- ભારતીય ટીમની જાહેરાત થશે! વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ અંગે મહત્વનું અપડેટ…..
Cricket News : ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની આજે જાહેરાત થઈ શકે છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ અને એક સારા સમાચાર આવી રહ્યા છે. ખરાબ સમાચાર એ છે કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આગામી બે ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર થઈ શકે છે. પરંતુ આ દરમિયાન ભારતીય ટીમ માટે એક સારા સમાચાર પણ મળી રહ્યા છે, ઇજાગ્રસ્ત સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ટીમમાં સામેલ થઇ શકે છે.
ભારતીય ટીમ હાલમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. પ્રથમ બે મેચ બાદ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. છેલ્લી 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ બાકી છે. જાડેજા અને રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી શક્યા ન હતા. પરંતુ હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને સ્ટાર ખેલાડી ત્રીજી મેચમાં ટીમમાં પરત ફરી શકે છે.
રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સારવાર લઇ રહ્યા છે. બંને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી શકે છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો.
સિરાજને પ્રથમ ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તે મેચમાં સિરાજને એક પણ વિકેટ મળી ન હતી. આ મેચ ઈંગ્લેન્ડે જીતી હતી. જો કે બીજી ટેસ્ટમાં સિરાજની જગ્યાએ મુકેશ કુમારને તક મળી હતી, પરંતુ તે પણ આ મેચમાં કોઈ વિકેટ લઈ શક્યો નહોતો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રમાશે. આ મેચ રાજકોટમાં યોજાશે. આ પછી ચોથી મેચ રાંચીમાં રમાવાની છે, આ મેચ 23 ફેબ્રુઆરીથી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચથી રમાશે, આ મેચ ધર્મશાલામાં રમાવાની છે. અહેવાલો અનુસાર, કોહલી આ છેલ્લી મેચમાં વાપસી કરી શકે છે.