સતત ધોંચ પરોણા કરી રહ્યા છે. માત્ર કાર્યકર બની કાળી મજુરી કરવી તે તેમનો સ્વભાવ નથી. આવામાં તેઓ સતત નવા નવા વિવાદ ઉભા કરતા રહે છે. ભાજપ માટે ગુજરાત એક રાજકીય પ્રયોગ શાળા માનવામાં આવે છે. આખા દેશમાં ગુજરાત મોડેલની કહાઇ આપવામાં આવે છે પરંતુ હાલ ગુજરાતમાં જ પક્ષની સ્થિતિ શરમજનક બની જવા પામી છે.

સંગઠનના મોટા માથા સતત વિવાદમાં સપડાય રહ્યા છે આ વર્ષ અનેક રાજયોની વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. આવતા વર્ષ લોકસભાની ચુંટણી છે આવામાં કેન્દ્રમાં જો સતત ત્રીજીવાર સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવવી હશે તો હાલ ગુજરાતમાં સંગઠનમાં ચાલતા વિવાદો ખુબ જ જલ્દીથી શાંત કરવાની જરુર પડશે. ભાજપ હાઇકમાન્ડ સ્થિતિ થાળે પાડવામાં બહુ પારવધુ છે.

વર્ષ 2021માં સપ્ટેમ્બર માસમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ પણ માત્ર સવા વર્ષમાં રેકોર્ડ બ્રેક બેઠકો સાથે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સતત સાતમી વખત  વિજેતા બન્યું હાલ સંગઠનમાં ચાલતી આંતરિક લડાઇ હવે ચરમસીમાએ પહોંચી જવા પામી છે. હવે દિલ્હી હાઇકમાન્ડે સમગ્ર મામલો હાથ પર લઇ લીધો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આગામી દિવસોમાં ભાજપમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.