Abtak Media Google News

વૃધ્ધ દંપતી પર ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો રોકડ અને બાઇક મળી રૂા.45 હજારની લૂંટ: વૃધ્ધા ગંભીર

લીલીયા નજીક આવેલા નાના રાજકોટના વૃધ્ધ દંપત્તી પર ત્રણ અજાણ્યા શખ્સોએ રાત્રી દરમિયાન ધોકાથી હુમલો કરી રોકડ અને બાઇક મળી રૂા.45 હજારની મત્તાની લૂંટ ચલાવ્યાની અને ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધના મોતથી લૂંટ વીથ મર્ડરની ઘટનાથી પોલીસમાં દોડદામ મચી ગઇ છે. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાને ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

અમરેલીના ખાંભામાં વૃધ્ધ દંપત્તી પર હુમલો કરી ચલાવેલી લૂંટ અને લીલાયાના બવાડા ગામે થયેલા ડબલ મર્ડર બાદ નાના રાજકોટમાં વૃધ્ધની હત્યા કરી ત્રણ અજાણ્યા શખ્સોએ રૂા.45 હજારની મત્તાની ચલાવેલી લૂંટની ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધોમાં ફફડાટ મચી ગયો છે.

નાના રાજકોટના લખમણભાઇ વિરજીભાઇ વાડોદરીયા નામના 72 વર્ષના વૃધ્ધ અને તેમના 68 વર્ષના વૃધ્ધ પત્ની નબુબેન ગત તા.12મીએ રાતે પોતાના ઘરે સુતા હતા ત્યારે મોડીરાતે ત્રણ અજાણ્યા શખ્સો મકાનની દિવાલ કુદી આવ્યા બાદ બંને પર ધોકાથી હુમલો કરી તિજોરીમાંથી રૂા.10 હજાર રોકડા અને રૂા.35 હજારની કિંમતનું જી.જે.14એએચ. 6990 નંબરના બાઇકની લૂંટ ચલાવી ભાગી ગયાનું અને ગંભીર રીતે ઘનવાયેલા લખમણભાઇનું મોત નીપજતા મૃતકના સુરત ખાતે રહેતા નાના પુત્ર નરેશભાઇ વાડોદરીયાએ લીલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એમ.ડી.ગોહિલે હત્યા અને લૂંટનો ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મમતા પાર્કમાં રહેતા નરેશભાઇ અને પોતાના મોટા ભાઇ વજુભાઈ ઘણા વર્ષોથી સ્થાયી થયા છે. તેમના વૃધ્ધ પિતા લખમણભાઇ વડોદરીયા અને માતા નબુબેન વડોદરીયા પોતાના વતન નાના રાજકોટ ખાતે રહી ખેતીની દેખભાળ સંભાળે છે. ગત તા.12 સાંજે લખમણભાઇ વોડદરીયાએ પોતાના માતા-પિતા સાથે મોબાઇલમાં વાત કરી તે અખરીયા ગામે આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

નરેશભાઇ વાડોદરી તા.13મીએ સવારે પોણા આઠ વાગે બસમાં પરવડી ગામે પહોચ્યા ત્યારે તેમના પોતાના કુટુંબી ભાઇ પ્રવિણભાઇ ગોવિંદબાઇ વાડોદરીયાએ મોબાઇલમાં વાત કરી તાત્કાલિક નાના રાજકોટ આવી જવા જણાવ્યું હતું. નરેશભાઇ વાડોદરીયા પોતાના ગામ નાના રાજકોટ પહોચ્યા ત્યારે તેમના માતા-પિતા પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાથી બંનેને ભાવનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યાની જાણ થતા નરેશભાઇ વાડોદરીયા ભાવનગર પહોચ્યા ત્યારે તેમના પિતા લખમણભાઇ વાડોદરીયાનું મોત નીપજ્યું હતું અને માતા નબુબેન વાડોદરીયાએ ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરી તિજોરીમાંથી રોકડ અને બાઇકની લૂંટ ચલાવ્યાનું જણાવ્યું હતું. પી.એસ.આઇ. ગોહિલે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ નાના રાજકોટ દોડી ગયા

ઘટનાની જાણ થતા કાંગ્રેસી ધારાસભ્ય પ્રતાપ દૂધાત નાના રાજકોટ પહોંચ્યા હતા. દૂધાતે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આક્ષેપ કર્યો હતો અને હત્યારોઓને તાત્કાલિક પકડવામાં આવે તેવી માંગ કરી હતી

થોડા મહિનાઓ પહેલા ખાંભા પંથકમાં એકલા રહેતા વૃધ્ધ દંપતિ પર હીચકારો હુમલો કરવામાં આવ્યો છે. જા કે બવાડામાં થયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ હવામાં બાચકા ભરી રહી છે તો ખાંભા પંથકમાં વૃધ્ધ દંપતી પર થયેલા હુમલાના આરોપીઓ પડકાઈ ચુકયા હતા. નાના રાજકોટમાં એકલા રહેતા વૃધ્ધ દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવતા એકનું મોત નિપજયુ છે ત્યારે ગામમાં રહેતા એકલા વૃધ્ધો પણ જાણે આફત હોય તેવુ લાગી રહ્યુ છે. આ બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ કડક બનાવવાની  માંગ કરી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સુરક્ષાની માંગ સાથે ગૃહ મંત્રીને  પત્ર પાઠવતા પ્રા.જે.એમ.તલાવીયા

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સુરક્ષા પુરી પાડવા બાબતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પ્રા.જે.એમ.તલાવીયાએ પત્ર પાઠવ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે અમરેલી જિલ્લાનું યુવાધન રોજગારી અર્થે અમદાવાદ – આણંદ – વડોદરા – ભરૂચ – અંલેશ્વર – સુરત – નવસારી – વાપી જેવા ઔદ્યોગિક રીતે વિકસિત શહેરોમાં સ્થળાંતરીત થયું છે. ગામડાઓમાં જમીન – મકાન જેવી સ્થાવર મિલકતો સાચવવા માત્ર વડીલો  જ રહે છે.

તાજેતરમાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે એકલા રહેતા વડીલ દંપતી પર લૂંટ અને હત્યાનો બનાવ બન્યો. આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તાજેતરમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના લીલીયા બાજુમાં આવેલા નાના રાજકોટ ગામે પણ એકલા રહેતા વૃદ્ધ દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવી વૃદ્ધને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.અમરેલી જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર આવા બનાવોથી ભયભીત થયો છે. એકલા અટૂલા વડીલોને સ્થાવર મિલકતો સાચવવા અથવા સ્થળાંતર અનુકૂળ ન હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેવુ પડે છે.

જેમની સુરક્ષા અતિ આવશ્યક છે, તો આ અંગે ઘટતું કરવા પ્રા.જે.એમ.તલાવીયાએ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને જણાવ્યું છે.

તેમણે આ રજુઆત પુરુષોત્તમભાઈ રૂપાલા, ભુપેન્દ્રભાઈ પટેલ, મનસુખભાઈ માંડવીયા, સી.આર.પાટીલ, નારણભાઇ કાછડીયા, આર.સી.મકવાણા વગેરેને પણ પત્રની નકલ મોકલી કરી છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.