Abtak Media Google News

રાજકોટની સ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થીની વાપી જૂડો રમીને પરત આવતા નડયો જીવલેણ અકસ્માત

વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે હાઇ-વે પર ઉભેલા ટ્રક ન દેખાતા ધડાકાભેર તૂફાન અથડાઇ: ત્રણ શિક્ષક સહિત દસ ઘવાયા

બગોદરા-વટામણ હાઇવે પર આવેલા અરણેજ ગામ પાસે વહેલી સવારે રસ્તા પર બંધ ઉભેલા ટ્રક પાછળ તૂફાન જીપ ધડાકા સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટની સ્કૂલના બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અકસ્માતમાં ત્રણ શિક્ષક સહિત દસ ઘવાતા તમામને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વટામણ નજીક આવેલા અરણેજ ખાતે હાઇ-વે ટ્રક ઉભો હતો વટામણ તરફથી પુર ઝડપે આવતી તૂફાનના ચાલકના ઝાકળના કારણે ટ્રક ન દેખાતા ટ્રક પાછળ તૂફાન જીપ અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

રાજકોટની અલગ અલગ સ્કૂલના દસ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અને ત્રણ શિક્ષકો વાપી ખાતે જુડો રમવા માટે ગઇ હતી. રાજકોટના ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલ ખાતેથી રવાના થયા હતા. વહેલી સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો તૂફાન જીપમાં પરત આવી રહ્યા હતા ત્યારે વટામણ નજીક અરણેજ ગામ પાસે બંધ ટ્રક સાથે તૂફાન અથડાતા સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના વિશાલ મુકેશભાઇ ઝરીયા, હર્ષદ ભાર્ગવભાઇ પઢીયાર અને ઇસીતાબેન ધોળકીયાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

અરણેજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયાની પોલીસને જાણ થતા પી.એસ.આઇ. એ.એન.જાની સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય શિક્ષકો સહિત દસને બાવળા અને ફેદરાની 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાજકોટના વિદ્યાર્થીઓને જીવલેણ અકસ્માત નડયાની જાણ વાલીઓને થતા તેઓ અમદાવાદ હોસ્પિટલ ખાતે દોડી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.