Abtak Media Google News

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થિરુવનંતપુરમમાં રમાયેલી સીરિઝની બીજી ટી-20 મેચમાં ભારતીય ટીમનો 44 રને વિજય થયો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે બેટર્સ બાદ બોલર્સ પણ ઝળક્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર નાથન એલિસે 3 અને માર્કસ સ્ટોઈનિસે 1 વિકેટ ઝડપી હતી.

બેટ્સમેનો બાદ બોલરોએ ઓસ્ટ્રેલિયાને હંફાવ્યા : રવી બિસનોઈ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 3-3 વિકેટ ઝડપી

ભારત માટે રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ણાએ પણ 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી. ઝડપી બોલર મુકેશ કુમારે પણ 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. તો અર્શદીપ સિંહે 4 ઓવરમાં 46 રન આપીને 1 વિકેટ લીધી હતી.

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા 20 સપ્ટેમ્બર 2022ના રોજ મોહાલીમાં રમાયેલી મેચમાં 6 વિકેટે 211 રન બનાવ્યા હતા. એકંદરે ટી20 ઈન્ટરનેશનલમાં આ પાંચમો સૌથી મોટો સ્કોર છે.

ઓપનરોની સાથે સતત બીજા મેચમાં ઇશાનની અડધી સદી

વર્તમાન મેચમાં ભારતીય ટીમ દ્વારા ત્રણ શાનદાર અર્ધસદી ફટકારવામાં આવી હતી. પ્રથમ યશસ્વી જયસ્વાલે 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. યશસ્વી 25 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઈશાન કિશન અને પછી ઋતુરાજ ગાયકવાડે ફિફ્ટી ફટકારી હતી.ઇશાન કિશને 32 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી અને બીજી વિકેટ માટે ઋતુરાજ ગાયકવાડ સાથે 58 બોલમાં 87 રનની ભાગીદારી કરી હતી. જ્યારે ઋતુરાજે 43 બોલમાં સૌથી વધુ 58 રનની ઇનિંગ રમી હતી. અંતે રિંકુ સિંહે 9 બોલમાં 31 રન બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.