Abtak Media Google News

ગુજરાત સરકારનાં નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અંતર્ગત ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટયુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (GSIRF) દ્વારા વર્ષ 2021 માટે જાહેર થયેલી રાજ્ય સ્તરની શ્રેષ્ઠ કોલેજીસની યાદીમાં રાજકોટની એમ.એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજને સતત બીજાં વર્ષે  ‘ફાઇવ સ્ટાર’ દરજ્જો આપવામાં આવ્યો છે.  સૌરાષ્ટ્રમાં વિરાણી સાયન્સ કોલેજ પ્રથમ ક્રમે રહી છે. સ્ટેટ રેન્કિંગમાં આ કોલેજ ચોથા ક્રમે છે.

વિરાણી સાયન્સ કોલેજના આચાર્ય ડો.કાર્તિક લાડવાના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટયુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (GSIRF)ની રચના કરીને રાજ્ય સ્તરે ઉચ્ચશિક્ષણની સંસ્થાઓને રેન્ક એનાયત કરવાનો અભિગમ રાખ્યો છે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (GSIRF) દ્વારા જે માનદંડોને આધારે ક્રમાંક નક્કી કરવામાં આવે છે. તેમાં અધ્યાપનકાર્ય અને શૈક્ષણિક સુવિધાઓ, સંશોધન પ્રવૃત્તિઓ અને વ્યવસાયિક કૌશલ્ય, વિદ્યાર્થીઓની રોજગાર અને ઉચ્ચત્તમ શિક્ષણ માટેની ક્ષમતા, વિદ્યાર્થીઓની સંખ્યા અને સામાજિક પ્રદાન, મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થીનીઓની સંખ્યા તેમજ સંસ્થાના સાર્વત્રિક અભિગમનો સમાવેશ થાય છે.  અત્રે એ ઉલ્લેખનીય છે કે, એમ.એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજને આ અગાઉ કેન્દ્ર સરકારનાં NIRF  દ્વારા રાષ્ટ્રીય સ્તરે સાડત્રીસમા ક્રમ સાથે ગુજરાતની શ્રેષ્ઠ કોલેજનો દરજ્જો એનાયત થયો હતો.

આત્મીય યુનિવર્સિટી અને આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના સંવાહક પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ વિરાણી સાયન્સ કોલેજને સતત બીજે વર્ષે મળેલી આ સિધ્ધિ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે અનિલભાઈ વિરાણી અને વિરાણી પરિવારના દાનથી નિર્મિત આ કોલેજ સહિતની શિક્ષણ સંસ્થાઓનું સંચાલન જે વિશ્વાસથી સુખ્યાત કેળવણીકાર સ્વ. લાભુભાઈ ત્રિવેદી, પૂર્વ કુલપતિ સ્વ. પ્રો. સંઘવી, સમાજ શ્રેષ્ઠી સ્વ. જયંતીભાઈ કુંડલીયા, સ્વ. મનુભાઈ વોરા, સ્વ. કુંવરજીભાઈ મારૂ, ઇન્દુભાઇ વોરા વગેરેએ અમને સોંપ્યું તે વિશ્વાસને સાર્થક કરવાનો યતકિંચિત પ્રયત્ન અમે કર્યો છે.

ભગવાન સ્વામિનારાયણની સદવિદ્યા પ્રવર્તનની આજ્ઞા પ્રમાણે ગુરુદેવ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણા અને આ સમાજ ચિંતકોની નિ:સ્વાર્થ સેવાભાવના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ શૈક્ષણિક સુવિધા ઉભી કરવાની અમારી યાત્રામાં પ્રેરકબળ બની રહ્યાં છે.આ યાત્રામાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકોનો અવિસ્મરણીય સહયોગ રહ્યો છે.પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આ સિધ્ધિ માટે કોલેજનાં તમામ વિભાગોના હેડ અને અધ્યાપકોને અભિનંદન આપ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.