Abtak Media Google News

દર્દીઓની હાલાકીને લઈને ધારાસભ્યોએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબી અધિક્ષક સાથે ચર્ચા કરી

સૌરાષ્ટ્રની હબગણાતી સિવિલ હોસ્પિટલમાં દિન પ્રતિદિન વધી રહેલી સમસ્યાઓને હલ કરવા અને સૌરાષ્ટ્રભરનાં દર્દીઓને સારવાર મળે તેવા હેતુ સાથે ત્રણેય ધારાસભ્યોએ સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત સમયે સીવીલ સર્જન સાથે સીવીલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી અંગે ચર્ચા કરી હતી. ત્રણેય ધારાભ્યોએ ૧૦-૧૦ લાખની ગ્રાન્ટક મળી કુલ રૂ.૩૦ હજારની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. ધારાસભ્યોની દર્દીઓ પ્રત્યેની માનવતા પ્રસંશનીય છે.

રાજકોટના ધારાભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા દ્વારા સૌરાષ્ટ્રની મુખ્ય સિવિલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યુંં હતુ જેમાં ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અસંખ્ય દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. ત્યારે આ હોસ્પિટલમાં અમુક પ્રકારનાં આધુનિક સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે તે મશીનરી વસાવવા માટે ઉપરોકત ત્રણેય ધારાસભ્યો દ્વારા રૂ.૧૦-૧૦ લાખની ગ્રાન્ટ કુલ રૂ.૩૦ લાખની ગ્રાંટ ફાળવી હોસ્પિટલના અધિક્ષક ડો.મનીષભાઈ મહેતાને જરૂરીયાત મુજબના નાના મોટા મશીન કે સાધનો વસાવવા અંગે ફાળવી હતી.

વધુમાં ઉપરોકત ધારાસભ્યોએ એક બેઠક યોજી હતી જેમાં ખાસ કરીને સફાઈ, પાણી સ્ટ્રીટ લાઈટ, પંખા કે પછી આ હોસ્પિટલમાં દરેક રૂમમાં નવી બેડશીટો પાથરવી જરૂરી જણાય તેવો નિર્ણય લીધો હતો. અન્ય કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ રાત્રી દરમ્યાન પડયા પાથર્યા રહેતા લે ભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવી ઈમરજન્સી વોર્ડમાં કોઈપણ દર્દી જે બહારગામ કે શહેરમાંથી આવે તેઓને તાત્કાલીક અસરથી સારવાર આપવા આવે તેવી સૂચના આપી હતી. આ હોસ્પિટલમાં થોડો ઘણો દવાનો અભાવ હોય જેથી દર્દીઓને અમુક દવા બહાર લેવા જવી પડતી હોય છે. તે અંગે સીવીલ અધ્યક્ષ ડો. મનીષભાઈ મહેતાને જરૂરી સુચના આપી દવાનો સ્ટોક પૂરતો રાખવા જણાવ્યું હતુ. ગુજરાત રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ સરકારી સીવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓની સુખાકારી માટે અસંખ્ય ભંડોળ ફાળવે છે. તેનો ખરા અર્થમાં ઉપયોગ કરવા તાકીદ કરેલ બહાર ગામ કે શહેરમાંથી આવતા દર્દીઓ અમુક રીપોર્ટ બહાર કરવા માટે મોકલે છે. તેવી ફરિયાદ આવતા જરૂરી સાધનો વસાવવા પણ જણાવ્યું હતું.

ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા મહિનામાં એક વખત આ હોસ્પિટલમાં રાઉન્ડ મારશે અને નાના મોટા પ્રશ્ન જે કાઈ હશે તેમાં મદદરૂપ થશે આ સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન સીવીલ હોસ્પિટલના કાઉન્સેલર જયંતભાઈ ઠાકર તેમજ ગુજરાત રાજય આર્થિક પછાત નિગમના ડાયરેકટર અનિલભાઈ મકવાણા હાજર રહ્યા હતા. સીવીલ હોસ્પિટલનાં સર્વાંગી વિકાસ અને હોસ્પિટલને સ્પર્શતા જરૂરી સાધનો વસાવવા ત્રણેય ધારાસભ્યોએ સૂચના આપી મદદ કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.