આ વખતનું ઓલમ્પિક ‘ઇડિયટ બોક્સ’ પૂરતું સીમિત !!

ગેમ્સ ઓફ હોપની શરૂઆત: ભારતીય ખેલાડીઓ વિશ્વ ફલકે ત્રિરંગો લહેરાવવા તત્પર

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિકની શરુઆત થઇ રહી છે. રમતોની શરુઆત તો થઇ ચૂકી છે અને ઓપનિંગ સેરેમની સાથે દબદબાભેર શુભારંભ થયો છે. કોવિડ-19 મહામારીના કારણે ગયા વર્ષે ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી.  આમ તો કોરોનાના કેસ ટોક્યોમાં ફરી એક વખત વધ્યા છે, પરંતુ આ વખતે આયોજકોએ સ્થગિત નહી કરવાનો નિર્ણય લીધો છે.

ટોક્યો ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારંભની શરુઆત આજે થઇ છે. ભારતીય સમય પ્રમાણે શરુઆત સાંજે 4:30એ થયુ છે. કોવિડ-19ના સંક્રમણના જોખમને નિયંત્રિત કરવા આયોજકોના પ્રયાસ અંતર્ગત રાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઉદ્ધાટન સમારંભ દરમિયાન મર્યાદિત સંખ્યામાં લોકોને હાજર રાખવાનો નિર્ણય લેવાયો છે.

પહેલા દિવસે ભારત આર્ચરીમાં ભાગ લેનાર છે. આર્ચરીમાં મહિલા વ્યક્તિગત કેટેગરીમાં દીપિકા કુમારીના હાથમાં કમાન છે. રેન્કિંગ રાઉન્ડમાં દીપિકા કુમારીએ નવમુ સ્થાન મેળવ્યુ છે. આ આધાર પર જ તેમનો ડ્રો નક્કી થશે. આર્ચરી વ્યકિતગત પુરુષ રેન્કિંગ રાઉન્ડમાં તરુણદીપ રાય , અતનુ દાસ અને પ્રવીણ જાધવ  ભાગ લેશે. જેને મેડલના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

ટોક્યો ઓલમ્પિકમાં સૌથી મોટી બાબત એ છે કે, આ ઓલમ્પિકમાં પ્રેક્ષકો હાજર નહીં હોય. આ ઓલમ્પિક ફક્ત ઇડિયટ બોક્સ એટલે કે ટી.વી. પૂરતું જ સીમિત રહેશે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને પ્રેક્ષકોની એન્ટ્રી પ્રતિબંધિત કરવામાં આવી છે.

ઓલમ્પિકનું આયોજન ધાર્યા કરતાં વધુ ખર્ચાળ!!

ઓલમ્પિકનું યજમાનીપદ જ્યારે કોઈ દેશ કરતું હોય તો તેની પાછળ ઇકોનોમી હોય છે. ઓલમ્પિકના આયોજનને કારણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય છે જેના કારણે આર્થિક ક્ષેત્રે વૃદ્ધિ નોંધાય છે પણ એક અહેવાલ મુજબ ઓલમ્પિક દર વખતે ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે. ધાર્યા કરતાં પણ વધુ ખર્ચાળ સાબિત થતા ઓલમ્પિકના આયોજન અંગેના ખર્ચનું સરવૈયું કાઉન્સિલ ઓફ ફોરેન રિલેશન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૧૯૯૬થી હાલ સુધીના આંકડાઓ લેવામાં આવ્યા છે.

ઓલમ્પિકના આયોજનના ખર્ચનું સરવૈયું

ઓલમ્પિક      ધારેલું બજેટ(ડોલર) કુલ ખર્ચ(ડોલર)
એટલાન્ટા ૧૯૯૬ ૧.૨ બિલયન ૩.૬ બિલિયન
સિડની ૨૦૦૦ ૩.૨ બિલિયન ૬.૯ બિલિયન
એથેન્સ ૨૦૦૪ ૩ બિલિયન ૧૬ બિલિયન
બેઇજિંગ ૨૦૦૮ ૨૦ બિલિયન ૪૫ બિલિયન
લંડન ૨૦૧૨ ૫ બિલિયન ૧૮ બિલિયન
રિયો ૨૦૧૬ ૧૪ બિલિયન ૨૦ બિલિયન