Abtak Media Google News

એમેઝોનના CEO પદેથી રાજીનામુ આપવાની જેફ બેઝોસની જાહેરાત

એમેઝોનના નવા સીઈઓ બનશે એન્ડી જેસી

વિશ્વની સૌથી ટોચની કંપનીઓમાં સામેલ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે સીઈઓ પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. 2021ના અંત સુધીમાં સીઈઓની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે અને ત્યારબાદ તેઓ, એકઝિક્યુટિવ ચેરમેન તરીકે જવાબદારી નિભાવશે. તેમની બાદ એમેઝોનના નવા સીઈઓ
એન્ડી જેસી બનશે. તેમણે આ અંગે એક પત્ર લખતા જણાવ્યું છે કે, હવે મારામાં પહેલા જેટલી એનર્જી રહી નથી કે સીઈઓ તરીકે કામગીરી કરી શકુ. જોકે, આ જાહેરાત મારી નિવૃત્તિ નથી. હું બિઝનેશ સાથે સંકળાયેલો રહીશ. કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવીશ.

 એમેઝોન વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની બની, 100 બિલિયન ડોલરનું ત્રિમાસિક વેચાણ કરી રેકોર્ડ નોંધાવ્યો એ વાતની મને ખુશી- બેઝોસ

તેમણે પત્રમાં એમેઝોનનના કર્મચારીઓને જણાવ્યું કે, ‘મને એ જાહેરાત કરતા ખૂબ જ ખુશી થાય છે કે, હું એમેઝોનના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળીશ જ્યારે એન્ડી જેસી સીઇઓ તરીકે કામગીરી સંભાળશે. આ ડિસેમ્બર માસ સુધીમાં રાજીનામું આપી દઈશ. હવે, હું હવે ન્યૂ પ્રોડક્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશ. એન્ડી જેસી પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તે ઉત્કૃષ્ટ લીડર સાબિત થશે’. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એમેઝોને 100 બિલિયન ડોલરનું ત્રિમાસિક વેચાણ કરી રેકોર્ડ નોંધાવ્યો છે. 125.56 બિલિયન ડોલરનું ચોખ્ખું વેચાણ કરી એમેઝોન વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રીટેલર કંપની બની ગઈ છે.

 એન્ડી જેસી પર મને સંપૂર્ણ વિશ્વાસ છે, તે ઉત્કૃષ્ટ લીડર સાબિત થશે- બેઝોસ

જેફ બેઝોસે તેમના પત્રમાં લખ્યું છે કે, ‘આ કંપની 27 વર્ષ પહેલા શરૂ થઇ હતી. એમેઝોન માત્ર એક વિચાર હતો. તેનું કોઇ નામ ન હતું. તે સમયે મને સૌથી વધુ સવાલ પૂછવામાં આવતો હતો કે, ઇન્ટરનેટ શું છે? આજે આ કંપની 1.3 પ્રતિભાશાળી લોકોને રોજગાર આપી રહી છે’

ઉલ્લેખનીય છે કે, જેફ બેજોસે 27 વર્ષ પહેલા 1994માં એમેઝોનની સ્થાપના કરી હતી. એક ઓનલાઇન બુક સ્ટોરથી શરૂ થયેલા એમેઝોનની સફર હવે ઓનલાઇન મેગા રિટેલર બની ગઈ છે. જે દુનિયાભરમાં પોતાની પ્રોડક્ટને વેચે છે. જેફ બેઝોશે કહ્યું કે, નવી ભૂમિકા માટે એન્ડી જેસી પર વિશ્વાસ છે. હું નવી એમેઝોન પ્રોડક્ટસ, નવા ઈનીસ્યેટિવ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છું છુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.