Abtak Media Google News

જામનગરમાં આગામી દિવસોમાં જળ સંકટ તોળાય તેવા એંધાણ વર્તાયા છે. શહેરની જીવાદોરી સમા ત્રણેય ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે અને હવે આજી-3 ડેમ પણ સાથ છોડી દેવાની તૈયારીમાં છે. જામનગર શહેરની વસ્તી આમ તો પાંચ લાખ છે. પરંતુ જો આ વર્ષે પૂરતો વરસાદ નહીં આવે તો જામનગરવાસીઓને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે. છેલ્લા ત્રણ વર્ષ અપૂરતા વરસાદ વચ્ચે પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. શહેરની વિસ્તારો તો ઠીક, નગરસીમ અને ભાગોળના વિસ્તારોમાં પાણી પુરવઠાની માળખાગત સુવિધા પણ હજુ નથી.

હાલ જામનગરમાં એકાંતરે ૧૧૫ એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે. હાલ ૬૫ એમએલડી જથ્થો આજી-3 ડેમ અને ૫૦ એમએલડી જથ્થો નર્મદામાંથી લેવામાં આવે છે. આજી-3 ડેમમાં હાલ ૧૭૦.૭૫ એમસીએફટી પાણી છે. પરંતુ તેમાંથી માત્ર ૫૫ એમસીએફટી જથ્થો જ વપરાશમાં લઇ શકાશે. જેથી એક જ અઠવાડિયામાં આજી-૩ ડેમનો સોર્સ પણ બંધ થઈ જશે. પરિણામે ૪૦ એમએલડી પાણીની ઘટ પડશે. આ ઘટનાને પહોચી વળવા માટે નર્મદામાંથી ૭૫ એમએલડી અને ૩૦ થી ૩૫ એમએલડી આજી-3 ડેમમાંથી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે એવો તંત્ર દાવો કરી રહ્યું છે.

પ્રથમ રણજીત સાગર ત્યારબાદ સસોઈ અને હવે આજી ત્રણ ડેમ પણ ખાલી થઇ જતા શહેરીજનો પાણીના એક એક ટીપા માટે ખરેખર વલખા મારશે તે નિશ્ચિત છે. જો તંત્ર આગામી દિવસોમાં યોગ્ય આયોજન નહિં કરે તો વિપક્ષે વિવિધ કાર્યક્રમો આપવા રણનીતિ ઘડી છે. તંત્ર નર્મદા પર જ આધાર રાખીને બેઠું છે. છેલ્લા ત્રણ વર્ષથી અપૂરતા વરસાદ વચ્ચે પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. આ વર્ષે પણ હજુ સુધી વરસાદ થયો નથી. ત્યારે આગામી દિવસે વધુ કપરા ચોક્કસ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.