નવા મતદારો માટે 7 અને 13મી માર્ચે રાજકોટમાં થવાની છે આ ખાસ ઝુંબેશ

દરેક વિધાનસભા મતદાર વિભાગમાં બીએલઓ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી કાર્યરત રહેશ

જિલ્લાના 35705 નવા મતદારો ડિજિટલ વોટર કાર્ડ ઇ એપિક ડાઉનલોડ કરી શકશે

નવા મતદારો માટે જિલ્લામાં તા.7 અને 13મીએ  ઇ એપિક ડાઉનલોડ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. જેમાં દરેક વિધાનસભા મતદાર વિભાગમાં બીએલઓ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેમાં જિલ્લાના 35705 નવા મતદારો ડિજિટલ વોટર કાર્ડ ઇ એપિક ડાઉનલોડ કરી આપવામાં મદદ કરવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તા.25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસે ડિજિટલ વોટર કાર્ડ ઇ એપિકની  સુવિધા લોન્ચ કરવામાં આવી હતી. જેમાં હમણાં પૂર્ણ થયેલા મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2021 દરમિયાન એટલે કે તા.9/11/2020થી 15/12/2020 સુધીમાં નોંધાયેલ ફક્ત નવા મતદારો અને જેઓએ ફોર્મ નં. 6માં યુનિક મોબાઈલ નંબર આપેલ છે. તેઓ NVSP.IN વેબસાઈટ તથા VOTER HELPLINE મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઇ એપિક ડાઉનલોડ કરી શકે છે. અત્રેના જિલ્લામાં ઉપર જણાવ્યા મુજબના યુનિક મોબાઈલ નંબર ધરાવતા મતદારોની સંખ્યા 35,705 છે. જિલ્લા ખાતે આવા 35,705 મતદારોને ઇ એપિક ડાઉનલોડ કરવામાં મદદરૂપ થવા માટે તા.7 માર્ચને રવિવારે તથા તા.13 માર્ચને શનિવારે પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગમાં 35,705 મતદારો પૈકી જે મતદારોએ ઇ એપિક ડાઉનલોડ કરેલ નથી. તેઓ પોતાના મોબાઈલ સાથે સંબંધિત મતદાન મથકની મુલાકાત લઈ પોતાના ઇ એપિક ડાઉનલોડ કરાવી શકે છે.

હાલ નોંધાયેલ 35705 મતદારો સિવાયના અન્ય મતદારો ઇ એપિક ડાઉનલોડ કરી શકશે નહીં. તેઓ માટે આ સુવિધા હવે પછી કાર્યરત થનાર છે. નવા મતદારોને ઇ એપિક ડાઉનલોડ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે જાહેર અપીલ કરી છે.

ઇ એપિક કેવી રીતે ડાઉનલોડ કરવું ?

* NVSP.IN  ઉપર પ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

* રજિસ્ટ્રેશન બાદ યુઝર આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કર્યા બાદ વેબસાઈટમાં દાખલ થવાનું રહેશે.

* NVSP.IN ઉપર ઇ એપિક ઓપશન પર ક્લિક કરી ચૂંટણી કાર્ડ નંબર અથવા ફોર્મનો રેફરન્સ નંબર દાખલ કરવો

* મોબાઈલ નંબર ઉપર મળેલ OTP દાખલ કરવાનો રહેશે.

* કેપચા કોડ દાખલ કર્યા બાદ ઇ એપિક ડાઉનલોડ કરવું.